Gujarati News

Gujarati News

News of Wednesday, 19th December 2018

રૂ. ૨૮૫ કરોડની સંપત્તિ માટે મુંબઇના વ્યકિતએ મૃત માતાને જીવતી બતાવી!

કમલેશ રાનીનું વર્ષ ૨૦૧૧માં માર્ચ મહિનામાં નિધન થયું હતું

નોઇડા તા. ૧૯ : પોલીસે મુંબઈ સ્થિત એક વ્યકિત તેની પત્ની અને તેના પુત્રની કૌભાંડના સંદર્ભે ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલા વ્યકિતના ભાઈએ પોલીસ ફરિયાદ કરી હતી. ફરિયાદ પ્રમાણે તેના ભાઈએ રૂ. ૨૮૫ કરોડની પ્રોપર્ટી હડપ કરી જવા માટે કૌભાંડ આચર્યું હતું. કૌભાંડ કરવા માટે તેણે તેની મૃત માતાને પણ કાગળ પર જીવતી બતાવી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે ૧૫મી ડિસેમ્બરના રોજ સુનિલ ગુપ્તા, તેની પત્ની રાધા અને પુત્ર અભિષેકની મુંબઈના પોવઈ સ્થિત હિરાનંદાણી ગાર્ડ્સન ખાતે આવેલા તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ત્રણેયની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા.

પોલીસના જણાવ્યા પ્રમાણે વિજય ગુપ્તા તરફથી તેના મોટાભાઈ સુનિલ ગુપ્તા, તેની પત્ની અને બે પુત્રો તેમજ અન્ય પાંચ લોકો સામે પાંચ વર્ષ જૂના કેસ સંદર્ભે ફરિયાદ આપવામાં આવી હતી.

સ્ટેશન હાઉસ ઓફિસર મનોજકુમારે પંતે જણાવ્યું હતુ કે, 'સુનિલ ગુપ્તાએ તેની માતાના નિધન બાદ તેણી જીવતી હોય તેવું બોગસ સર્ટિફિકેટ બનાવ્યું હતું. આવું કરીને માતાના નામે રહેલી કંપની તેના તેમજ તેના પરિવારના નામે કરી લીધી હતી. સુનિલ ગુપ્તાના આવા કૃત્યથી ફરિયાદની રૂ. ૨૮૫ કરોડનું નુકસાન થયું હતું.'

(4:04 pm IST)