Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

બજેટમાં મ્યુ.ફંડ ઉદ્યોગને જબરો ફાયદો મળે તેવી શકયતા

ડેટ લીન્કડ સેવીંગ સ્કીમમાં રોકાણને આયકર કાનૂનની કલમ-૮૦-સી હેઠળ છુટ મળી શકે છેઃ કલમ-૮૦-સીની સીમા દોઢ લાખથી વધારીને ર લાખ કરવામાં આવે તેવી શકયતાઃ લોક ઇન પીરીયડ ૩ને બદલે ર વર્ષ કરાશે

નવી દિલ્હી તા.ર૦ : બજેટ પ્રક્રિયા સાથે સંકળાયેલા સુત્રોનું કહેવુ છે કે મ્યુ.ફંડ ઉદ્યોગ માટે આ વખતે બજેટમાં કંઇક સારી બાબત બહાર આવશે. આ વખતે સરકાર ડેટ લીન્કડ સેવીંગ સ્કીમ (ડીએલએસએસ)માં રોકાણને આયકર કાનૂનની કલમ-૮૦-સી હેઠળ છુટ આપવાની જાહેરાત કરી શકે છે. સાથોસાથ મ્યુ.ફંડ લીન્કડ લોંગ ટર્મ રિટાયર્ડ પ્લાન અંગે પણ સ્પષ્ટ દિશા-નિર્દેશો જાહેર કરવામાં આવે તેવી શકયતા છે.

દેશનો મ્યુ.ફંડ ઉદ્યોગ ઘણા લાંબા સમયથી ડેટ લીન્કડ સેવીંગ સ્કીમને આયકર કાનૂનની કલમ-૮૦-સી હેઠળ છુટ આપવાની માંગ કરી રહેલ છે. જો આવુ થાય તો આ સ્કીમમાં રોકાણ પર તેને એ પ્રકારેે આયકરમાં છુટ મળશે જે પ્રકારે ઇકવીટી લીન્કડ સેવીંગ સ્કીમ પર અત્યારે મળે છે.

સરકાર મ્યુ.ફંડ લીન્કડ લોંગ ટર્મ રિટાયર્ડ પ્લાન અંગે દિશા-નિર્દેશોની જાહેરાત કરી શકે છે. ગત બજેટમાં નાણામંત્રીએ મ્યુ.ફંડ લીન્કડ લોંગ ટર્મ રિટાયર્ડમેન્ટ પ્લાનનો ઉલ્લેખ કર્યો હતો. આ એ પ્રકારની યોજના છે જે અમેરિકામાં ૪૦૧ (કે) પ્લાનના સ્વરૂપમાં જાણીતી છે. આ બારામાં સેબી તરફથી પણ લીલીઝંડી મળી ગઇ છે.

માનવામાં આવે છે કે આ યોજનાને આયકર કાનૂનની કલમ-૮૦-સીનો લાભ મળશે. સુત્રોના કહેવા મુજબ બજેટમાં આયકર કાનૂનની કલમ-૮૦-સી હેઠળ રોકાણની સીમા દોઢ લાખ રૂપિયાથી વધારીને ર લાખ રૂપિયા કરવામાં આવશે કારણ કે વધતી મોંઘવારી અને વધતા વેતન વચ્ચે હવે દોઢ લાખની રકમ ઓછી લાગે છે એટલુ જ નહી આમા બેંક એફડી, નાની બચતના સાધનો, સ્કુલની ફી, હોમલોનના મુળ રકમનું ચુકવણુ વગેરે પણ સામેલ છે.

આયકર કાનૂન હેઠળ છુટ લેવા માટે અત્યારે મ્યુ.ફંડમાં રોકાણ કરવા ઓછામાં ઓછા ૩ વર્ષ સુધી બની રહેવુ પડે છે. સંકેતો મળે છે કે તેને ૩ વર્ષથી ઘટાડી ર વર્ષ કરવા અંગે પણ નિર્ણય લેવાશે. (૩-ર)

 

(9:37 am IST)