Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

નોકરીયાતો ખુશીથી બોલી ઉઠશે બલ્લે-બલ્લે

વધી શકે છે ટેક્‍સ મુક્‍તિ મર્યાદાઃ ૮૦સીમાં વધી શકે છે છૂટનો દાયરોઃ ટેક્‍સ ફ્રી થઇ શકે છે ૩ વર્ષની FD

એગ્રીકલ્‍ચર હોય કે રિયલ એસ્‍ટેટ સેક્‍ટર, હેલ્‍થ સેક્‍ટર હોય કે પછી રોજગારી, દરેકને આ વખતના બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે

નવી દિલ્‍હી, તા.૨૦: નાણામંત્રી નિર્મલા સીતારમણ ૧ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ કેન્‍દ્રીય બજેટ રજૂ કરશે. આ વખતે તે ચોથી વખત બજેટ રજૂ કરશે. બજેટ પહેલા વિવિધ ક્ષેત્રોને તેમની પાસેથી દ્યણી અપેક્ષાઓ છે. એગ્રીકલ્‍ચર હોય કે રિયલ એસ્‍ટેટ સેક્‍ટર, હેલ્‍થ સેક્‍ટર હોય કે પછી રોજગારી, દરેકને આ વખતના બજેટ પાસેથી દ્યણી અપેક્ષાઓ છે.
નોકરીયાત લોકોને મોદી સરકાર પાસે ટેક્‍સ મુક્‍તિની લિમિટ માં વધારો કરે તેવી આશા છે. છેલ્લા દ્યણા સમયથી ટેક્‍સ મુક્‍તિ મર્યાદામાં કોઈ વધારો કરવામાં આવ્‍યો નથી. એવું માનવામાં આવે છે કે ચૂંટણી પહેલા ટેક્‍સમાં છૂટની જાહેરાત કરીને તે નોકરીયાતોને ખુશ કરી શકે છે. ચાલો જાણીએ કે આ બજેટમાં પગારદાર વ્‍યક્‍તિને બીજું શું મળી શકે છે.
હાલમાં ટેક્‍સ મુક્‍તિ મર્યાદા ૨.૫ લાખ રૂપિયા છે. છેલ્લા ૮ વર્ષથી તેમાં કોઈ ફેરફાર થયો નથી. અગાઉ કરમુક્‍તિની મર્યાદા ૨ લાખ રૂપિયાથી વધારીને ૨.૫ લાખ રૂપિયા કરવામાં આવી હતી. કરદાતાઓની માંગ છે કે આ મુક્‍તિ ૨.૫ લાખથી વધારીને પાંચ લાખ કરવામાં આવે. પરંતુ સરકાર તેને વધારીને ત્રણ લાખ કરી શકે તેવી અપેક્ષા છે. એમપણ આ વખતે યુપી જેવા મોટા રાજયમાં ચૂંટણી છે, તો સરકાર નોકરીયાત વ્‍યક્‍તિને ખુશ કરી શકે છે.
હાલમાં, આવકવેરાની કલમ ૮૦સી હેઠળ ૧.૫ લાખ રૂપિયા સુધીની છૂટની જોગવાઈ છે. ૨૦૧૪માં તે એકથી વધારીને દોઢ લાખ કરવામાં આવી હતી. પગારદાર વ્‍યક્‍તિનો ટેક્‍સ બચાવવા માટે આ વિભાગ સૌથી મહત્‍વપૂર્ણ છે. આ બજેટમાં આ મર્યાદા દોઢથી વધારીને બે લાખ રૂપિયા થવાની ધારણા છે.
ઇન્‍ડિયન બેંક એસોસિએશન (IBA) એ માંગ કરી છે કે કરમુક્‍ત એફડીનો લોક-ઇન સમયગાળો પાંચ વર્ષથી દ્યટાડીને ત્રણ વર્ષ કરવો જોઈએ. બેંકોએ પણ વ્‍યાજ દરમાં દ્યટાડો કર્યો છે. PPF પર વ્‍યાજ દર FDના સરખામણીમાં વધુ સારો છે. આવી સ્‍થિતિમાં લોકો એફડીમાં ઓછું રોકાણ કરી રહ્યા છે. રોકાણકારો પણ મ્‍યુચ્‍યુઅલ ફંડ અને શેર તરફ વળ્‍યા છે. એવામાં ત્રણ વર્ષની એફડીને ટેક્‍સ સેવર એફડીમાં સામેલ કરી શકાય છે.

 

(11:29 am IST)