Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

રિયલ એસ્ટેટના ધમાકેદાર તેજીના અણસાર

આ વર્ષે પ્રોપર્ટીના ભાવ ૩૦% વધવાની આગાહી

ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ સુધરે તો ૯૨% ડેવલપર્સ નવા પ્રોજેકટ લાવશેઃ ક્રેડાઈએ દેશના ૨૧ રાજયોમાં ૧૩૨૨ ડેવલપર્સ પર સરવે કરી તેમનો મત જાણ્યો

મુંબઇ, તા.૨૦: રિયલ એસ્ટેટ અથવા પ્રોપર્ટી સેકટરને ભારતમાં રોકાણકારો ઇન્વેસ્ટમેન્ટ માટેના એક મજબૂત સેકટર તરીકે જોતા હોય છે. પ્રોપર્ટીના ભાવો હંમેશા વધતા રહે છે અને ૨૦૨૨માં પણ સારી જગ્યાએ પ્રોપર્ટીમાં કરેલું રોકાણ તગડું વળતર અપાવશે તેવી આગાહી છે.

રિયલ એસ્ટેટ ક્ષેત્રના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ વર્ષમાં પ્રોપર્ટીના ભાવમાં લગભગ ૩૦ ટકા સુધી વધારો થવાની શકયતા છે. અત્યારે સૌની નજર ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ પર રહેલી છે. જો બિઝનેસ કરવાનું વધારે સરળ બનશે તો ૯૨ ટકા જેટલા ડેવલપર્સ ચાલુ વર્ષમાં નવા પ્રોજેકટ લાવશે.

રિયલ્ટી ડેવલપર્સ માટેના સંગઠન ક્રેડાઈ દ્વારા કરવામાં આવેલા સરવેમાં આ જાણવા મળ્યું છે. દેશના ૨૧ રાજયોમાં ૧૩૨૨ ડેવલપર્સને આ સરવેમાં સામેલ કરવામાં આવ્યા હતા.

અગ્રણી બિલ્ડર્સને આશા છે કે ૨૦૨૨માં પ્રોપર્ટીના ભાવમાં ૩૦ ટકા સુધી ઉછાળો આવશે. હાલમાં બિલ્ડિંગ મટિરિયલનો ભાવ સતત વધી રહ્યો છે. આ ઉપરાંત મજૂરોના વેતનમાં વધારો કરવામાં આવ્યો છે જેના કારણે રિયલ્ટી ડેવલપમેન્ટ મોંદ્યું પડે છે. તેની સીધી અસર પ્રોપર્ટીના ભાવ પર પડશે.રિયલ એસ્ટેટ કંપનીઓના રાષ્ટ્રીય સંગઠન ક્રેડાઈના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે ૬૦ ટકા ડેવલપર્સના મતે ચાલુ વર્ષમાં રિયલ એસ્ટેટના ભાવમાં ૨૦ ટકા સુધી વધારો થશે. તેમાં રેસિડેન્શિયલ તથા કોમર્શિયલ એમ બંને પ્રકારની પ્રોપર્ટી આવી જાય છે.

૩૫ ટકા બિલ્ડરોએ જણાવ્યું કે ચાલુ વર્ષમાં રિયલ એસ્ટેટના ભાવમાં ૧૦ થી ૨૦ ટકા સુધી વધારો થશે. જયારે ૨૫ ટકા બિલ્ડરો માને છે કે આ વખતે પ્રોપર્ટીના ભાવમાં થનારો વધારો ૧૦ ટકા સુધી મર્યાદિત રહેશે.

૨૧ ટકા બિલ્ડરો એવા હતા જેઓ પ્રોપર્ટીના ભાવમાં ૨૦૨૨ના અંદર ૩૦ ટકા સુધી વધારો થશે તેમ માને છે. દેશભરમાં આ સરવે ૩૦ ડિસેમ્બર ૨૦૨૧ થી લઈને ૧૧ જાન્યુઆરી ૨૦૨૨ દરમિયાન કરવામાં આવ્યો હતો અને તેના પરિણામો રિયલ એસ્ટેટ ડેવલપર સેન્ટીમેન્ટ સરવે તરીકે જારી કરવામાં આવ્યો છે.

ક્રેડાઈ સેન્ટીમેન્ટ રિપોર્ટ, ૨૦૨૨ માં જણાવ્યું છે કે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની સ્થિતિ સુધરશે તો ૯૨ ટકા ડેવલપર્સ નવા પ્રોજેકટ લોન્ચ કરશે. તેના માટે કેન્દ્રિય બજેટમાં કેવી જાહેરાતો કરવામાં આવે છે તેના પર નજર રહેશે. આ સરવે ભારતના ૨૧ રાજયોમાં કરવામાં આવ્યો હતો અને તેમાં દિલ્હી, મુંબઈ, અમદાવાદ, ચેન્નાઈ, કોલકાતા, હૈદરાબાદ, બેંગલુરુ, MMR અને પૂણેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સરવે રિપોર્ટ પ્રમાણે બિલ્ડિંગ મટિરિયલના ભાવ વધ્યા હોવાથી પ્રોપર્ટીના ભાવમાં ઉછાળો આવશે. ક્રેડાઇના રાષ્ટ્રીય અધ્યક્ષ હર્ષવર્ધન પટોડિયાએ જણાવ્યું કે ડેવલપરો આ મહામારી દરમિયાન પોતાની ડિજિટલ હાજરી વધારવા પર ધ્યાન આપી રહ્યા છે જેથી ઓનલાઈન ખરીદી વધારી શકાય.

હાલમાં ૩૯ ટકા ડેવલપર ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ૨૫ ટકા જેટલું વેચાણ કરે છે તેમ તેમણે કહ્યું હતું.(

(3:38 pm IST)