Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

જાતિ કેન્દ્રિત રાજકારણ દેશ માટે દુર્ભાગ્યઃ મોદી

દેશમાં વિકાસ, એકતા અને દૂરના ભવિષ્યના મુદ્દાઓ પર રાજનીતિ થવી જોઇએઃ લોકસભા - વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાવી જોઇએઃ જ્ઞાતિને બદલે થાય વિકાસની વાતો

નવી દિલ્હી તા. ૨૦ : વડાપ્રધાન નરેન્દ્રભાઇએ દેશમાં થઇ રહેલી જાતિ આધારીત રાજનીતિ અને લોકતંત્ર ખતરામાં છે તેવા સૂત્રોચ્ચાર પર જવાબ આપ્યો છે. એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું કે આ દેશનું દુર્ભાગ્ય છે. મોદીએ કહ્યું કે, 'આવું કરવાના બદલે દેશમાં વિકાસ, એકતા અને દૂરના ભવિષ્યના મુદ્દાઓ પર રાજનીતિ થવી જોઇએ. આવી સમસ્યાઓનો સામનો કરવા માટે તેમજ આવનારી પેઢીને ભારતીય સંસ્કૃતિ સાથે જોડી રાખવા માટે અમે એક ભારત, શ્રેષ્ઠ ભારત અભિયાન ચલાવ્યું છે.' વંદે માતરમ અને રાષ્ટ્રગાન ગાવાના દબાણને લઇને ઘટનાઓ પર સવાલ પૂછાતાં તેમણે જણાવ્યું કે આ ઘટનાઓ પર આપણે વિચારવાની જરૂર છે.

દેશમાં બેકારી એક મહત્વનો મુદ્દો રહ્યો છે. પીએમ બન્યા પહેલા તેમણે એક સવાલના જવાબમાં તેમણે એક વર્ષમાં એક કરોડ નોકરીઓ ઊભી કરવાનું વચન આપ્યું હતું. પોતાના આ વચનમાં કેટલા સફળ રહ્યા, એમ પૂછવા પર પીએમએ એક રિપોર્ટના હવાલાથી કહ્યું કે, છેલ્લા એક વર્ષમાં સંગઠિત ક્ષેત્રમાં ૭૦ લાખ EPF અકાઉન્ટ ખુલ્યા છે. એક વર્ષમાં ૧૦ કરોડ લોકોએ મુદ્રા યોજનાનો લાભ લીધો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સમસ્યા એ છે કે, ઓફિસની બહાર દુકાન લગાવનારા વ્યકિતની કમાણીને આપણે રોજગારીમાં સામેલ નથી કરતા. તે કોઈપણ આંકડામાં સામેલ નથી હોતા.

બેરોજગારી દૂર કરવા માટે તેમણે જણાવ્યું,'અમે સાચી દિશામાં છીએ. અમે યુવાશકિતને ધ્યાનમાં રાખીને કામ કરી રહ્યાં છીએ. અમે દુનિયામાં થનારી જરૂરતોના હિસાબે સ્કિલ ડેવલપમેન્ટ કરી રહ્યાં છે.' વડાપ્રધાને જણાવ્યું કે પહેલા ટેન્ડર નીકળતા હતાં. મોટા-મોટા લોકોને જ તક મળતી હતી. હવે GEM ઓનલાઇન પોર્ટલ બનાવ્યું છે. તેના દ્વારા હવે દૂરના વિસ્તારમાં કોઇ વસ્તુ વેચી શકે છે. તેમણે ઉદાહરણ તરીકે જણાવ્યું કે સહકારી સમિતીઓમાં કામ કરનારી મહિલાઓ સરકારને અનેક સામાન પહોંચાડી રહી છે. જે પહેલાની સરખામણીમાં સરકારને સસ્તો પડી રહ્યો છે.

ખેડૂતોની હાલતને લઈને પૂછાયેલા સવાલના જવાબમાં પીએમ મોદીએ કહ્યું કે, અમે વડાપ્રધાન પાક વીમા યોજના શરૂ કરી છે. મધ્ય પ્રદેશ, કર્ણાટક સહિત ઘણા રાજયોમાં તેનો ફાયદો થઈ રહ્યો છે. અમારું સપનું છે કે, ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવામાં આવે.

શું અમલદારશાહીને સુધારી શકયા છો? હજુ પણ સરકારી ઓફિસોમાં ફાઈલો અટકી જાય છે? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, હવે સ્થિતિ બદલાઈ છે, ઓછા સમયમાં સરકારી મશીનરીએ જે સ્ફૂર્તિથી જનધન યોજના પર કામ કર્યું છે, એ તેનું ઉદાહરણ છે. તેમણે કહ્યું કે, અમલદારો અલગ નથી, ટીમ ઈન્ડિયાનો ભાગ છે.

બજેટમાં શું થવાનું છે? આ સવાલ પર પીએમએ કહ્યું કે, 'મોદીનો એક જ મંત્ર છે- વિકાસ, વિકાસ, વિકાસ અને સબકા સાથ-સબકા વિકાસ.' મિશન-૨૦૧૯ વિશે પૂછવા પર મોદીએ કહ્યું કે, હું ચૂંટણીના હિસાબકિતાબમાં સમય બરબાદ નથી કરતો, જે સવા સો કરોડ જનતાએ અમને કામ સોંપ્યું છે એ કરતો જઈ રહ્યો છું.

આ ઉંમરે આટલી ઉર્જા કયાંથી લાવો છો? એ સવાલના જવાબમાં માર્મિક હસીને મોદીએ કહ્યું કે, ઈશ્વરે જેટલો સમય આપ્યો છે, તેનો સૌથી વધુ ઉપયોગ દેશ માટે થવો જોઈએ. બાળપણમાં જે સંસ્કાર મળ્યા છે, જે આદત થઈ ગઈ છે એ જ પ્રકારે બધું ચાલી રહ્યું છે. મારા મિત્ર મને કામમાંથી થોડો આરામ કરવાની સલાહ આપે છે, પણ એ દેશની દુઆવો છે, જે મારી ઉર્જા બને છે. તેમણે કહ્યું કે, કોઈ ગરીબની આંખોમાં જયારે સંતોષ જોઉં છું તો પૂરી તાકાત સાથે વધુ કામ કરવાની પ્રેરણા મળે છે.

(9:38 am IST)