Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

NEETમાં OBC અનામત આપવાનો નિર્ણય યોગ્યઃ સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે NEET પરીક્ષામાં અન્ય પછાત વર્ગો (OBC) માટે અનામતને યોગ્ય ઠેરવ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, PG અને UG ઓલ ઈન્ડિયા કવોટામાં ૨૭ OBC અનામત બંધારણીય રીતે માન્ય રહેશે

સુપ્રીમ કોર્ટે NEET પરીક્ષામાં અન્ય પછાત વર્ગો (OBC) માટે અનામતને યોગ્ય ઠેરવ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, PG અને UG ઓલ ઈન્ડિયા કવોટામાં ૨૭% OBC અનામત બંધારણીય રીતે માન્ય રહેશે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, કેન્દ્રને અનામત આપતા પહેલા આ કોર્ટની પરવાનગી લેવાની જરૂર નથી. NEETમાં OBC અનામત આપવાનો કેન્દ્રનો નિર્ણય યોગ્ય છે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ એએસ બોપન્નાની સ્પેશિયલ બેન્ચે AIQ UG અને PG મેડિકલ સીટોમાં ૨૭ ટકા OBC આરક્ષણ લાગુ કરવાના કેન્દ્રના નિર્ણયને સમર્થન આપ્યું છે. સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહ્યું કે, મેરિટની સાથે અનામત પણ આપી શકાય છે, તે વિરોધાભાસી નથી. તેમજ સુપ્રીમ કોર્ટે કહ્યું કે અનામત અને મેરિટ એકબીજાની વિરુદ્ઘ નથી, સામાજિક ન્યાય માટે અનામત જરૂરી છે.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં કોર્ટે EWS કેટેગરીમાં આઠ લાખ વાર્ષિક આવકના સ્કેલને જાળવી રાખીને વર્તમાન સત્ર માટે કાઉન્સેલિંગની મંજૂરી આપી છે. EWS કવોટા પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યા પછી કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ચીફ જસ્ટિસને આ મામલે જલ્દી સુનાવણી કરવાની માંગ કરી હતી.

AIQ સીટો માટે NEET PG કાઉન્સેલિંગ ચાલુ છે. જયારે રાઉન્ડ ૧ સામે રજીસ્ટ્રેશન અને ચોઈસ ફિલિંગ સમાપ્ત થઈ ગયું છે, NEET PG કાઉન્સેલિંગ રાઉન્ડ ૧નું પરિણામ (NEET PG Counselling Result) હજુ જાહેર થવાનું બાકી છે. જે ૨૨ જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે. NEET PG પરીક્ષા ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૧ ના   રોજ યોજાઈ હતી. તે પહેલા જાન્યુઆરી અને એપ્રિલમાં બે વખત પરીક્ષાના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. દેશભરની વિવિધ મેડિકલ કોલેજોના નિવાસી ડોકટરોએ વહેલી કાઉન્સેલિંગ પ્રક્રિયાની માંગણી સાથે ગયા મહિને વિરોધ પ્રદર્શનો કર્યા હતા અને કામનો બહિષ્કાર કર્યો હતો.

NEET PG ૨૦૨૧ કાઉન્સિલિંગમાં, SC માટે ૧૫ ટકા બેઠકો, ST માટે ૭.૫ ટકા, OBC (NCL) માટે ૨૭ ટકા (સેન્ટ્રલ OBC યાદી મુજબ), EWS માટે ૧૦ ટકા આરક્ષણ, વિવિધ વિકલાંગ વર્ગ માટે ૫ ટકા અનામત હશે. ફરક એ છે કે, અગાઉ OBC અને EWS અનામત માત્ર કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં જ હતી, પરંતુ આ વખતે તેને રાજયની બેઠકો પર પણ લાગુ કરવામાં આવી રહી છે.

(3:19 pm IST)