Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

'પાપ' ધોવા માટે પુટીને ઉતાર્યા કપડાઃ માઇનસ ૧૪ ડીગ્રીવાળા ઠંડા પાણીમાં ડૂબકી લગાવી

સ્વાસ્થ્યને લઇને ચાલતી અટકળોનો અંત

મોસ્કો, તા.૨૦: રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનના સ્વાસ્થ્ય પ્રત્યે છેલ્લા થોડા સમયથી વિવિધ અટકળો ચાલી રહી હતી. જો કે, એ તમામને ખોટી સાબિત કરતાં તેમણે માઈનસ ૧૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઠંડા પાણીમાં સ્નાન કર્યું છે. બરફવાળા પાણીમાં સ્નાન કરીને પુતિને ખ્રિસ્તી અનુષ્ઠાનનું પાલન કર્યું છે. આ દિવસની ઈપિફની કહેવામાં આવે છે. ૬૮ વર્ષના પુતિન આ તસવીરોમાં એકદમ ફિટ અને સ્વસ્થ જોવા મળ્યા હતા. પુતિન દર વર્ષે આયોજિત થતાં આ ધાર્મિક અનુષ્ઠાનમાં ભાગ લીધો, જેમાં રશિયાના લાખો લોકો પણ જોડાય છે. આ ફીસ્ટ ડે હાડ થીજવતી ઠંડીમાં ઉજવવામાં આવે છે.

રશિયામાં દર વર્ષે ઈપિફનીના દિવસે ધર્મનિષ્ઠ ખ્રિસ્તી નદી અને તળાવમાં ડૂબકી લગાવીને ઈસુ ખ્રિસ્તને યાદ કરે છે. ઈપિફનીના તહેવારે લોકો પરંપરા પ્રમાણે આસપાસની નદી કે તળાવમાં જઈને બરફથી થીજેલા પાણીમાં ડૂબકી મારે છે. કહેવાય છે કે, આ દિવસે ઈસુ ખ્રિસ્તે જોર્ડન નદીમાં ડૂબકી મારી હતી. રશિયામાં માન્યતા છે કે, ઈપિફનીની મધ્યરાત્રે બધું જ પાણી પવિત્ર થઈ જાય છે અને તેમાં ડૂબકી મારવાથી વ્યકિતના તમામ પાપ ધોવાઈ જાય છે. રશિયામાં આ પરંપરા ૧૬મી સદીથી ચાલી આવે છે. ત્યારે મંગળવારે પુતિને મોસ્કો નજીક ક્રોસના આકારના પુલમાં ડૂબકી લગાવી હતી.

માત્ર સ્વીમિંગ ટ્રન્કસ પહેરીને પુતિને આ ઠંડા પાણીમાં ત્રણવાર ડૂબકી મારી હતી. રાષ્ટ્રપ્રમુખે કહ્યું કે, 'આ પરંપરા છે અને હું પરંપરાઓ સાથે વિશ્વાસઘાત નથી કરતો.લૃ રશિયાની પ્રેસિડેન્ટ ઓફિસમાંથી આ તસવીરો એવા સમયે સામે આવી છે જયારે વિશ્વભરમાં પુતિનના સ્વાસ્થ્યને લઈને અટકળો ચાલી રહી છે. ઘણા લોકોએ દાવો કર્યો હતો કે, આ વર્ષના અંત સુધીમાં પુતિન રાષ્ટ્રપ્રમુખ પદેથી રાજીનામુ આપી દેશે અને ઉત્તરાધિકારીનું નામ દ્યોષિત કરશે. દાવો કરવામાં આવ્યો હતો કે, પુતિન પાર્કિન્સન્સ બીમારીથી પીડાઈ રહ્યા છે. જો કે, રાષ્ટ્રપ્રમુખના કાર્યાલયમાંથી જાહેર થયેલી આ તસવીરોએ તમામ અટકળોને ખોટી પાડી છે.

વિશ્લેષકોનું માનીએ તો, બ્લૂ રંગના સ્વીમિંગ ટ્રન્કસ પહેરીને પુતિને ચાલાકીથી દુનિયાને સંદેશ આપવાની કોશિશ કરી છે. એક વિશ્લેષકનું કહેવું છે કે, પુતિનના રાજકીય વિરોધી અલેકસી નાવલનીનો રંગ પણ વાદળી છે. નાવલનીને નોવિચોક ઝેર આપ્યું હોવાની શંકા છે અને કથિત રીતે આની પાછળ રશિયાના ગુપ્તચરોનો હાથ છે. સારવાર કરાવીને આવેલા નાવેલાની હાલ રશિયાની અટકમાં છે. અમેરિકા, બ્રિટન, ફ્રાંસ તથા યુરોપીયન સંદ્ય તેમને છોડવા માટે માગ કરી રહ્યા છે. જો કે, રશિયા પર ટસનું મસ નથી થઈ રહ્યું.

(3:51 pm IST)