Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

માર્ચ મહિનામાં તહેવારોની વણઝાર

હોળી-ધુળેટી, ગુડી પડવો, રામ નવમી, ગુડ ફ્રાઇડે, હનુમાન જયંતિના તહેવારોઃ અધિક માસ હોવાથી તહેવારો વ્હેલાઃ હોળી-ધુળેટી ૧ર દિ' વ્હેલા

નવી દિલ્હી, તા. ર૦ : ભગવાન શંકરની આરાધનાના પર્વ મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી બાદ હવે રંગોના તહેવાર ધુળેટીની ઉજવણી થશે. દેશભરમાં હોળી, ધુળેટી પર્વની વિવિધ માન્યતા અને પરંપરાગત વિધિને આધારે મનાવવામાં આવે છે. ગુજરાતમાં રંગોના તહેવાર તરીકે ધુળેટીની ઉજવણી થાય છે. આવા અનેરા પર્વની ઉજવણીની હવે યુવાનો, મોટેરાઓ રાહ જોઇ રહ્યા છે ત્યારે માર્ચ માસમાં હોળી, ધુળેટી સાથે જ તહેવારોની વણઝાર જોવા મળશે. તેમાં પણ આ વર્ષે અધિક માસ હોવાને કારણે માર્ચમાં આવનારા તમામ તહેવારો ૧૦થી ૧ર દિવસ વહેલા આવશે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ૧ર દિવસ વહેલી હોળી આવશે. હોલિકાદહન સાથે માર્ચની શરૂઆત થશે. આ સિવાય ધુળેટી, ગુડી પડવો, રામનવમી, ગુડ ફ્રાઇડે, હનુમાન જયંતી જેવા પર્વો પણ ઉજવાશે.

અધિક માસ હોય તે વર્ષમાં તહેવારો, પર્વ વહેલા આવે છે. જેમાં ર૦૧પની સાલ બાદ ચાલુ વર્ષે અધિક માસ હોય પહેલા દિવાળી સહિતના પર્વની વહેલી ઉજવણી થયા બાદ હવે હોલિકાદહન પણ ૧ર દિવસ વહેલું થશે. ગત વર્ષે ૧ર માર્ચે હોળી પર્વની ઉજવણી થઇ હતી. જયારે ચાલુ વર્ષે ૧ માર્ચે હોલિકાદહન સાથે માર્ચ માસની શરૂઆત થશે. જોકે, આ સિવાય માર્ચમાં અન્ય ઘણા તહેવારોની ભરમાર જોવા મળશે. તેમાં ર માર્ચના રોજ ધુળેટી સિવાય ૬ માર્ચે રંગપંચમી ૯ માર્ચના રોજ શીતળા અટષ્મી રહેશે. ત્યાર બાદ ૧૮ માર્ચથી ધાર્મિક રીતે મહત્વ ધરાવતી ચૈત્ર નવરાત્રિ શરૂ થશે.

ઉપરાંત ૧૮  માર્ચના રોજ જ સિંધી સમુદાયમાં મહત્વના પર્વ એવા ગુડી પડવાની ઉજવણી કરાશે. ૧૯ માર્ચના રોજ ચેટી ચાંદ અને ર૦ માર્ચના રોજ ગણગૌર ત્રીજ મનાવવામાં આવશે. તદ્ઉપરાંત રપ માર્ચના રવિવાર રામનવમી અને દુર્ગાષ્ટમી પર્વની ઉજવણીનો ઉત્સાહ, ઉન્માદ જોવા મળશે. ત્યારબાદ ર૯ માર્ચના રોજ મહાવીર જયંતી, ૩૦ માર્ચે ગુડ ફ્રાઇડે અને ૩૧ માર્ચે હનુમાન જયંતિની ઉજવણી થશે. આમ, આખા માર્ચ માસમાં ધાર્મિક પર્વોની ઉજવણીનો દોર જોવા મળશે. તેમાં પણ ચાલુ વર્ષે અધિક માસ હોવાને કારણે તમામ પર્વો ૧૦થી ૧ર દિવસ વહેલા આવશે. ચાલુ વર્ષે પુરૂષોત્તમ માસ તરીકે પણ ઓળખાતો અધિક માસ ૧૬મેથી ૧૩ જૂન સુધી આવશે એવું જયોતિષાચાર્યએ જણાવ્યું હતું.(૮.૪)

(11:29 am IST)