Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

ખેડૂતો હવે આઠ મહિના સુધી બટાટાં સંગ્રહ સરળતાથી કરી શકશે:વૈજ્ઞાનિકોએ નવી સફળ પદ્ધતિને શોધી કાઢી

હવે બટાટાંમાં આઠ મહિના સુધી અંકુર નહીં ફૂટે અને બટાટાંનો સ્વાદ પણ ખરાબ નહીં થાય

 

નવી દિલ્હી: દેશના ખેડૂતો હવે આઠ મહિના સુધી બટાટાં સંગ્રહ સરળતાથી કરી શકશે.કેન્દ્રીય બટાટા સંશોધન સંસ્થાન (સીપીઆરઆઇ)ના વિજ્ઞાનીઓએ બટાટા સંગ્રહ માટે ખાદ્ય તેલોના છંટકાવ (સ્પ્રે)ની નવી સફળ પદ્ધતિને શોધી કાઢી છે. હવે બટાટાંમાં આઠ મહિના સુધી અંકુર નહીં ફૂટે અને બટાટાંનો સ્વાદ પણ ખરાબ નહીં થાય. સંસ્થાને આવા સ્પ્રેની પેટન્ટ કરાવવા અરજી પણ કરી લીધી છે

 . વિજ્ઞાનીઓ નવી પદ્ધતિથી તૈયાર થયેલા સ્પ્રેના કેટલાક અન્ય પાસાનો પણ અભ્યાસ કરી રહ્યા છે. પેટન્ટ મળી ગયા પછી બટાટાં ઉત્પાદકો માટે આ નવીન સ્પ્રે ઉપલબ્ધ થઈ જશે. બટાટાં સંગ્રહ માટે આ અગાઉ ઉપયોગમાં લેવાતા રહેતાં સ્પ્રે આરોગ્યના કારણોસર ખતરનાક માનવામાં આવે છે. વિશ્વના અનેક દેશો જૂની સ્પ્રે છંટકાવ પદ્ધતિ પર પ્રતિબંધ લાદી ચૂક્યા છે. તેથી સીપીઆરઆઇના વિજ્ઞાનીઓએ બટાટાં વધુ લાંબા સમય માટે સંગ્રહ કરી શકાય તે હેતુસર આરોગ્ય સંબંધી અસરોને ધ્યાને રાખીને નવી પદ્ધતિથી સ્પ્રે તૈયાર કર્યું છે.

સંસ્થાનના વિજ્ઞાનીઓનું કહેવું છે કે હાલમાં 40 દિવસ સુધી બટાટાંનો યોગ્ય રીતે સંગ્રહ થઈ શકે છે. નવી પદ્ધતિથી તૈયાર થયેલા સ્પ્રેનો માત્ર એક જ વાર છંટકાવ કરવાથી ખાવા લાયક અને બટાટાંના બીજને કોલ્ડ સ્ટોરેજમાં આઠ મહિના સુધી સુરક્ષિત રાખી શકાશે. સંસ્થાનના વિજ્ઞાની ડૉ.અરવિંદ જયસ્વાલ કહે છે કે વિજ્ઞાનીઓએ ખાદ્ય તેલોની મદદથી સ્પ્રે તૈયાર કર્યું છે. બટાટાંનો આઠ મહિના સુધી સંગ્રહ કરી શકાય તેમાં સ્પ્રે મદદ કરશે. જૂની પદ્ધતિમાં ખર્ચ ઓછું પણ જોખમ વધુ સીપીઆરઆઇએ તૈયાર કરેલી સ્પ્રે બનાવવાની નવી પદ્ધતિ ભલે થોડી ખર્ચાળ હોય, પરંતુ તેમાં આરોગ્ય સંબંધી ખતરો નથી હોતો. બટાટાંના સંગ્રહ માટે જૂની પદ્ધતિથી સ્પ્રે તૈયાર કરતાં ખર્ચ ઓછો છે, પરંતુ આરોગ્ય સંબંધી જોખમ વધુ હોય છે. નવી પદ્ધતિ થકી સ્પ્રે તૈયાર કરવા જતાં પ્રતિ કિલો દોઢ રૂપિયો ખર્ચ આવે છે. તો જૂની પદ્ધતિમાં પ્રતિ કિલો 20 પૈસા ખર્ચ આવતો હતો. નવા સ્પ્રેનો છંટકાવ એકવાર અને જૂના સ્પ્રેનો છંટકાવ બે વાર કરવો પડતો હતો.

(12:24 am IST)