Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

નોટબંધી બાદ નીરવ મોદી પાસેથી કેશમાં દાગીના ખરીદનારાઓ ITના રડાર પર

નવી દિલ્હી તા. ૨૦ : પીએનબીમાં થયેલ મહાકૌભાંડ સામે આવ્યા બાદ હવે ઈન્કમટેકસ વિભાગના રડાર પર આ ફ્રોડના મુખ્ય આરોપી નીરવ મોદી પાસેથી કીમતી દાગીના અને આભૂષણો ખરીદનાર જાણીતા લોકો પણ છે. ઈન્કમટેકસ વિભાગ નોટબંધી બાદ નીરવ મોદીની કંપની પાસેથી કીમતી ઘરેણાં ખરીદનારા મોટા લોકો પર નજર રાખી રહ્યો છે અને ટૂંક સમયમાં તેમની પૂછપરછ થઈ શકે છે.

ઈન્કમટેકસ વિભાગની આ યાદીમાં ૫૦થી એવા વધુ લોકો છે જેમણે નોટબંધી દરમિયાન નીરવ મોદીને જંગી કેશ રકમ આપીને કીમતી દાગીના ખરીદ્યા હતા. ઈન્કમટેકસ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે કેશમાં નીરવ મોદી પાસેથી જંગી રકમના દાગીના ખરીદનાર મોટાભાગના લોકોનાં નામો કોર્પોરેટ વર્લ્ડના છે. આ ઉપરાંત રાજકારણ સાથે સંકળાયેલા કેટલાક મહાનુભાવોએ પણ નીરવ મોદીને નોટબંધી દરમિયાન જંગી કેશ આપીને મોંઘા દાગીના ખરીદ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ઈન્કમટેકસ વિભાગે નીરવ મોદી અને ગીતાંજલિ ગ્રૂપમાં જાન્યુઆરી ૨૦૧૭માં તપાસ અને સર્વે કરાયા બાદ એવું જણાવ્યું હતું કે નોટબંધી બાદ નીરવ મોદી અને ગીતાંજલિ ગ્રૂપમાં રૂ. ૨૫૦ કરોડનું કેશ ટ્રાન્ઝેકશન થયું હતું. હજુ સુધી આ રકમની વિસ્તૃત વિગતો જાહેર કરી નથી, હવે ઈન્કમટેકસ વિભાગ નીરવ મોદી અને મેહુલ ચોકસી પાસેથી રોકડ રકમ આપીને દાગીના ખરીદનારાઓની પૂછપરછ કરી શકે છે.

સોમવારે ઈન્કમટેકસ વિભાગના ડાયરેકટર જનરલ (મુંબઈ) એ. એસ. શંકરે દિલ્હીમાં મહેસુલ સચિવ હસમુખ અઢિયા અને સીબીડીટીના ચેરપર્સનની મુલાકાત લીધી હતી અને આ અંગે આગળ ચર્ચા કરી હતી.

(4:49 pm IST)