Gujarati News

Gujarati News

News of Wednesday, 19th December 2018

અવિરત તેજી : વધુ ૧૩૭ પોઇન્ટનો સુધારો નોંધાયો

બેંકિંગ શેરોમાં જોરદાર લેવાલીનો માહોલ રહ્યો : સેંસેક્સ ૩૬૪૮૪ની સપાટીએ બંધ રહ્યો : મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં ઉછાળો : કારોબારીઓ ખુશખુશાલ

મુંબઇ,તા. ૧૯ : શેરબજારમાં સતત સાતમા સત્રમાં તેજી રહી હતી. તેજીનો દોર હજુ જારી રહે તેવી શક્યતા છે. બીએસઇ સેંસેક્સ આજે ૧૩૭ પોઇન્ટ સુધરીને ૩૬૪૮૪ની ઉંચી સપાટી પર રહ્યો હતો. તેમાં ૦.૪ ટકા સુધીનો ઉછાળો રહ્યો હતો. જ્યારે બ્રોડર માર્કેટમાં નિફ્ટી ઇન્ડેક્સ ૫૯ પોઇન્ટ સુધરીને ૧૦૯૬૭ની ઉંચી સપાટી પર રહ્યો હતો. જાહેર ક્ષેત્રની બેંકના શેરમાં લેવાલી જામી હતી. એફએમસીજીના શેરમાં પણ લેવાલી રહી હતી. સતત સાતમા સત્રમાં તેજી રહેતા તમામ લોકો ખુશ દેખાયા હતા. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં ૨.૯ ટકાનો સુધારો રહ્યો હતો. વિજયા બેક, અને બેંક ઓફ ઇન્ડિયાના શેરમાં લેવાલી રહી હતી. નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સમાં ૧.૩ ટકા સુધીનો ઉછાળો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં મિડકેપ ઇન્ડેક્સમાં ૧.૫ ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૫૫૧૯ રહી હતી. આવી જ રીતે બીએસઇ સ્મોલ કેપ ઇન્ડેક્સમાં ૧.૧ ટકાનો ઉછાળો રહ્યો હતો. જેથી તેની સપાટી ૧૪૭૬૫ સપાટી રહી હતી. એશિયન શેરબજારમાં પ્રવાહી સ્થિતી જોવા મળી રહી છે. ફેડ રિઝર્વ  પર અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં દબાણ લાવી રહ્યા છે. તેની બેઠક પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે.  શેરબજારમાં સતત ઉતારચઢાવના કારણે કારોબારી હાલમાં દિશાહીન થયેલા છે. ગયા મંગળવારના દિવસે સંસદનું શિયાળુ સત્ર શરૂ થયું હતું. ૮મી જાન્યુઆરીના દિવસે આ સત્ર ૨૯ દિવસના ગાળા બાદ પૂર્ણ થશે. ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી પહેલા એનડીએ સરકારના અંતિમ ફુલ સેશન તરીકે આને જોવામાં આવે છે. આ સત્ર દરમિયાનના ઘટનાક્રમ ઉપર તમામની નજર રહેશે. કેટલાક મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવી શકે છે. મોટા આર્થિક સુધારા પણ રજૂ કરવામાં આવી શકે છે પરંતુ સામાન્ય ચૂંટણી પહેલા સરકાર કેટલાક લોકપ્રિય પગલા જાહેર કરી શકે છે. વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ મોદી સરકાર મોટા પગલા લેવા જઈ રહ્યા છે. ગઇકાલે મંગળવારના દિવસે  સેંસેક્સ ૭૭ પોઇન્ટ ઉછળીને ૩૬૩૪૭ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૨૦ પોઇન્ટ રિકવર થઇ ૧૦૯૦૯ની સપાટીએ રહ્યો હતો. મંગળવારના દિવસે ક્રુડની કિંમતમાં એક સાથે પાંચ ટકા સુધીનો ઘટાડો થયોહતો. હવે તમામની નજર ફેડ રિઝર્વ પર કેન્દ્રિત થઇ ગઇ છે. કેન્દ્ર સરકાર હવે આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે કેટલાક લોકલક્ષી પગલા લેવાની દિશામાં આગળ વધી રહી છે. આની અસર સીધી રીતે જોવા મળી શકે છે.  ડોલરની સામે રૂપિયામાં ઉતારચઢાવની સ્થિતી રહી હતી.  ભારતીય રિઝર્વ બેંક દ્વારા ડિસેમ્બર મહિનામાં રોકડ રકમ ઠાલવવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ તેની અસર જોવા મળી રહી છે. રિઝર્વ બેંકે બેંકોમાં ૧૦૦૦૦ કરોડ રૂપિયા વધારીને ૫૦૦૦૦ કરોડ રૂપિયા ઠાલવવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય રિઝર્વ બેંકે મુખ્ય બજાર મારફતે ૪૦૦૦૦ કરોડ રૂપિયાની રોકડ રકમ ઠાલવવાની પણ જાહેરાત કરી છે. ફેડરલ રિઝર્વના નીતિગત નિર્ણયને લઇને પણ આશા જાગી છે.

(7:45 pm IST)