Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

કોરોનાથી 'સત્તાવાર' ઓછા પણ 'હકીકતે' ૧.૮ કરોડથી ૨.૨ કરોડના મોત

ભારત - ચીન સહિત ૧૧૬ દેશોમાં કોરોનાથી થયેલા મોતના આંકડા અનેક ગણા વધુ હોવાનો ખુલાસો : વિશ્વમાં ૫૫ લાખ લોકોના મોતની પુષ્ટી થઇ છે : ભારતમાં સત્તાવાર ૫ લાખ મોત પણ વાસ્તવિક આંકડો ૫૦ લાખ

 

નવી દિલ્હી તા. ૨૦ : ભારત - ચીન સહિત ૧૧૬ મુખ્ય દેશોમાં કોરોનાથી થયેલ મોત જાહેર થયેલ આંકડાઓ કરતા અનેકગણા હોઇ શકે છે. આંકડાઓ દર્શાવે છે કે અત્યાર સુધીમાં કુલ ૫૫ લાખ મોતની પુષ્ટિ થઇ છે. પણ વાસ્તવિક આંકડા ચાર ગણા જેટલા વધારે હોઇ શકે છે. ધ ઇકોનોમીસ્ટ લંડનના મોડેલ અનુસાર ૨.૨ કરોડ અને ઇન્સ્ટીટયૂટ ઓફ હેલ્થ મેટ્રીકસ એન્ડ ઇવેલ્યુએશન (આઇએચએમઇ) વોશીંગ્ટન અનુસાર ૧.૮ કરોડ મોત થયાનું અનુમાન છે. ભારતની વાત કરીએ તો, અત્યાર સુધીમાં સરકાર દ્વારા લગભગ પાંચ લાખ મોતની પુષ્ટિ થઇ છે પણ વાસ્તવિક મોત તેનાથી દસ ગણા એટલે કે ૫૦ લાખ થયાનું અનુમાન આ રિપોર્ટમાં કરાયું છે. આ રિપોર્ટ નેચર જર્નલના તાજા અંકમાં પ્રકાશિત થયો છે.

આ રિસર્ચ રિપોર્ટમાં કહેવાયું છે કે બધા દેશોએ આંકડાઓ યોગ્ય રીતે એકત્ર નથી કર્યા. તેના માટે બધા દેશોએ અલગ-અલગ પેરામીટર નક્કી કર્યા હતા. નેધરલેન્ડે હોસ્પિટલમાં મરનાર કોરોના સંક્રમિત લોકોની ગણત્રી કરી તો તેના પડોશી બેલ્જીયમે શરદી જેવા લક્ષણોથી થયેલ દરેક મોતને ચકાસ્યા વગર કોરોના મોત જાહેર કર્યા. રિપોર્ટમાં કહેવાયું છે કે ધનિક દેશોમાં મોતના આંકડા ઉંચા રહ્યા અને ગરીબ દેશોમાં ઓછા પણ ૧૧૬ દેશોના વર્લ્ડ મોર્ટાલીટી ડેટાસેટ (ડબલ્યુએમડી)નું વિશ્લેષણ કહે છે કે ગરીબ દેશોમાં મોત ઓછા નોંધાયા છે. મોડેલીંગ એવું કહે છે કે ધનિક દેશમાં કોરોનાના વાસ્તવિક મોત જાહેર થયેલ આંકડાઓના એક તૃત્યાંશ જેટલા વધારે હોઇ શકે છે. જ્યારે ગરીબ દેશોમાં વાસ્તવિક કોરોનાના મોત જાહેર થયેલ આંકડાઓથી ૨૦ ગણા સુધી વધારે હોઇ શકે છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે ભારતમાં અત્યાર સુધીમાં લગભગ પાંચ લાખ મોત જાહેર થયા છે પણ ઇકોનોમિસ્ટનો અંદાજ દર્શાવે છે કે, એ દસ ગણા વધારે એટલે કે ૫૦ લાખે પહોંચી ગયા છે. ચીન અંગે કહેવાયું છે કે તે ૪૬૦૦ મોત બતાવે છે પણ ત્યાં સાડા સાત લાખ મોત થયા હશે જે જાહેર થયેલા મોત કરતા ૧૫૦ ગણા વધારે છે. રિપોર્ટમાં કહેવાયું છે કે આવી જ રીતે રશીયા, અમેરિકા, બ્રાઝીલ, મેકસીકો, ઇરાન, દક્ષિણ આફ્રીકા, પેરૂ, ઇજીપ્ત, ફિલીપાઇન્સ તથા ઇટાલીમાં પણ વાસ્તવિક મોતથી બહુ ઓછા મોત નોંધાયા છે.

(10:40 am IST)