Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

જેપી નડ્ડાના નેતૃત્વમાં પાર્ટી વધારે મજબૂત તેમજ વ્યાપક બનશે

વિદાય બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમામનો આભાર માન્યો : પાંચ વર્ષ સુધી પ્રમુખ રહેવા બદલ ગર્વ છે : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

નવીદિલ્હી, તા. ૨૦ : જેપી નડ્ડાને પાર્ટીના નવા અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા બાદ પ્રસંગે તમામ વરિષ્ઠ નેતાઓએ પોતપોતાનું સંબોધન કર્યું હતું અને નડ્ડાને શુભેચ્છા પાઠવી હતી. અમિત શાહે પોતાની અવધિ માટે વડાપ્રધાન અને તમામ સાથીઓનો આભાર માન્યો હતો. સાથે સાથે નડ્ડાને શુભકામના આપી હતી. એવી આશા વ્યક્ત કરી હતી કે, તેમના નેતૃત્વમાં પાર્ટી વધારે સશક્ત અને વધારે વ્યાપક બનશે. અમિત શાહે એક પછી એક ટ્વિટ કર્યા હતા અને કહ્યું હતું કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે તેમને જે સ્નેહ અને સમર્થન સંગઠન તરફથી મળ્યું હતું તેના માટે તમામનો આભાર માને છે.

             તેમના પર સતત વિશ્વાસ કરવા બદલ વડાપ્રધાનનો પણ આભાર માન્યો હતો. શાહે કહ્યું હતું કે, અનેક મહાનુભાવો અને મહાપુરુષો દ્વારા બનાવવામાં આવેલા મહાન  સંગઠનમાં પાંચ વર્ષ સુધી પાર્ટી પ્રમુખ તરીકે કામ કરવાની તક મળી હતી. આના માટે તેઓ ગર્વ અનુભવ કરે છે. હંમેશા તેમની સાથે કામ કરનાર તમામ કાર્યકરોનો પણ તેઓ આભાર માને છે. અમિત શાહને ૨૦૧૪માં લોકસભા ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત બાદ પાર્ટી પ્રમુખ તરીકેની જવાબદારી મળી હતી. તેમના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ એક પછી એક રાજ્યોમાં શાનદાર સફળતા મેળવી હતી.

            ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ અમિત શાહના નેતૃત્વમાં વધુ શાનદાર દેખાવ કર્યો હતો અને રેકોર્ડ સફળતા મેળવી હતી. ભાજપે એકલા હાથે ૩૦૦નો આંકડો પાર કર્યો હતો. મોદી-૨માં તેમને કેન્દ્રીય ગૃહમંત્રી તરીકેની જવાબદારી અપાઈ હતી.

(8:04 pm IST)