Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

સાયના નેહવાલને લઈને કરેલા ટ્વીટ મામલે અભિનેતા સિદ્ધાર્થની મુશ્કેલીમાં વધારો : ચેન્નાઇ પોલીસનું સમન્સ

અગાઉ રાષ્ટ્રીય મહિલા આયોગે ટ્વિટરને બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ વિરુદ્ધ “અભદ્ર અને અયોગ્ય” ટ્વીટ કરવા બદલ અભિનેતા સિદ્ધાર્થનું એકાઉન્ટ બ્લોક કરવા અને ફરિયાદ નોંધવા કહ્યું હતું

ચેન્નાઈ પોલીસે બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલને લઈને કરેલા ટ્વીટ મામલે અભિનેતા સિદ્ધાર્થને સમન્સ પાઠવ્યા છે. ચેન્નાઈના પોલીસ કમિશનર શંકર જીવલે એક નિવેદન જારી કરીને કહ્યું કે અભિનેતા સિદ્ધાર્થને બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલ પરના વિવાદાસ્પદ ટ્વિટ માટે સમન્સ મોકલવામાં આવ્યો છે. આ અંગે અમને 2 ફરિયાદ મળી છે. અમે આ મામલે તેમની પાસેથી તેમનું નિવેદન નોંધવા માંગીએ છીએ.

અગાઉ રાષ્ટ્રીય મહિલા આયોગે ટ્વિટરને બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ વિરુદ્ધ “અભદ્ર અને અયોગ્ય” ટ્વીટ કરવા બદલ અભિનેતા સિદ્ધાર્થનું એકાઉન્ટ બ્લોક કરવા કહ્યું છે. આ સાથે તેણે મહારાષ્ટ્ર પોલીસને સિદ્ધાર્થ વિરુદ્ધ એફઆઈઆર નોંધવા કહ્યું છે. સિદ્ધાર્થે સાયના વિરુદ્ધ આ ટિપ્પણી તેના ટ્વિટના સંદર્ભમાં કરી હતી, જે તેણે વડા પ્રધાન મોદીની સુરક્ષામાં ‘ગંભીર લેપ્સ’ના મુદ્દાને લઈને કરી હતી.

મહિલા આયોગે જણાવ્યું હતું કે અભિનેતાની આ ટિપ્પણી મહિલા વિરોધી છે, મહિલાઓની નમ્રતા પર આક્રોશ ફેલાવે છે, અપમાનજનક છે અને મહિલાઓની ગરિમાને ઠેસ પહોંચાડે છે. કમિશને કહ્યું હતું કે અભિનેતા દ્વારા કરવામાં આવેલી “અભદ્ર અને અયોગ્ય” ટિપ્પણીને ધ્યાનમાં લેવામાં આવી છે.

અભિનેતા સિદ્ધાર્થે પોતાના એક ટ્વિટમાં બેડમિન્ટન સ્ટાર સાયના નેહવાલનો ઉલ્લેખ કર્યો હતો. આ વિવાદાસ્પદ ટ્વીટમાં રંગ દે બસંતીમાં કામ કરી ચૂકેલા અભિનેતાએ ડબલ અર્થનો ઉપયોગ કરીને નેહવાલ પર અભદ્ર ટિપ્પણી કરવાનો પ્રયાસ કર્યો છે. હાલ પુરતું, હવે સિદ્ધાર્થની મુશ્કેલીઓ વધી શકે છે. અભિનેતાએ તેના ટ્વીટ અંગે પણ સ્પષ્ટતા કરી હતી. તેના ટ્વીટનો જવાબ આપતા તેણે લખ્યું કે તેની ટ્વીટ ખોટી રીતે લેવામાં આવી છે. તેનો ઈરાદો કોઈને દુઃખ પહોંચાડવાનો ન હતો.

(11:46 pm IST)