Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

કરસંગ્રહ ટાર્ગેટથી અઢી લાખ કરોડ ઓછો રહેશે

સરકાર સમક્ષ વધુ એક મુશ્કેલી

નવી દિલ્હી તા. ૨૦ : ભૂતપૂર્વ નાણાસચિવ સુભાષચંદ્ર ગર્ગે ગઇકાલે કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષમાં સરકારની કરની આવક નિર્ધારીત લક્ષ્યથી લગભગ અઢી લાખ કરોડ રૂપિયા ઓછી રહેવાનું અનુમાન છે. જે દેશના કુલ જીડીપી ૧.૨ ટકા જેટલી છે. ગર્ગે એક બ્લોગમાં કહ્યું કે કર આવકની દ્રષ્ટિએ ૨૦૧૯-૨૦ એક ખરાબ વર્ષ સાબિત થવા જઇ રહ્યું છે. તેમણે પોતાના લેખમાં ડીવીડન્ડ ડીસ્ટ્રીબ્યુશન ટેક્ષ (ડીડીટી) હટાવવાની પણ માંગણી કરી છે.

તેમણે કહ્યું 'કરની આવક લક્ષ્ય કરતા ૨૫૦૦ અબજ રૂપિયા (જીડીપીના ૧.૨ ટકા) ઓછી રહેવાની શકયતા છે. હવે સમય આવી ગયો છે કે ડીવીડન્ડ ડીસ્ટ્રીબ્યુશન ટેક્ષને બંધ કરવામાં આવે અને વ્યકિતગત આવકવેરા કાનૂનમાં સુધારો લાવવામાં આવે.'

ગર્ગે કહ્યું 'રાજ્યોના ભાગના ૮.૦૯ લાખ કરોડ અલગ રાખ્યા પછી બજેટમાં કેન્દ્ર સરકારનું ચોખ્ખું લક્ષ્ય ૧૬.૫૦ લાખ કરોડ રૂપિયા રહેવાનું અનુમાન છે. જે ૨૦૧૮-૧૯માં થયેલ ૧૩.૩૭ લાખ કરોડની આવક કરતા ૩.૧૩ લાખ કરોડ એટલે કે ૨૩.૪ ટકા વધારે છે. હકીકતમાં આ ઘણું ઉંચું લક્ષ્ય છે. તેમણે કહ્યું કે કોર્પોરેટ કર, ઉત્પાદન શુલ્ક અને સીમા શુલ્ક આવકમાં ૨૦૧૯-૨૦માં ઘટાડો થઇ શકે છે. આ ઘટાડો ક્રમશઃ આઠ ટકા, પાંચ ટકા અને ૧૦ ટકા થશે.'

ગર્ગે કહ્યું કે બધુ મળીને કેન્દ્ર સરકારની કરની કુલ આવકમાં ૩.૫ લાખથી ૩.૭૫ લાખ કરોડનો ઘટાડો થઇ શકે છે. તેમણે કહ્યું કે, આ ઘણું મોટું અંતર છે અને તેને અન્ય કરો સિવાયની આવક દ્વારા ભરપાઇ કરવું અઘરૃં છે. આના કારણે બજેટમાં ૩.૩ ટકાની અંદાજીત ખાધમાં ૦.૫ ટકાથી ૦.૭ ટકા વધારે રહેવાનું નક્કી છે.

(10:55 am IST)