Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

નોટબંધી : ૨૫૦થી વધુને ૧ લાખથી ૨૦ કરોડની ડિમાન્ડ ફટકારતુ IT

રાજકોટ - સુરત-વડોદરાના વેપારી - કોન્ટ્રાકટર - ઝવેરી સહિતના ઝપટે ચડ્યા... ડિસેમ્બરમાં એસેસમેન્ટ પૂર્ણ થયા બાદ ધડાધડ નોટીસવાળી

રાજકોટ, તા. ૨૦ : દેશમાં ભ્રષ્ટાચાર અને કાળા નાણાને નાબુદ કરવા ભારત સરકાર દ્વારા રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ની નોટ બંધ કરવામાં આવી હતી. આ સમયે ભારત સરકારે દરેક નાગરીકને તેની બચતની મૂડી બેંકમાં જમા કરાવવા આધાર સાથે જણાવ્યુ હતું, પરંતુ કેટલાક નફાખોરી અને કાળુનાણુ વ્હાઈટ કરવા મોટા વેપારી, કોન્ટ્રાકટરોએ મોટી રકમ બેંકમાં જમા કરાવી હતી.

ભારત સરકારના નાણામંત્રાલયને આ અંગેની જાણ કરતાં બેંક અને અન્ય રોકાણો ઉપર નજર કેન્દ્રીત કરી તપાસ કરતા અવાસ્તવિકતા બહાર આવી હતી. પરિણામે નોટબંધી વખતે મોટી રકમ બેંકમાં જમા કરાવનાર વેપારી, કોન્ટ્રાકટર, બિલ્ડરને નોટીસ ફટકારી ડિમાન્ડ મોકલતા ખળભળાટ મચી જવા પામેલ છે.

જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ આયકર વર્તુળમાં અંદાજે ૯૦૦૦થી વધુ નોટબંધી વખતના કેસોની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં મોટાભાગના અરજદારોએ નોટબંધી સમયે નાણાની લેવડ-દેવડ કરેલ તેના પુરાવા રજૂ કર્યા હતા. જે આયકર વિભાગે માન્ય રાખ્યા હતા. પરંતુ ૨૫૦થી વધુ આસામીઓની નાણાકીય લેવડ-દેવડમાં ફેરફાર આવતા ડિમાન્ડ નોટીસ કાઢવામાં આવી છે. રાજકોટ આયકર વર્તુળ હેઠળ આવતા વિસ્તારમાં ૨૫૦થી વધુ આસામીઓને ૧ લાખથી ૨૦ કરોડ સુધીની ડિમાન્ડ મળ્યા હોવાની ચર્ચા ચાલે છે.

રાજકોટ અને સુરતના બિઝનેસમેન અને બાંધકામ કોન્ટ્રાકટરને ૮ કરોડની નોટીસ ફટકારી હોવાની ચર્ચા ચાલે છે. સુરત - વડોદરા - અમદાવાદ - મહેસાણા સહિતના વિસ્તારોમાં પણ આવકવેરા વિભાગે ડિસેમ્બર માસમાં કરેલી નોટબંધીના કેસોની સમીક્ષા બાદ નોટીસ ઈસ્યુ કરવામાં આવી રહી છે.

શહેર એક મોટા ધંધાર્થીને આવકવેરા ખાતા તરફથી ૧૧ કરોડ રૂપિયાની ડીમાન્ડ નોટીસ મળી છે. નોટબંધી સમયે તેના બીઝનેશ એકાઉન્ટમાં જંગી રકમો જમા કરાવવામાં આવી હતી. આવકવેરાની ટીમે ઉંડાણ ભરી તપાસ કરી પછી મોટી વિગતો મળી આવતા મજબુત પુરાવાઓ સાથે નોટીસ ફટકારી છેઃ

 દરમિયાન આવક વેરા ખાતાએ સુરતના મોટા ગજાના રીયલએસ્ટેટ કોન્ટ્રાકટરને ૮.૮૬ કરોડ રૂપિયાની ડીમાન્ડ નોટીસ ફટકારી છે. નોટબંધી સમયે તેમણે ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટો સાથે જંગી રકમ જમા કરાવી હતી. આવક વેરા ખાતાને શંકા છે કે આ નાણા કેટલાક બિલ્ડરો પાસેથી મળ્યા હતા .

ન્યુઝ ફર્સ્ટના હેવાલ મુજબ સંખ્યા બંધ રીયલ એસ્ટેટના ખેલાડીઓ અને કોન્ટ્રાકટરો આવક વેરાના રડાર હેઠળ છે અને તેમના એસટીઆર હાઇ ઓથોરીટી દ્વારા ચેક કરવામાં આવી રહયા છે.

(3:21 pm IST)