Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

રોજગારી મેળવવા હિજરતઃ અસમય અકસ્માતોમાં ગુમાવે છે જીવ

સુરત પહેલા પણ આવા અકસ્માતોમાં અનેક શ્રમીકોના જીવ ગયા છે

બાંસવાડાઃ રાજસ્થાનના બાંસવાડા જીલ્લામાં વર્ષોથી પલાયન થઇ રહયું છે. આ સમસ્યા માટે સ્થાયી રોજગારના સ્ત્રોત ઉભા કરવા માટે સરકાર તરફથી કોઇ પગલા નથી ઉઠાવાયા આ કારણે પ્રતિકુળ પરિસ્થિતિઓમાં પેટની આગ સંતોષવા મોટા ભાગના ગ્રામીણ પરીવાર રોજગાર માટે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં જવા મજબુર બન્યા છે.

આવી સ્થિતિ દુરના ગામોમાં તો મહિલાઓ પણ પુરૂષો સાથે રોજગારી માટે જાય છે. પલાયન કરનાર હાદસાના શિકાર બનતા તે પરીવારોના પ્રારબ્ધમાં આંસુ અને ભવિષ્યની ચિંતા રહી જાય છે. બાંસવાડાના કુશલગઢ, સજ્જનગઢ, આનંદપુરી અને બાગીદૌરા વિસ્તારથી હજારો લોકો નજીકના રાજયોમાં રોજીરોટી માટે જઇ રહયા છે. વસાહતો વિરાન રહી જાય છે. ઘરના મોભીના કમાવવા ગયા પછી અન્ય સભ્યો સગાઓ અને અન્ય પરીચીતોના સહારે રહે છે.

આઝાદીના ૭૦ વર્ષો બાદ પણ ખેતી સિવાય આ લોકો પાસે આવકનું કોઇ સાધન નથી. ખેતી પણ વરસાદ આધારીત છે. કેમ કે આ વિસ્તાર અસિંચીત છે. ખેતરો વીરાન થતા આ પરીવારો પલાયન જ ભરણપોષણનો આશરો રહે છે. તેઓ સુરત, અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, હિંમતનગર, મુંબઇ, નાગપુર, ઇન્દોર, રતલામ, જયપુર, જોધપુર, ચિતોડગઢ વગેરે શહેરોમાં હિજરત કરી જાય છે.

પલાયન કરનાર લોકોનું કોઇ સ્થાયી ઠેકાણું નથી રહેતુ તેઓને જયાં કામ મળ્યું, જગ્યા મળી ત્યાં જ રહે છે. મોટે ભાગે આ લોકો ખુલ્લા આકાશ નીચે રસ્તાના કિનારે રહેવા મજબુર બને છે. પલાયન કરનારમાં યુવાઓની સાથે બાળકો પણ હોય છે. જયારે ઘણીવાર વડીલો અને મહિલાઓ પણ સાથે જતી હોય છે.

(12:54 pm IST)