Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

કિસાન આંદોલન અંગે સંઘના નેતાનું મંતવ્ય

લાંબુ આંદોલન સમાજ માટે અયોગ્યઃ ઝડપથી સમેટાવું જોઇએ

નવી દિલ્હીઃ તા.૨૦, કૃષિ કાયદાઓ પર કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે કોઇ નિરાકરણ નથી આવી રહયું. એક બાજુ ખેડૂતો પોતાની માંગ મનાવવા માટે મકકમ છે તો બીજી બાજુ  સરકાર પણ કાયદામાં ફેરફાર કર્યા વગર આગળ વધવા માંગે છે. આ બધાની વચ્ચે ખેડૂતોના પ્રદર્શન પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરઆરએસ)ના સરકાર્યવાહ સુરેશ ભૈયાજી જોષીનું બયાન પણ આવ્યું છે. ઇન્ડિયન એકસપ્રેસને આપેલ ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે આ રીતે કોઇ આંદોલનનું આટલુ લાબું ચાલવું સમાજના હિતમાં બીલકુલ નથી.

જોષીએ કહ્યું કે બન્ને પક્ષોએ વિવાદના સમાધાન માટે કોઇ વચલો રસ્તો કાઢવો પડશે. તેમણે આંદોલન જલ્દી ખતમ થવાની આશા વ્યકત કરી છે. તેમણે કહ્યું 'લોકશાહી બન્ને પક્ષોને તક આપે છે. મને લાગે છે કે બન્ને  પક્ષો પોતાની રીતે સાચા છે. આંદોલન કારીઓને વાતચીત દ્વારા જે પણ મળી રહયું છે. તે તેમણે સ્વીકારી લેવુ જોઇએ. સરકારે પણ વિચારવુ જોઇએ કે તે વધુ શું આપી શકે તેમ છે. આંદોલનો ચાલે છે અને સમાપ્ત પણ સરકારને પણ પોતાના સ્થાનની ઓળખ હોવી જોઇએ.

તેમણે ઇન્ટરવ્યુમાં આગળ કહ્યું કે બન્ને પક્ષો કેટલાક મુદાઓ પર સહમત થાય તે જરૂરી છે. જેથી આંદોલન સમાપ્ત થઇ શકે. લાંબુ ચાલનાર કોઇપણ આંદોલન ફાયદાકારક નથી હોતુ. હાલમાં ચાલી રહેલ પ્રદર્શનોથી કોઇને તકલીફ ન પડવી જોઇએ. પણ એક વચલો રસ્તો કાઢવો જરૂરી છે.

જોષીએ  આગળ કહ્યું આંદોલનથી કયારેય પણ તેની સાથે સંકળાયેલ લોકોને અસર થતી નથી પણ તેની પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ અસર સમાજ પર પડે છે. કોઇ આંદોલન આટલુ લાંબુ ચાલે તે સમાજના હિતમાં નથી. એટલે બન્ને  પક્ષોએ આનુ નિરાકરણ લાવવુ જરૂરી છે. સરકાર સતત કહેતી રહે છે કે અમે ચર્ચા માટે તૈયાર છીએ પણ પ્રદર્શનકારીઓ કહે છે કે ત્રણે કાયદાઓ પાછા ખેંચો પછી જ વાતચીત થશે. તો આમા વાતચીત કેવી રીતે થઇ શકે. ?

(11:42 am IST)