Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

વિજય માલ્યાને લંડનનું ઘર ખાલી કરવા માટેની નોટિસ

ભાગેડૂ ઉદ્યોગપતિ વધુ ભેરવાયા : ભારતને તેનાથી કોઈ ફાયદો નહીં થાય કારણ કે આ ઘર માટે સ્વિસ બેન્ક યુબીએસ દાવો કરી રહી હતી

લંડન, તા.૧૯ : ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાના લંડન ખાતેના આલિશાન મકાન પર પણ હવે સ્વિસ બેક્નનો કબ્જો થઈ જશે.

તાજેતરમાં જ માલ્યાને આ ઘર ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી.તેની સામે માલ્યાએ કોર્ટમાં સ્ટે માટે અરજી કરી હતી.જોકે બ્રિટિશ કોર્ટે આ પિટિશન ફગાવી દીધી છે.આમ માલ્યાને આ ઘર ખાલી કરવુ પડશે.

જોકે ભારતને તેનાથી કોઈ ફાયદો નહીં થાય.કારણકે આ ઘર માટે સ્વિસ બેક્ન યુબીએસ દાવો કરી રહી હતી. માલ્યા સાથે આ માટે બેક્નનો કાયદાકીય વિવાદ ચાલી રહ્યો હતો.હવે આ ઘર સ્વિસ બેક્નના હાથમાં જતુ રહેશે.જે વેચીને બેક્ન પોતાની બાકી રકમ વસુલ કરશે. માલ્યા પર ભારતની સ્ટેટ બેક્ન ઓફ ઈન્ડિયા સહિતની બેક્નોનુ ૯૯૦૦ કરોડ રુપિયાનુ દેવુ હતુ.આ લોન માલ્યાને કિંગફિશર એરલાઈન્સ માટે આપવામાં આવી હતી. હાલમાં માલ્યા જામીન પર બહાર છે.સ્ટેટ બેક્ન સહિત ભારતીય બેક્નોએ અત્યાર સુધીમાં માલ્યા પાસેથી ૭૦૦૦ કરોડ રુપિયા કરતા વધારે રકમ વસુલ કરી છે.આમ બેક્નો પોતાની લોનની ૮૧ ટકા રકમ વસુલ કરી ચુકી છે.

 

 

પાક. આતંકી હુમલાના મૃતક  ચીનના લોકોને વળતર આપશે

આર્થિક ગુલામ પાકિસ્તાન પાસે ધાર્યું કામ કરાવતું ચીન : પાકિસ્તાન કાયદાકીય રીતે વળતર ચુકાવવા માટે બંધાયેલુ નહોતુ પણ ઈમરાન સરકાર ચીનની ધમકી સામે ઝુકી ગઈ

ઈસ્લામાબાદ, તા.૧૯ : ચીનના આર્થિક ગુલામ બની રહેલા પાકિસ્તાન પાસે ચીન પોતાનુ ધાર્યુ કરાવી રહ્યુ છે. તાજેરતમાં પાકિસ્તાનના એક હાઈડ્રોઈલેક્ટ્રિસિટી પ્રોજેકટ પર કામ કરી રહેલા ચીનના નાગરિકો પર આતંકી હુમલો થયો હતો.જેમાં ૧૦ નાગરિકોના મોત થયા હતા અને ૨૬ ઘાયલ થયા હતા.

ચીને આ બદલ પાકિસ્તાન પાસે વળતર માંગ્યુ હતુ.પાકિસ્તાને આનાકાની કરતા ચીને આ યોજના પર કામ બંધ કરી દેવાની ધમકી આપી હતી.જેની સામે સરેન્ડર થયેલા પાકિસ્તાને હવે આ નાગરિકોને કરોડો રુપિયાનુ વળતર ચુકવવા માટે તૈયારી બતાવી છે. આ મામલામાં પાકિસ્તાન કાયદાકીય રીતે કોઈ જાતનુ વળતર ચુકાવવા માટે બંધાયેલુ નહોતુ પણ ઈમરાનખાન સરકાર ચીનની ધમકી સામે ઝુકી ગઈ છે અને વળતર આપવાની તૈયારી બતાવી છે. આ હાઈડ્રો પ્રોજેકટ માટે વિશ્વ બેક્ન પૈસા આપી રહ્યુ છે અને આ યોજના ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરનો હિસ્સો પણ નથી.

ચીની નાગરિકો પરના હુમલાને પહેલા તો પાકિસ્તાને ગેસ લિકેજના કારણે થયેલા બ્લાસ્ટમાં ખપાવવાનો પ્રયત્ન કર્યો હોત પણ ચીન ભડકી ગયુ હતુ અને આ પ્રોજેક્ટ પર કામ બંધ કરવાની ચીમકી આપી હતી.એ પછી પાક સરકારે આ આતંકી હુમલો હોવાનુ સ્વીકાર્યુ હતુ.

ચીને પોતાના નાગરિકોના મોત બદલ ૩.૭ કરોડ ડોલરના વળતરની માંગણી કરી છે.ખુદ ચીનમાં પણ પોતાના નાગરિકોના મોત બદલ આટલુ વળતર આપવામાં આવતુ નથી.

(12:00 am IST)