Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

કમિટીની રચનાને લઇને લોકોની વિચારસરણી અજીબ છેઃ સુપ્રિમ કોર્ટના મુખ્‍ય ન્‍યાયાધીશ જસ્‍ટિસ શરદ એ. બોબડે

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ શરદ એ બોબડેએ મંગળવારે એક સુનાવણી દરમિયાન કહ્યું કે, કમેટીની રચનાને લઈને લોકોની વિચારસરણી અજીબ છે. અંગ્રેજી સમાચાર ધ હિન્દૂએ આ સમાચારને પ્રમુખતાથી પ્રકાશિત કરી છે.

જસ્ટિસ બોબડેએ કહ્યું, “એક વિષયને લઈને કોઈ વ્યક્તિના પહેલાના અભિપ્રાયોને આધાર બનાવીને કોઈ ખાસ મુદ્દાની તપાસ માટે બનેલી કમેટીનો હિસ્સો બનવાથી તેને અયોગ્ય ઠેરવી શકાય નહીં. કોઈ ખાસ વિષય પર કોઈ વ્યક્તિનો વિચાર તેના પક્ષપાતી હોવાનું પ્રમાણ નથી.

મુખ્ય ન્યાયાધીશે કહ્યું, “કાયદાની સમજને લઈને અહીં કન્ફ્યૂઝન છે. કમેટીનો હિસ્સો બનવાથી પહેલા કોઈ વ્યક્તિના પોતાના મંતવ્યો હોઈ શકે છે, પરંતુ તેના અભિપ્રાયો બદલાઈ પણ શકે છે. આપણે તે તર્ક આપી શકીએ નહીં કે કમેટીમાં આવા સભ્ય હોવા જોઈએ નહીં.

12 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે પ્રદર્શનકારી ખેડૂતો અને સરકાર વચ્ચે વાતચીતને આગળ વધારવા માટે એક કમેટીની રચના કરી હતી. આ કમેટીના સભ્યોને લઈને સુપ્રીમ કોર્ટની ટીકા થઈ રહી છે. સોશિયલ મીડિયા ઉપર પણ સુપ્રીમ કોર્ટે કમેટીના જે લોકોને રાખ્યા છે, તેમને લઈને ખુબ જ ટીકા થઈ રહી છે.

સોશિયલ મીડિયા પર કમેટીમાં સામેલ સભ્યોની ટીકા કરતાં કહેવામાં આવી રહ્યું છે કે, તેમને મોદી સરકારના નવા કૃષિ કાયદાઓનો ખુલીને સમર્થન કર્યું છે.

ચાર સભ્યોવવાળી આ કમેટીમાંથી ભારતીય ખેડૂત યૂનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ ભૂપિન્દર સિંહ માન પોતાની રીતે બહાર નિકળી ગયા છે. આ કમેટીને અદાલતે સરકાર અને ખેડૂતો વચ્ચે વાર્તાની જવાબદારી આપી છે અને બે મહિનાની અંદર રિપોર્ટ સોંપવા માટે કહ્યું છે. જોકે, જસ્ટિસ બોબડેએ સુનાવણી દરમિયાન આ કમેટીનું નામ લીધા વગર ઉપરોક્ત વાતો કહી.

વિવાદીત કૃષિ કાયદાઓને લઈને ચાલી રહેલા વિવાદને ઉકેલવા માટે સુપ્રીમ કોર્ટ તરફથી નિયુક્ત કરેલી કમેટીએ રાજ્ય સરકારો અને સ્ટેટ એગ્રીકલ્ચર માર્કેટિંગ બોર્ડ્સ સાથે ખેડૂત સંઘો અને સહકારી મંડળોને મળવાનો નિર્ણય કર્યો છે. આ મુલાકાત 21 જાન્યુઆરીથી શરૂ થશે.

(5:37 pm IST)