Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

ચાલુ મોટરે ફોન ઉપર વાત કરો છો? હેન્ડસ ફ્રી મોબાઇલ હોય તો દંડ નહિ થાય

નિતીન ગડકરીની જાહેરાતઃ હેન્ડસ હેલ્ડ મોબાઇલના ઉપયોગ માટે દંડની જોગવાઇ છે

નવી દિલ્હી : કેન્દ્રિય વાહન - વ્યવહાર પ્રધાન શ્રી નિતીન ગડકરીએ જણાવ્યું છે કે ટ્રાફિક નિયમો અનુસાર કાર ચલાવતી વખતે કોઇ ડ્રાઇવર હેન્ડસ ફ્રીનો ઉપયોગ કરી મોબાઇલ ફોન ઉપર વાત કરતો હોય તો તે દંડનીય અપરાધ નથી. અને ટ્રાફિક પોલિસ તમને ચલણ પકડાવી શકે નહિ. સરકારે જાતે આ માહિતી આપી છે. જો કોઇ ટ્રાફિક પોલીસ કર્મચારી તમને દંડ કરે તો તમે તેને કોર્ટમાં ઢસડી જઇ શકો છો. હેન્ડસ ફ્રીનો ઉપયોગ કરી ડ્રાઇવર પોતાના મોબાઇલનો ઉપયોગ કરતો હોય તો તે માટે ડ્રાઇવરે કોઇ દંડ ભરવો નહિ પડે.

વાસ્તવમાં લોકસભામાં કેરળના કોંગ્રેસી સાંસદ હિબી ઇડને પ્રશ્ન પૂછેલ કે શું મોટર વ્હીકલ એકટ ર૦૧૯ ના સેકસન ૧૮૪ (ગ) માં મોટર વાહનોમાં હેન્ડસ ફ્રી કોમ્યુનીકેશન સગવડનો ઉપયોગ કરવા અંગે કોઇ દંડની જોગવાઇ છે ખરી ? ઉત્તરમાં શ્રી ગડકરીએ કહયું કે હેન્ડ-હેલ્ડ (હાથવડે પકડીને ઉપયોગમાં લેવાતા) મોબાઇલ ઉપકરણોના ઉપયોગ માટે દંડની જોગવાઇ છે પણ હેન્ડસ ફ્રીના ઉપયોગ માટે આવી કોઇ દંડની જોગવાઇ નથી.

(3:22 pm IST)