Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

એએપી સરકારની કામગીરીથી ભાજપ-કોંગી ખુબ જ પરેશાન

સરકારની કામગીરીને રોકવાના પ્રયાસ : સિસોદિયા : ૨૦ ધારાસભ્યોને ગેરલાયક જાહેર કરવા માટે ભલામણ કરવામાં આવ્યા બાદથી રાષ્ટ્રપતિ સમક્ષ રજૂઆત કરાશે

નવી દિલ્હી,તા.૨૦ : ચૂંટણી પંચ દ્વારા લાભના હોદ્દાના મામલે આમ આદમી પાર્ટીના ૨૦ ધારાસભ્યોને ગેરલાયક જાહેર કરવા માટેની ભલામણ કરવામા આવ્યા બાદ મુખ્યપ્રધાન અરવિન્દ કેજરીવાલના નેતૃત્વમાં સરકાર લાલઘુમ થયેલી છે. કેજરીવાલ સરકાર આક્રમક રીતે આગળ વધવા માટે ઇચ્છુક છે. ૨૦ ધારાસભ્યોને ગેરલાયક જાહેર કરવાની ચૂંટણી પંચની ભલામણ અંગે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ આજે કહ્યુ હતુ કે ભાજપ અને કોંગ્રેસના લોકો તેમની સરકારની સારી કામગીરીના કારણે પરેશાન થયેલા છે. વિરોધ પક્ષના લોકો અમારી ઝડપથી ચાલી રહેલી સારી કામગીરીને રોકવા માટે પ્રયાસ કરી રહ્યા છે. એએપીના નેતા સિસોદિયાએ કહ્યુ હતુ કે ચૂંટણી પંચે પક્ષપાત કર્યો છે. અમે આ મામલે રાષ્ટ્રપતિ સમક્ષ રજૂઆત કરી રહ્યા છીએ. બીજી બાજુ કેજરીવાલના આવાસ પર ૨૦ ધારાસભ્યોની સાથે મહત્વપૂર્ણ બેઠક પણ યોજાઇ હતી. રાષ્ટ્રપતિનો સમય માંગવામાં આવ્યો છે. અમને રજૂઆત કરવાની કોઇ તક અપાઇ નથી. દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં એએપી સરકારને ગઇકાલે મોટો ફટકો પડ્યો હતો.  ચૂંટણી પંચે લાભના હોદ્દાના મામલામાં એએપીના ૨૦ ધારાસભ્યોને ગેરલાયક જાહેર કરી દીધા હતા. તમામની નજર રાષ્ટ્રપતિ કોવિંદ ઉપર કેન્દ્રિત થઇ ગઇ છે. જે મામલામાં અંતિમ મંજુરીની મહોર મારનાર છે. રાષ્ટ્રપતિ જો ચૂંટણી પંચની ભલામણના આધાર પર આ ધારાસભ્યોને ગેરલાયક જાહેર કરશે તો દિલ્હીમાં આ તમામ સીટો ઉપર ફરીથી ચૂંટણી માટેની સ્થિતિ સર્જાઈ શકે છે અને આમ આદમી પાર્ટીને મરણતોળ ફટકો પડી શકે છે.  અલબત્ત એક બાબત નક્કી છે કે, ૨૦ ધારાસભ્યોને ગેરલાયક જાહેર કરવાની સ્થિતિમાં પણ ૬૭ સીટોની બમ્પર બહુમતિ ધરાવનાર કેજરીવાલ સરકાર અકબંધ રહેશે. આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. આમ આદમી પાર્ટીએ આ મામલામાં ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર પર તેજાબી પ્રહારો કર્યા  હતા. શુક્રવારના દિવસે ચૂંટણી પંચની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી જેમાં આ સંદર્ભમાં રાષ્ટ્રપતિને અહેવાલ મોકલવાનો નિર્ણય કરાયો હતો. આ મામલાની તપાસ રાષ્ટ્રપતિના નિર્દેશ ઉપર જ કરવામાં આવી રહી હતી. ચૂંટણી પંચે ૨૧ ધારાસભ્યોને લાભના હોદ્દાના મામલામાં અગાઉ કારણદર્શક નોટિસ જારી કરી હતી

(7:30 pm IST)