Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

ભાજપના ધારાસભ્યને તેમના જ મતવિસ્તારના ગામ લોકોએ ભગાડી મુકયા

ગામલોકોમાં આશરે એક વર્ષ ચાલેલા આંદોલન બાદ સરકાર દ્વારા પાછા ખેંચાયેલા કૃષિ કાયદા સહિત અનેક મુદ્દે રોષ જોવા મળી રહ્યો હતો

લખનૌ, તા.૨૦: આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના અનુસંધાને ભાજપના એક ધારાસભ્ય જયારે મુઝફ્ફરનગર ખાતે પોતાના મતવિસ્તારમાં પ્રચાર કરવા નીકળ્યા ત્યારે લોકોના રોષનો ભોગ બન્યા હતા. રોષે ભરાયેલા લોકો તેમની ગાડીને દ્યેરી વળ્યા હતા અને તેમણે ત્યાંથી પરત ફરવું પડ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ ભારે વાયરલ થઈ રહ્યો છે.

ખટૌલી બેઠક પરથી ભાજપના ધારાસભ્ય વિક્રમ સિંહ સૈની બુધવારે એક બેઠક માટે ત્યાં પહોંચ્યા હતા પરંતુ સ્થાનિકોના રોષનો ભોગ બન્યા હતા. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, વિક્રમ સૈની ગામમાં પ્રવેશ્યા તે સાથે જ લોકોના ટોળાએ તેમના વિરૂદ્ઘ નારાબાજી શરૂ કરી દીધી હતી અને તેમની ગાડીને દ્યેરી વળ્યા હતા. ટોળે વળેલા ગામલોકોમાં આશરે એક વર્ષ ચાલેલા આંદોલન બાદ સરકાર દ્વારા પાછા ખેંચાયેલા કૃષિ કાયદા સહિત અનેક મુદ્દે રોષ જોવા મળી રહ્યો હતો.

ત્યાર બાદ વિક્રમ સૈનીએ લોકો સામે હાથ જોડી દીધા હતા અને તેમની ગાડી ત્યાંથી નીકળી ગઈ હતી. આમ તેમને પોતાના જ મતવિસ્તારમાંથી ભાગવાનો વારો આવ્યો હતો.

વિક્રમ સૈની પોતાના ઉશ્કેરણીજનક નિવેદનોને લઈ પ્રખ્યાત છે. ૨૦૧૯ના વર્ષમાં તેમણે ભારતમાં અસુરક્ષિતતાની લાગણી અનુભવતા હોય તેવા લોકો પર પ્રહાર કર્યો હતો. તેના એક વર્ષ પહેલા તેમણે કહ્યું હતું કે, 'આપણો દેશ હિંદુસ્તાન કહેવાય છે, મતલબ કે હિંદુઓ માટેનો દેશ. આ સિવાય તેમણે ગૌહત્યા કરનારાઓના હાથ-પગ તોડી નાખવાની ધમકી પણ આપી હતી.

ઉત્ત્।ર પ્રદેશમાં આગામી ૧૦મી ફેબ્રુઆરીથી કુલ ૭ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે તથા ૧૦ માર્ચના રોજ પરિણામ જાહેર થશે.

(3:20 pm IST)