Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

કેન્દ્રીય બજેટમાં આરોગ્ય ક્ષેત્રને સૌથી વધુ પ્રાધાન્ય મળવા સંભવ: એસોચેમના સર્વેમાં આ વાત ઉભરી

સર્વેમાં સામેલ લોકોએ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME), ઉર્જા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજી જેવા ક્ષેત્રોને પણ બજેટની પ્રાથમિક યાદીમાં સ્થાન આપ્યું : લોકોએ આવકવેરો ઘટાડવાની પણ માંગણી કરી

નવી દિલ્હી :  કોરોના વાયરસ મહામારી દ્વારા ઉભા થયેલા પડકારો વચ્ચે નાણાકીય વર્ષ 2022-23 માટે કેન્દ્રીય બજેટમાં આરોગ્ય ક્ષેત્રને સૌથી વધુ પ્રાધાન્ય મળે તેવી સંભાવના છે. ઇન્ડસ્ટ્રી બોડી એસોચેમે ગુરુવારે એક સર્વેમાં આ વાત કહી છે. એસોચેમે કહ્યું કે તેના સર્વેમાં સામેલ 47 ટકા લોકોએ અપેક્ષા વ્યક્ત કરી છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટમાં હેલ્થકેર સેક્ટર પર સૌથી વધુ ફોકસ કરશે. સર્વેમાં સામેલ લોકોએ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME), ઉર્જા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજી જેવા ક્ષેત્રોને પણ બજેટની પ્રાથમિક યાદીમાં સ્થાન આપ્યું છે. આ સર્વેમાં 40 શહેરોમાં અલગ-અલગ સેક્ટરમાં કામ કરતા 400 લોકોનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. એસોચેમે જણાવ્યું હતું કે સરકારના સક્રિય પગલાં અને ફ્રન્ટલાઈન કામદારોના અથાક પ્રયાસોએ અનિશ્ચિત પરિસ્થિતિનો સામનો કરવામાં મદદ કરી છે.

આ સાથે તેમણે કહ્યું કે કોરોના મહામારીએ જાહેર આરોગ્ય પ્રણાલીમાં કેટલીક ખામીઓ પણ ઉજાગર કરી છે. વધુમાં, સર્વેમાં લગભગ 40 ટકા ઉત્તરદાતાઓએ જણાવ્યું હતું કે ખાનગી માગ અને વપરાશને વેગ આપવા માટે નાણાં પ્રધાને અન્ય પગલાંની સાથે આવકવેરો ઘટાડવો જોઈએ. રોજગાર સર્જનની ગતિને વેગ આપવા માટે સરકાર શું કરી શકે તે અંગે પૂછવામાં આવતા મોટાભાગના લોકોએ કહ્યું કે સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હાઉસિંગ સેક્ટર પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

 અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે બજેટ ફાળવણી વધારશે કે નહીં તે અંગે કંઈ સ્પષ્ટ નથી. પરંતુ સરકાર કોરોના વાયરસ મહામારીને પહોંચી વળવા માટે પહેલેથી જ ચાલી રહેલા ખર્ચને સાથે ચાલુ રાખશે. નિષ્ણાંતોનું માનવું છે કે કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોને દસ્તક આપ્યા બાદ એ વાતની વધુ પુષ્ટિ થઈ ગઈ છે કે કોવિડ સંબંધિત ખર્ચ સરકારની પ્રાથમિકતામાં હશે.

અત્યારે સમગ્ર દેશમાં કોવિડ રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. તેના નવા તબક્કામાં, 15-18 વર્ષના કિશોરોને પણ ઉમેરવામાં આવ્યા છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે માર્ચ મહિનાથી 12 વર્ષથી ઉપરના બાળકો માટે રસીકરણ શરૂ કરવામાં આવશે. આ સ્થિતિમાં સરકાર બજેટમાં આ માટે ફાળવણી વધારવાનો નિર્ણય લઈ શકે છે.

(10:17 pm IST)