Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

બજેટમાં 'કડવો ડોઝ' પણ હશેઃ આવકવેરાની કેટલીક છુટછાટો બંધ થશેઃ કેપિટલ ગેઇન્સ ટેક્ષ રેટ તર્કસંગત થશે

રાહતો ધીમે ધીમે બંધ કરવાનું એક માળખુ રજુ કરી શકે છે નાણામંત્રી

નવી દિલ્હી, તા.૨૦: કેન્દ્ર સરકાર કંપનીઓ અને વ્યકિતગત આવકવેરા દાતાઓને મળતી કેટલીક પ્રત્યક્ષ કર છૂટ ધીમે ધીમે બંધ કરવા પર વિચાર કરી શકે છે. આ અંગેની જાહેરાત ૨૦૨૦-૨૩ના સામાન્ય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા થઇ શકે છે.

નીતિ નિર્માણ સાથે સંકળાયેલા એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે સરકારના આંતરિક મૂલ્યાંકન અનુસાર મોટી સંખ્યામાં કંપનીઓ અને વ્યકિતગત કરદાતાઓએ છૂટ વગરની કર વ્યવસ્થા અપનાવી છે અને બજેટ બનાવનારાઓને આશા છે કે આગામી વર્ષોમાં ઘણા લોકો નવી કર વ્યવસ્થા અપનાવી શકે છે. આ અધિકારીએ એમ પણ કહ્યું કે નાણાં મંત્રાલય પૂંજીગત લાભ કરોના દરને તર્કસંગત બનાવવાના વિકલ્પ પર પણ વિચાર કરી રહ્યું છે. જો કે હજુ આ અંગે કોઇ નિર્ણય નથી લેવાયો.

અધિકારીએ કહ્યું કે છૂટ વગરની કર વ્યવસ્થા અપનાવવાનો દર અત્યાર સુધી ઉત્સાહજનક રહ્યો છે. નવા દરોના દાયરામાં લોકો ધીમે ધીમે જશે કેમ કે કેટલીક કંપનીઓ અને વ્યકિતગત કરદાતાઓ છૂટછાટનો લાભ મેળવવા માંગે છે. પણ મટા ભાગના લોકોના નવી વ્યવસ્થામાં ગયા પછી અમે કેટલીક છૂટછાટો ધીમેધીમે બંધ કરી દઇશું.

સપ્ટેમ્બર ૨૦૧૯માં નાણાંપ્રધાને કોર્પોરેટ કરના નવા દરોની જાહેરાત કરી હતી જેના હેઠળ ઘણી છૂટછાટોને બંધ કરીને લઘુતમ દર ૩૦ ટકાથી ઘટાડીને ૨૨ ટકા કરી દેવાયો હતો. નવી વિનીર્માણ કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્ષનો દર પણ ૨૫ ટકાથી ઘટાડીને ૧૫ ટકા કરાયો હતો.

મહામારી આવ્યા પહેલાના ૨૦૨૦-૨૧ના સામાન્ય બજેટમાં સીતારમણે એવા લોકોના વ્યકિતગત આવકવેરાના દરો ઘટાડવાની જાહેરાત કરી હતી, જે લોકો કેટલીક છૂટછાટ છોડવા ઇચ્છતા હોય. પ લાખથી ૭.૫ લાખની વાર્ષિક આવક માટે કરનો દર ૨૦ ટકાથી ઘટાડીને ૧૦ ટકા અને ૭.૫ લાખથી ૧૦ લાખની વાર્ષિક આવક પર કર ૨૦ ટકાથી ઘટાડીને ૧૫ ટકા કરાયો હતો. જો કે ૧૫ લાખથી વધારે વાર્ષિક આવક પર ૩૦ ટકાના દરમાં કોઇ સુધારો નહોતો કરાયો.

(12:40 pm IST)