Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

નબળી પ્રતિરોધક ક્ષમતાવાળાને કોવેક્સિન ન લેવા માટે સલાહ

ભારત બાયોટેકે એક વ્યાપક ફેક્ટશીટ જારી કરી : ગંભીર બીમાર, તાવ કે કોઈ એલર્જી રહેતી હોય, પ્રેગનેન્ટ કે દૂધ પીવડાવતી મહિલાઓને વેક્સિનથી દૂર રહેવા સુચના

નવી દિલ્હી, તા. ૧૯ : દેશમાં કોરોના વાયરસ સામે વેક્સીનેશન શરુ થઈ ગયું છે. સરકારે બે વેક્સિનને ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. ત્રીજા તબક્કામાં ચાલતા કોવેક્સિનને ટ્રાયલને જોતા કંપનીએ રસી લગાવનારા લોકો માટે એક ફેક્ટશીટ જારી કરીને ઘણી સાવધાનીઓનું પાલન કરવા માટે કહ્યું છે.

કોવેક્સિન બનાવનારી કંપની ભારત બાયોટેકે એક વ્યાપક ફેક્ટશીટ જારી કરી છે કે જેની પ્રતિરોધક ક્ષમતા નબળી છે કે દવાઓ લઈ રહ્યા છે, જેની પ્રતિરક્ષા પ્રણાલી પર અસર થઈ શકે છે, તેમણે એન્ટી કોવિડ વેક્સિન કોવેક્સિન ન લેવાની સલાહ આપવામાં આવે છે.

આ પહેલા સરકારે કહ્યું હતું કે નબળી રોગ પ્રતિકારક શક્તિવાળા દર્દીઓ પણ આ વેક્સિનને લઈ શકે છે. જોકે, એવું સમજવામાં આવ્યું હતું કે આ લોકોમાં તે ઓછી અસરકારક રહેશે. સામાન્ય રીતે કીમોથેરાપી કરાવી રહેલા કેન્સરના દર્દીઓ, એચઆઈવી પોઝિટિવ લોકો અને સ્ટેરોઈડ લેનારા આ શ્રેણીમાં આવે છે. આમ તો આવા દર્દીઓને ચેપ લાગવાનો ખતરો વધુ છે પરંતુ ડૉક્ટરનું કહેવું છે કે સામાન્ય રીતે આ લોકોમાં વેક્સિનની અસર ઘણી ઓછી હોય છે.

ભારત બાયોટેકે વ્લીડિંગ ડિસઓર્ડરવાળા લોકોને પણ વેક્સિન લેવાથી બચવા માટે કહ્યું છે. આ સિવાય જે લોકો ગંભીર રીતે બીમાર છે, તાવ કે કોઈ એલર્જી રહેતી હોય, પ્રેગનેન્ટ કે બાળકોને દૂધ પીવડાવતી મહિલાઓ તેનાથી દૂર રહે. ફેક્ટશીટમાં સલાહ આપવામાં આવી છે કે જો રસી લેનારમાં કોરોનાના લક્ષણો દેખાય તો તેને પ્રતિકૂળ પ્રભાવ તરીકે નોંધવામાં આવે. તેનું પ્રૂફ આરટી-પીસીઆર ટેસ્ટનું પરિણામ હશે.

ડૉક્ટરોનું કહેવું છે કે દેશભરમાં સામાન્ય પ્રતિકૂળ પ્રભાવના કેસ સામે આવતા આ ફેક્ટશીટ રજૂ કરાઈ છે. એક્સપર્ટ્સનું માનવું છે કે વેક્સિન લેનારી વ્યક્તિને કોરોના થઈ શકે છે પણ ચેપ સામાન્ય હશે. કંપનીનું કહેવું છે કે, એ વાતની સંભાવના બહુ જ ઓછી છે કે ભારત બાયોટેક કોવિડ ૧૯ વેક્સિન (કોવેક્સિન)થી કોઈ ગંભીર એલર્જીક રિએક્શન થાય.. આવું ભાગ્યે જ થાય છે. આગળ જણાવવામાં આવ્યું છે કે ગંભીર એલર્જીવાળા રિએક્શનમાં શ્વાસ લેવામાં તકલીફ, ચહેરા અને ગળામાં સોજો, ધબકારા ફાસ્ટ થવા, શરીર પર ચકામા અને નબળાઈનો સમાવેશ થાય છે.

ફેક્ટશીટમાં કહેવાયું છે કે, વેક્સીનેટર/અધિકારીને તમારી મેડિકલ પરિસ્થિતિઓ વિશે જરુર જણાવો. એ પણ જણાવો કે શું તમે સતત કોઈ બીમારીની દવા લો છો? જો હા તો ક્યારથી અને કેવી સ્થિતિમાં. કોવેક્સિનની ક્લિનિકલ અસર વિશે હજુ સંપૂર્ણ રીતે ખ્યાલ આવ્યો નથી અને ત્રીજા તબક્કામાં ટ્રાયલ ચાલી રહી છે. એવામાં મહત્વપૂર્ણ છે કે વેક્સિન લગાવવાની સાથે બીજી સાવધાનીઓ પણ રાખવામાં આવે. સરકારે કોવેક્સિનના ૫૫ લાખ ડોઝ ખરીદ્યા છે જેને ૧૨ રાજ્યો અને ૧૨ કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવ્યા છે.

(12:00 am IST)