Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

શીલભદ્ર દત્તાએ પક્ષના સભ્ય પદેથી રાજીનામું આપી દીધું

કેન્દ્રીય ગૃહમંત્રીઅમિત શાહની મુલાકાત પૂર્વે તૃણમુલ કોંગ્રેસમાં હડકંપ : બે દિવસમાં મમતા માટે આ ત્રીજો મોટો ઝાટકો, અગાઉ સુવેંદુ અધિકારી, જીતેન્દ્ર તિવારીએ પાર્ટી છોડી દીધી હતી

કોલકાતા, તા. ૧૮ : પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત પહેલાં સત્તારૃઢ તૃણમૂલ કોંગ્રેસમાં હડકંપ મચી ગયો. વધુ એક વરિષ્ઠ નેતા શીલભદ્ર દત્તાએ પણ આજે પાર્ટીની સભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે. બે દિવસમાં મમતા બેનર્જી માટે આ ત્રીજો મોટો ઝાટકો છે. આની પહેલાં ગુરૃવારના રોજ સુવેંદુ અધિકારી અને આસનસોલ એ જિલ્લાઅધ્યક્ષ જીતેન્દ્ર તિવારીએ પાર્ટી છોડી દીધી હતી. આપને જણાવી દઇએ કે શીલભદ્ર દત્તા ૨૪ પરગના જલ્લાના બેરકપુરથી ધારાસભ્ય છે. સુવેંદુની સાથે શીલભદ્ર પણ ભાજપનો હાથ પકડે તેવો કયાસ લગાવામાં આવી રહ્યો છે. બીજીબાજુ જીતેન્દ્ર તિવારી પણ બે બળવાખોરની સાથે કોલકત્તા પહોંચ્યા છે. થોડાંક સમય પહેલાં જ તેમણે આસનસોલ નગર નિગમના બોર્ડ ઓફ ચેરમેન પદ પણ છોડયું હતું. આ દરમ્યાન તેણે કહ્યું કે જ્યારે રાજ્ય સરકારને લાગ્યું કે મારું જીવન કિંમતી છે, તેમણે મને સુરક્ષા આપી.

         હવે સરકારને લાગે છે કે મારા જીવનનું કોઇ મૂલ્ય નથી, મારી સિક્યોરિટી હટાવી દીધી. હાલ જીતેન્દ્ર તિવારી  ધારાસભ્ય છે. તો તૃણમૂલ કોંગ્રેસમાં મોટા નેતાઓ બળવાખોર થયા બાદ પાર્ટીની ચિંતા વધવા લાગી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શુક્રવારના રોજ ટીએમસની ઇમરજન્સી મીટિંગ બોલાવી છે. જો કે ટીએમસીના સૂત્રોનું કહેવું છે કે આ કોઇ ઇમરજન્સી મીટિંગ નથી, પરંતુ આ પાર્ટીની નિયમિત બેઠકનો જ એક હિસ્સો છે. ટીએમસીના સૂત્રોએ કહ્યું કે દર શુક્રવાર પાર્ટીના અધ્યક્ષ ટીએમસી નેતાઓને ગ્રૂપમાં મળે છે. આપને જણાવી દઇએ કે આવતા વર્ષે બંગાળની ૨૯૪ સીટો પર વિધાનસભા ચૂંટણી થવાની છે. આની પહેલાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસમાં દોડધામ મચી છે.

પોતાના રાજીનામામાં શીલભદ્ર દત્તાએ લખ્યું કે હું તૃણમૂલ કોંગ્રેસની સભ્યતાની સાથો સાથ પાર્ટીના તમામ પદો પર રાજીનામું આપી રહ્યો છું. પત્રકારો સાથે વાતચીતમાં દત્તાએ કહ્યું કે મને લાગે છે કે હાલના પરિદ્રશ્યમાં હું પાર્ટીમાં ફિટ બેસતો નથી પરંતુ હું ધારાસભ્ય પદેથી રાજીનામું આપીશ નહીં. તેમણે આગળ કહ્યું કે હું ધારાસભ્ય પદ પરથી રાજીનામું શું કામ આપું? મને પ્રજાએ જીતાડ્યો છે પરંતુ હું જતો રહીશ તેઓ કયાં જશે?

(12:00 am IST)