Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

ચાલુ વર્ષે ૩૦% વધી જશે મોબાઇલ બિલ

ગજવા વધુ હળવા કરવા ગ્રાહકો તૈયાર રહે

નવી દિલ્હી તા. ર૦ :.. ભારતના એક અબજથી વધુ મોબાઇલ ગ્રાહકોએ ર૦ર૦નું વર્ષ પૂરું થતા સુધીમાં બીલમાં તીવ્ર વૃધ્ધિનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. યુઝર દીઠ સરેરાશ રેવન્યુ (એઆરપીયુ) હજુ નીચી હોવાથી ટેલિકોમ કંપનીઓ ભાવમાં ઓછામાં ઓછો રપ-૩૦ ટકા વધારો કરે તેવી શકયતા છે.

એનાલિસ્ટસના જણાવ્યા અનુસાર  સુપ્રીમ કોર્ટે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર) મુદે રાહત નહીં આપતાં વોડાફોન આઇડિયા અને ભારતી એરટેલે મોટી ચુકવણી કરવી પડશે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી આશંકા સાચી ઠરશે અને વોડાફોન આઇડીયા બંધ પડશે તો ભારતીય એરટેલ અને રિલાયન્સ જિયોની જ હાજરીને કારણે એનાલીસ્ટસને મોબાઇલ ટેરિફમાં મોટી વૃધ્ધિો અંદાજ છે.

આઇઆઇએફએલ. સિકયોરીટીઝના ડિરેકટર સંજીવ ભસિને જણાવ્યું હતું કે, 'એઆરપીયુએસ' હજુ જિયોની એન્ટ્રી પહેલાંનાં રૂ. ૧૮૦ર-ર૦૦ ના લેવલ કરતાં નીચા છે અને છેલ્લા ત્રણ વર્ષમાં ટેલિકોમ સંબંધી ગ્રાહક ખર્ચમાં ઘટાડો નોંધાયો છે ત્યારે ટેલિકોમ કંપનીઓ માટે ચાલુ વર્ષે ટેરિફમાં વધુ ૩૦ ટકા વૃધ્ધિનો અંદાજ છે. એકાદ મહિના પહેલાં ભારતી એરટેલ, વોડાફોન આઇડીયા અને રિલાયન્સ જિયોએ ત્રણ વર્ષમાં પહેલી વખત બંડલ્ડ પ્રિ-પેઇડ ટેરિફમાં લગભગ ૧૪-૩૩ ટકા વધારો કર્યો હતો. તેને લીધે માસિક એઆરપીયુએસ હાલના રૂ. ૧ર૦ થી વધીને રૂ. ૧૬૦ થવાનો અંદાજ છે. જો કે, વોડાફોન આઇડીયાના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ હોવાથી કંપની બંધ થશે તો ટેરિફમાં ઝડપી વૃધ્ધિ નોંધાશે.

એરટેલ, જિયો અને વોડાફોન આઇડીયાના પ્રતિનિધિ સેલ્યુલર ઓપરેટર્સ એસોસીએશન ઓફ ઇન્ડીયાના ડીરેકટર જનરલ રાજન મેથ્યુસે જણાવ્યું હતું કે, 'તાજેતરમાં (ડીસેમ્બર ર૦૧૯)' ટેરિફ વૃધ્ધિ  પછી પણ ગ્રાહકો કોમ્યુનિકેશનની જરૂરીયાત માટે માથા દીઠ આવકના માત્ર ૦.૮૬ ટકા ચુકવે છે. જે ચાર વર્ષ પહેલાની તુલનામાં ઘણા ઓછા છે.'

એનાલિસ્ટ્રસે જણાવ્યું હતું કે, ભારતમાં કોમ્યુનિકેશન્સ પર ગ્રાહક ખર્ચ સિંગાપોર, મલેશિયા, ચીન, હોંગકોંગ, ફિલિપાઇન્સ, જાપાન, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ઇગ્લેન્ડ, જર્મની અને ફ્રાન્સ કરતાં ઘણો ઓછો છે. જિયોની એટ્રી પછી છેલ્લા ત્રણ વર્ષમાં મોબાઇલ ઇન્ટરનેટનો વપરાશ નોંધપાત્ર વધ્યો છે ત્યારે ભસિનના જણાવ્યા અનુસાર મોબાઇલ યુઝર્સને પણ થોડો વધુ ભાવ ચૂકવવામાં વાંધો નહીં આવે. કોટક ઇન્સ્ટિટયુશનલ ઇકિવટીઝે જણાવ્યું હતું કે, 'જૂલાઇ-સપ્ટેમ્બર ર૦૧૯ માં ગ્રાહકના સ્તરે વાર્ષિક ટેલિકોમ ખર્ચ રૂ. ૧.૪પ ટ્રિલિયન રહ્યો હતો. જે જૂન-ર૦૧૬ ના સ્તરથી ર૧ ટકા નીચો છે. સુચિત ગાળામાં ટેલિકોમ ઉદ્યોગનો વોઇસ ટ્રાફિક ર.૧ ગણો અને ડેટા ટ્રાફિક ૪૩ ગણો વધ્યો હતો.' નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ટેલિકોમ ટેરિફમાં વૃધ્ધિના આગામી રાઉન્ડનો આધારે વોડાફોન આઇડીયાના અસ્તિત્વ પર રહેશે. (પ-૬)

(10:56 am IST)