Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

યુકેનો કોરોના સ્ટ્રેન અત્યાર સુધીમાં ૬૦ દેશોમાં પહોંચી ગયોઃ વિશ્વ આરોગ્ય સંગઠન

નવી દિલ્હી, તા. ૨૦ :. કોરોના વાયરસનો જે સ્ટ્રેન ૧૦ સપ્તાહ પહેલા બ્રિટન જોવા મળ્યો હતો તે હવે ૬૦ દેશોમાં પહોંચી ગયો છે તેમ વિશ્વ આરોગ્ય સંગઠને જણાવ્યું છે. દુનિયાભરમાં કોરોનાથી અત્યાર સુધીમાં ૨૦ લાખથી વધુ લોકોના મોત નિપજ્યા છે. આવી સ્થિતિમાં ઝડપથી પ્રસરતો કોરોના સ્ટ્રેન ચિંતાનુ કારણ છે.

યુકે ઉપરાંત દક્ષિણ આફ્રિકામાં મળેલ કોરોનાના બીજા સ્ટ્રેન પણ અત્યાર સુધીમાં ૨૩ દેશોમાં પ્રસરી ચૂકયા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પોતાના સાપ્તાહિક રીપોર્ટમાં જણાવ્યું છે કે આ સપ્તાહમાં કોરોનાથી થયેલ મોતનો આંકડો પણ મોટો છે. ૭ દિવસમાં ૯૩૦૦૦ લોકોના મોત થઈ ચૂકયા છે. જ્યારે અત્યાર સુધીમાં ૪૭ લાખ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂકયા છે.

જો કે યુએસ અને યુરોપ તથા અન્ય દેશોમાં કોરોના સામે શરૂ થયેલ રસીકરણ અભિયાનને કારણે થોડીક આશા જાગી છે. યુરોપીયન સંઘનો લક્ષ છે કે ૭૦ ટકા વસ્તીને આ વર્ષે ઓગષ્ટ સુધીમાં રસીકરણ થઈ જશે.

અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે મંગળવારે કહ્યું હતુ કે અત્યાર સુધીમાં ભારતમાં યુકેવાળા સ્ટ્રેનથી સંક્રમિત ૧૪૦ લોકો મળ્યા છે.

(4:34 pm IST)