Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

GSTના રિટર્ન ભરવાના ધાંધિયા હજુ પણ યથાવત્

નવેમ્બર - ડિસેમ્બર કવાર્ટરલી જીએસટીઆર-૪ રિટર્ન ભરવાનો આજે છેલ્લો દિવસ

મુંબઇ તા. ૨૦ : ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસની ગઇ કાલે મળેલી બેઠકમાં કેટલીક ચીજવસ્તુઓના રેટમાં ઘટાડો કર્યો છે, પરંતુ રિટર્ન અંગે હજુ ૧૦ દિવસ બાદ નિર્ણય કરાશે. દરમિયાન આજે જીએસટીઆર-૪ અને જીએસટીઆર-૩-બી રિટર્ન ભરવાની પણ આજે છેલ્લી તારીખ છે. પોર્ટલ પરની ધીમી ગતિના કારણે રિટર્ન ભરવાનો પ્રશ્ન હજુ પણ યથાવત્ જોવા મળી રહ્યો છે, જેને લઇને વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે.

ટેકસ પ્રેકિટશનર્સના જણાવ્યા પ્રમાણે કાઉન્સિલ ગઇ કાલે બેઠકમાં રિટર્ન ભરવાનો મહત્ત્વનો પ્રશ્ન હતો તેનો કોઇ ઉકેલ લાવી નથી. રાજયમાં ઉચ્ચક વેરાનો લાભ લેતા એક લાખથી વધુ ડીલરો છે. ઓકટોબર-નવેમ્બર-ડિસેમ્બર કવાર્ટરલી જીએસટીઆર-૪ રિટર્ન ભરવાનો આજે છેલ્લો દિવસ છે.

પ્રેકિટશનર્સના જણાવ્યા પ્રમાણે રિટર્નનું ફોર્મ વેબસાઇટ પર હજુ અઠવાડિયા પહેલા જ મુકાયું છે ત્યારે માત્ર એક જ સપ્તાહમાં રિટર્ન ભરવાનું થતું હોઇ તથા પોર્ટલની ધીમી ગતિ હોવાથી રિટર્ન ભરી શકાતું નથી. એટલું જ નહીં જીએસટીઆર-૩-બી સેલ્સ પર્ચેઝનું સમરી રિટર્ન ભરવાની છેલ્લી તારીખ પણ આજે છે.

વેબસાઇટ પર ઊંચો લોડ હોવાથી રિટર્ન ભરવામાં મુશ્કેલી અનુભવવી પડે છે. આ વાતને સમર્થન આપતા ટેકસ બાર એસોસિયેશનના પ્રેસિડેન્ટ વારીસ ઈશાનીના જણાવ્યા પ્રમાણે કાઉન્સિલે નાના વેપારીઓ સાથે સંકળાયેલ રિટર્નનો મહત્ત્વનો પ્રશ્ન હતો તે હાલ નહીં ઉકેલીને વેપારીઓની મુશ્કેલીઓ વધારી છે.(૨૧.૫)

(9:46 am IST)