Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

સ્ટારલીંકના ૪૦ હજાર ઉપગ્રહોથી અવકાશમાં થશે ટ્રાફીક જામ

૮ લાખ પદાર્થો તો અવકાશમાં ઘુમી રહ્યા છેઃ ઇસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ કસ્તૂરી રંગને અવકાશને હથિયાર મુકત કરવા હાકલ કરી

જોધપુર તા. ર૦: ભારતીય અવકાશ સંસ્થાન (ઇસરો) ના ભૂતપૂર્વ અધ્યક્ષ કે કસ્તૂરીરંગને અમેરિકાની ખાનગી અવકાશ કંપની સ્પેસ-એકસ દ્વારા ૪૦ હજાર ઉપગ્રહોની ચેન (સ્ટારલિંક) દ્વારા અવકાશમાંથી ઇન્ટરનેટ ડીલીવરી બાબતે ચિંતા વ્યકત કરતા કહ્યું કે તેનાથી અંતરિક્ષમાં ટ્રાફીક જામ થઇ જશે.

આમ પણ હાલમાં નકામા ઉપગ્રહોના ૮ લાખ મોટા ટુકડાઓ પૃથ્વીની ભ્રમણ કક્ષામાં ૩૦૦૦૦ કી.મી./કલાકની ઝડપથી ચક્કર કાપી રહ્યા છે જેના લીધે તે કામગીરી કરી રહેલા ઉપગ્રહો સાથે અથડાવાની બીક રહે છે. કસ્તૂરી રંગને આના માટે અવકાશ ટ્રાફીક વ્યવસ્થાની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનિય છે કે સ્પેસ લીંક અત્યાર સુધીમાં ૬૦૦ થી વધારે ઉપગ્રહો લોંચ કરી ચુકયું છે.

કસ્તૂરીરંગન ગઇકાલે અહીંયા એનએલયુ જોધપુરના પદવીદાન સમારંભમાં મુખ્ય અતિથી તરીકે સંબોધન કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે હાલમાં અંતરિક્ષમાં હથિયારોની દોડ પણ ચાલી રહી છે, જયારે અંતરિક્ષનો ઉપયોગ ફકત માનવ કલ્યાણ માટે થવો જોઇએ.

આંતરરાષ્ટ્રીય જગતે કાયદો બનાવીને અવકાશને હથિયાર મુકત કરવું જોઇએ.

 ઇસરોના ભૂતપૂર્વ વડાએ અવકાશનો ઉપયોગ રાષ્ટ્રીય વિકાસ એટલે કે હવામાનનું પુર્વાનુમાન, રિમોટ મેપીંગ, ડીઝાસ્ટર મેનેજમેન્ટ, કૃષિ વગેરે ક્ષેત્રોમાં કરવાનું કહ્યું હતું.

(3:52 pm IST)