Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

અરૂણાચલ પ્રદેશમાંથી લાપત્તા ૧૭ વર્ષના કિશોરને પરત લાવવા માટે ચીની સેના સાથે હોટલાઇન ઉપર સંપર્કઃ જા કે ચીની સેના તરફથી હજુ સુધી કોઇ પ્રતિક્રિયા ન મળતા ચિંતા

કિશોરનું ચીનની પીપલ્સ લિબરેશન આર્મી દ્વારા અપહરણ કરાયા બાદ તેને પરત લાવવા વાટાઘાટો

નવી દિલ્હીઃ અરુણાચલ પ્રદેશમાંથી 17 વર્ષીય કિશોર ગુમ થયાની માહિતી મળ્યા બાદ તેને પરત લાવવાના પ્રયાસો તેજ કરી દીધા છે. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય સેનાના સ્થાનિક કમાન્ડરે અરુણાચલ પ્રદેશમાંથી ગુમ થયેલા છોકરાની સલામત વાપસી માટે હોટલાઇન પર ચીની સેનાનો સંપર્ક કર્યો છે. ચીની સેના તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે અરુણાચલ પ્રદેશના એક સાંસદે દાવો કર્યો કે કિશોરનું ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું.
સંરક્ષણ સૂત્રોએ ગુરૂવારે જણાવ્યું કે, અરૂણાચલ પ્રદેશમાંથી મિરામ તરોન લાપતા થયો તે અંગે સૂચના મળી એટલે ભારતીય સેનાએ તરત જ પીએલએનો સંપર્ક કર્યો હતો. પીએલએને તેમના વિસ્તારોમાં તેને શોધવા તથા એએસટીડી પ્રોટોકોલ પ્રમાણે તેને પાછો સોંપવા સહાયતા માગવામાં આવી છે.
અરૂણાચલ પ્રદેશના સાંસદ ગાઓએ જણાવ્યું કે, છોકરાનું અપહરણ બુધવારે અપ્પર સિયાંગ જિલ્લામાંથી કરવામાં આવ્યું હતું. સાંસદે જણાવ્યું કે, પીએલએ દ્વારા વધુ એક યુવકના અપહરણનો પ્રયત્ન કરવામાં આવેલો પરંતુ તે ભાગવામાં સફળ રહ્યો હતો અને સ્થાનિક પ્રશાસનને તેણે જ પોતાના સાથીદારના અપહરણની જાણકારી આપી હતી. ગાઓએ જણાવ્યું કે, તેમણે આ સમગ્ર કેસની જાણકારી ગૃહ રાજ્યમંત્રી નીતીશ પ્રમાણિકને આપી હતી અને સરકારી એજન્સીઓની મદદથી તેને ઝડપથી મુક્ત કરાવવાની માગણી કરી હતી.
અગાઉ સપ્ટેમ્બર 2020માં પણ ચીને આ પ્રકારની હરકત કરી હતી. પીએલએએ અરૂણાચલના ઉપરી સુબનસિરી જિલ્લામાંથી 5 લોકોનું અપહરણ કરી લીધું હતું. સ્થાનિક મીડિયાએ આ મુદ્દો ઉઠાવ્યો ત્યાર બાદ તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી કિરેન રિજિજૂએ આ મુદ્દો ચીન સમક્ષ રાખ્યો હતો અને અપહ્યત લોકોની મુક્તિ સુનિશ્ચિત કરાવી હતી.

(4:52 pm IST)