Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

બજેટમાં ડિવિડન્ડ ડીસ્ટ્રીબ્યુશન ટેક્ષ નાબુદ થવાની શકયતા

ડીડીટીની જોગવાઇ ૧૯૯૭માં લાગુ થઇ હતીઃ જે કંપનીઓ ઉપર બોજા સમાન છેઃ કંપનીને બદલે શેરહોલ્ડરો ઉપર ટેક્ષ લાગી શકે છે

નવી દિલ્હી તા. ર૦ :.. રોકાણ વધારવા માટે આગામી બજેટમાં લાભાંશ વિતરણ કર (ડીડીટી) ને સમાપ્ત કરાવાની શકયતા છે. આના બદલે શેર હોલ્ડરો પર કર લગાવી શકાય છે. સરકારના આ પગલાથી રોકાણકારોની સ્થિતિ સુધારવામાં મદદ મળશે અને કંપનીઓ માટે ટેક્ષના અમલી દરો ઘટશે. લીસ્ટેડ કંપનીઓ શેરધારકોને લાભાંશ (ડીવીડન્ડ) ચુકવ્યા પહેલા ડીડીટી કાપે છે. સેસ અને એજયુકેશનલ સેસ સાથે હાલમાં તેનો અમલી દર ર૦.પપ ટકા છે. આના માટે આવકવેરા કાયદાની કલમ ૧૧પ (ઓ) માં સુધારો કરવો પડશે. એક સુત્રએ જણાવ્યું કે આવું કરાધાનની જૂની પધ્ધતિ અપનાવવા માટે કરાશે જેમાં લાભાંશ મેળવનાર વ્યકિત પર કર લગાવવામાં આવે છે. બજેટ કંપનીઓ માટે વારંવાર કરાધાનની સમસ્યાઓનું સમાધાન કરશે.

સરકારનું આ પગલુ પ્રત્યક્ષ કર માળખામાં ફેરફાર માટે રચાયેલી સમિતિની ભલામણો મુજબનું છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડના ભૂતપૂર્વ સભ્ય અખિલેશ રંજનની આગેવાની વાળી આ સમિતિએ ડીડીટીને ખતમ કરવા પણ દીર્ઘકાલિન પૂંજી લાભ કર (એલટીસીજી) અને શેર ટ્રાન્સફર ટેક્ષ (એસટીટી) ને જેમનો તેમ રાખવાનું સૂચન કર્યુ હતું. નાણાપ્રધાન સીતારમણે સંસદના શિયાળુ સત્રમાં ડીડીટીને પ્રતિગામી ઉપાય ગણાવ્યો હતો. કંપનીઓ પોતાના નફામાંથી લાભાંશ (ડીવીડન્ડ) નું ચુકવણુ કરે છે જેના પર પહેલા જ કર ચુકવાઇ જાય છે. આમ ડીડીટીના લીધે કંપનીઓમાં કરબોજમાં વધારો થાય છે. વિદેશી શેરહોલ્ડરો માટે પણ ડીડીટી એક બોજ રૂપ છે કેમ કે તેઓ સીધે સીધા તે નથી ચુકવતાં. આના લીધે તેમના માટે વિદેશી કર ક્રેડીટ મેળવવાનું મુશ્કેલ બની જાય છે.

(10:54 am IST)