Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

પૂણેની હોટલની અનોખી ઓફર

મટન-ચીકન-માછલીવાળી થાળી ૧ કલાકમાં પૂરી કરોને જીતો રૂ.૧.૬પ લાખનું બુલેટ

થાળીની કિંમત છે રૂ.૨૫૦૦: ૧ ભાયડાએ ચેલેન્જ જીતી લીધી

પુણેઃ દેશ-દુનિયામાં ખાવાના શોખીનોની કોઈ અછત નથી. આ લોકો સ્વાદિષ્ટ વ્યંજનોની શોધમાં દૂર-દૂર સુધી જતા હોય છે. પરંતુ જરા વિચારો કે જો આપને સ્વાદિષ્ટ વ્યંજન ખાવાની સાથે જ રોયલ એનફિલડ બુલેટ પણ ઈનામમાં મળે તો. જી હા, આવું શકય છે પુણેની એક રેસ્ટોરાંમાં. અહીંની શિવરાજ હોટલમાં એક ખાસ પ્રકારની પ્રતિયોગિતાની શરૂઆત કરવામાં આવી છે. તેમાં જીતનાર વ્યકિતને ઈનામમાં નવીનકોર રોયલ એનફિલ્ડ બુલેટ આપવામાં આવશે.

મૂળે, શિવરાજ હોટલના માલિક અતુલ વાઇકરે લોકોને હોટલ તરફ આકર્ષવા માટે આ પ્રતિયોગિતા શરૂ કરી છે. તેમના જણાવ્યા અનુસાર હોટલમાં એક મોટી નોન વેજ બુલેટ થાળી તૈયાર કરવામાં આવે છે. તેમાં તમામ વ્યંજનોનું કુલ વજન ચાર કિલોગ્રામ હોય છે. ઈનામ જીતવા ઈચ્છુક વ્યકિતને આ થાળી ૬૦ મિનિટમાં ખતમ કરવાની હોય છે. જે પણ આ થાળીના તમામ વ્યંજન ૬૦ મિનિટમાં ખાઈ જશે તેને ૧.૬૫ લાખ રૂપિયાની રોયલ એનફિલ્ડ ઈનામમાં આપવામાં આવશે.

શિવરાજ હોટલમાં લોકોને ઈનામ વિશે જણાવવા માટે બહાર પાંચ નવી રોયલ એનફિલ્ડ મૂકવામાં આવી છે. સાથોસાથ મેન્યૂ કાર્ડ અને પોસ્ટરમાં પણ તેના વિશે જણાવવામાં આવ્યું છે. આ બુલેટ થાળીમાં લોકોને નોન-વેજ વ્યંજન મળશે. તેમાં કુલ ૧૨ વ્યંજન હશે, જેનું વજન ૪ કિલોગ્રામ હશે. તેને તૈયાર કરવામાં ૫૫ લોકોની મહેનત હોય છે. તેમાં ફ્રાય સુરાઈ, ફ્રાય ફિશ, ચિકન, તંદુરી, ડ્રાય મટન, ચિકન મસાલા અને પ્રોન બિરયાની સામેલ છે.

શિવરાજ હોટલના માલિક અતુલે જણાવ્યું કે આ નોન-વેજ બુલેટ થાળીની કિંમત ૨૫૦૦ રૂપિયા રાખવામાં આવી છે. આ હોટલ ૮ વર્ષ પહેલા ખુલી હતી. તેમાં હોટલ આ પહેલા પણ અનેક આકર્ષક ઓફર આપતી રહી છે. આ પહેલા એક રાવણ થાળી પણ લાવવામાં આવી હતી. તેમાં ૮ કિલોગ્રામના વ્યંજન હતા. તેને ૬૦ મિનિટમાં ખતમ કરનારને ૫૦૦૦ રૂપિયા રોકડ આપવામાં આવતા હતા. અત્યાર સુધી બુલેટ થાળીને એક જ કસ્ટમર ખતમ કરી શકયો છે. તે સોલાપુરથી સોમનાથ પવાર છે. તેને એક બુલેટ આપવામાં આવી હતી.

(3:50 pm IST)