Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

સરકારમાં નિર્ણયો લેવાની હિંમત નથી : ઓટિટયુટ - માનસિકતા નકારાત્મક

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરીવાર પોતાની જ સરકારની કાર્યશૈલી સામે સવાલ ઉઠાવ્યાઃ યોજનાઓ માટે પૈસાની જરાપણ અછત નથી : ૫ ટ્રીલીયનની ઇકોનોમી બનાવવી મુશ્કેલ

નવી દિલ્હી તા. ૨૦ : દેશમાં અર્થતંત્ર માંદગીના ખાટલે છે અને સરકાર પાસે પૈસાની અછતની ચર્ચા થાય છે. વિપક્ષ આરોપ મૂકે છે કે સરકારની તિજોરી ખાલી થઇ ગઇ છે અને તેને ભરવા કયારેક રીઝર્વ બેંક પાસે તો કયારેક સરકારી કંપનીઓનું ખાનગીકરણની વાત કહેવામાં આવે છે ત્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાગપુરમાં એવું કહ્યું હતું કે, સરકાર પાસે પૈસાની અછત નથી. સરકાર પાસે કામ કરવાની માનસિકતા અને નિર્ણય લેવાની હિંમત નથી.

નાગપુર - કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ રવિવારે એક કાર્યક્રમમાં એક નિવેદન કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને એમની સરકારને આંચકો આપ્યો છે. કેન્દ્ર સરકારની કાર્યશૈલીની ટીકા કરતાં ગડકરીએ કહ્યું હતું કે, હું સાચું કહું છું, સરકાર પાસે પૈસાની તંગી નથી, પણ સરકારમાં નિર્ણય લેવાની હિંમત નથી.

સરકારી યોજનાઓ પૂરી કરવા માટે સરકાર પાસે પૈસાની કોઈ તંગી નથી, પણ નિર્ણય લેવા માટે જે હિંમત, માનસિકતા જોઈએ એ સરકાર પાસે નથી.

ગડકરીએ કહ્યું કે સરકારી યોજનાઓમાં કામ ન થવા માટે સરકારની માનસિકતા અને નકારાત્મક વલણ જ જવાબદાર છે.

ગડકરીએ દાવો કર્યો કે છેલ્લા પાંચ વર્ષમાં મેં ૧૭ લાખ કરોડ રૂપિયાનાં સરકારી કામકાજો કરાવ્યા છે અને આ વર્ષમાં પાંચ લાખ કરોડ રૂપિયાનાં કામકાજો કરવાનો એમનો લક્ષ્યાંક છે.

ગડકરીએ ગયા શનિવારે આઈએએસ અધિકારીઓ સાથેની બેઠકમાં થયેલી વાતચીતનો ઉલ્લેખ કર્યો હતો. 'એક હાઈએસ્ટ ફોરમની મીટિંગ હતી. ત્યાં આઈએએસ અધિકારીઓ કહેતા હતા 'શરૂ કરીશું' તો મેં એમને કહ્યું કે તમે શા માટે શરૂ કરશો? તમારામાં જો શરૂ કરવાની તાકાત હોત તો તમે આઈએએસ અધિકારી બનીને અહીંયા નોકરી શું કામ કરત?'

ગડકરીએ કહ્યું કે ૨૦૨૪-૨૫ના વર્ષ સુધીમાં દેશને ૫,૦૦૦ અબજ ડોલર (૫ ટ્રિલિયન ડોલર)નું અર્થતંત્ર બનાવવાનું કેન્દ્ર સરકારનું લક્ષ્ય કઠિન છે, પણ ઘરેલુ ઉત્પાદન વધારવા અને આયાત પરની નિર્ભરતા ઘટાડવા જેવા પગલાં લઈને એ હાંસલ કરી શકાય છે.

(10:48 am IST)