Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

ડ્રેગને મિત્રતાનો નવો દાવ ખેલ્યો :હવે ચીનની નજર મ્યાંમાર પર :બંને દેશો વચ્ચે 33 જેટલા કરાર કરાયા

19 વર્ષમાં પહેલી વખત ચીનના વડા શી જિનપિંગ મ્યાંમારની મુલાકાતે

નવી દિલ્હી : ચીન ધીરે ધીરે એશિયાના અન્ય દેશોની સાથે મિત્રતા કરવા નવો દાવ ખેલી રહયું છે અને ચીનના આ પગલાંથી સૌથી વધુ નુકસાન ભારતને થઇ શકે છે. શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળ બાદ હવે ચીનની નજર મ્યાંમાર પર છે. મ્યાંમાર અને ચીન વચ્ચે 33 જેટલા કરારો થયા છે.

   હાલ મ્યાંમારમાંથી રોહિંગ્યા મુસ્લિમોને કાઢી મુકવામાં આવ્યા છે અને સાથે જ સૈન્ય દ્વારા બર્બરતા પૂર્વક અત્યાચાર કરાયો હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટનાને લઇને પશ્ચિમી દેશો મ્યાંમારની ભારે ટીકા કરી રહ્યા છે ત્યારે ચીને તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે અને મ્યાંમારને સાથ સહકાર આપવાનું વચન આપ્યું છે.

   ચીન અને મ્યાંમાર વચ્ચે 33 કરારો થયા છે જેને પગલે ચીનની હિંદ મહાસાગરમાં ઘુસણખોરી વધી શકે છે. જે કરારો થયા છે તેમાં રાજનીતિ, વ્યાપાર, ઇન્વેસ્ટમેન્ટ, બેલ્ટ એન્ડ રોડ પહેલ (બીઆરઆઇ) સાથે જોડાયેલી વિવિધ યોજનાઓનો સમાવેશ થાય છે.

 વાતચીત દરમિયાન મ્યાંમારના વડા આંગ સાન સુ કીએ રોહિંગ્યા મુસ્લિમો અંગે પોતાનું નિવેદન આપતા કહ્યું હતું કે અમે જે કર્યું છે તે યોગ્ય જ છે અને પશ્ચિમી દેશોને આ અંગે નિવેદન કરવાનો કોઇ જ અધિકાર નથી.

   19 વર્ષમાં પહેલી વખત ચીનના વડા શી જિનપિંગ મ્યાંમારની મુલાકાતે આવ્યા હતા. જિનપિંગનું અહીં શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારત બીઆરઆઇની ટીકા કરી ચુક્યું છે. બીઆરઆઇને બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવ તરીકે ઓળખવામાં આવે છે. આ બીઆરઆઇ અંતર્ગત જ ચીન અને મ્યાંમાર વચ્ચે વધુ કરારો થયા છે. તેથી આવનારા દિવસોમાં આ મામલો પણ ભારત મ્યાંમાર સાથે ઉઠાવી શકે છે.

(11:49 am IST)