Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

પાકિસ્તાનમાં બે ટંક રોટલી ખાવાનાય ફાંફાં પડતા હાહાકાર

ઘઉંની આવક ઓછી થતા આખા પાકિસ્તાનમાં હવે લોટના ભાવમાં ભડકો

ઇસ્લામાબાદ, તા.૨૦: પાકિસ્તાનની સ્થિતિ દિવસેને દિવસે બદતર થઇ રહી છે. ઈમરાન ખાનને અર્થતંત્રને ટકાવી રાખવામાં મોટી મુશ્કેલીઓ પડી રહી છે. અન્ય ખાદ્ય પદાર્થોમાં ભાવ વધારા બાદ હવે પાકિસ્તાનમાં લોટના ભાવ આસમાને પહોંચતા હાહાકાર મચી ગયો છે. ઘઉંની આવક ઓછી થતા આખા પાકિસ્તાનમાં હવે લોટના ભાવમાં ભડકો થયો છે. ઘઉંના લોટના ભાવમાં મોટા ઉછાળા બાદ હવે પીએમ ઈમરાન ખાને સંગ્રહખોરીને પહોંચી વળવા માટે કિંમતો ઓછી કરવાનો સખ્ત આદેશ આપ્યો છે.

પાકિસ્તાનમાં ખૈબર પખ્તૂનખ્ખાની એક સંસ્થાએ સરકારના આ નિર્ણયના વિરોધમાં આજે હડતાલની જાહેરાત કરી છે. પંજાબ પ્રાંતની કેટલીક અન્ય સંસ્થાઓએ સરકારને ૫ દિવસનું અલ્ટીમેટમ આપતા કહ્યું છે કે, જો સરકાર તેમને ભાવ વધારો નહીં કરવા દે તો તે તત્કાલીન હડતાળ પર જશે. આ સંદર્ભમાં રેસ્ટોરાં સંચાલકોના એસોસીએશને પણ સરકારને જૂના ભાવમાં લોટ ઉપલબ્ધ કરાવવાનું કહ્યું છે. સાથો સાથ તેમણે કહ્યું છે કે, જો સરકાર આ નહીં કરી શકે તો, તેમને નાન અને રોટીના ભાવ વધારવાની મંજૂરી આપવામાં આવે.

લોટના ભાવ વધારાથી પાકિસ્તાનનું રાજકારણ ગરમાઈ ગયું છે. પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફ પાર્ટીએ દ્યઉંની અછતનું ઠીકરૂ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી પર ફોડ્યું છે. સિંદ્યમાં પીપીપીની સરકાર છે અને આ પાર્ટીએ પાકિસ્તાની કેન્દ્ર સરકારને લોટના ભાવ વધારા માટે જવાબદાર ગણાવી છે.

શું છે લોટની કિંમતો વધવાનું કારણપાકિસ્તાની નેશનલ ફૂડ સિકયોરિટી સચિવ હાશિમ પોપલઝાઈ અનુસાર, લોટના ભાવ વધવા માટે સૌથી મોટુ કારણ હાલના દિવસોમાં ચાલી રહેલી ટ્રાંસપોર્ટર્સ હડતાલ છે. પોપલઝાઈનું કહેવું છે કે, હડતાળના કારણે મિલોને સમયસર ઘઉં નથી મળી રહ્યા. જેના કારણે સપ્લાય ઓછી થઈ ગઈ છે, અને માંગ વધવાથી કિંમતોમાં તેજી જોવા મળી રહી છે.

કરાંચીમાં ૫ કિલો લોટના પેકેટનો ભાવ ૩૪૦થી ૩૫૦ રૂપિયા છે. જયારે ૧૦ કિલોગ્રામ લોટ માટે લોકોને ૬૬૦-૬૭૦ રૂપિયા ખર્ચ કરવા પડી રહ્યા છે. બે દિવસ પહેલા આ ભાવ ૩૧૦-૩૩૦ અને ૬૩૦-૬૪૦ રૂપિયા હતા.

(11:40 am IST)