Gujarati News

Gujarati News

News of Wednesday, 19th December 2018

સીબીઆઈના વચગાળાના નિર્દેશક એમ.નાગેશ્વરરાવને અપાયું પ્રમોશન અધિક નિર્દેશક તરીકે નિયુક્ત કરાયા

કેબિનેટની નિમણૂક સમિતિએ આઈપીએસ અધિકારી નાગેશ્વરરાવની નિયુક્તિને મંજૂરી આપી

નવી દિલ્હી :સીબીઆઈના વચગાળાના નિર્દેશક એમ. નાગેશ્વરરાવને મદી સરકારે પ્રમોશન આપ્યું છે. સીબીઆઈ વિરુદ્ધ સીબીઆઈની લડાઈ બાદ તપાસ એજન્સીના વચગાળાના નિર્દેશકની જવાબદારી સંભાળી રહેલા નાગેશ્વરરાવને હવે એજન્સીના અધિક નિર્દેશક તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. કેબિનેટની નિમણૂક સમિતિએ ઓડિશા કેડરના 1986ની બેચના આઈપીએસ અધિકારી નાગેશ્વરરાવની નિયુક્તિને મંજૂરી આપી છે.

  સીબીઆઈના નિર્દેશક આલોક વર્મા અને વિશેષ નિર્દેશક રાકેશ અસ્થાના વચ્ચે ટકરાવ સામે આવ્યા બાદ 24 ઓક્ટોબરે નાગેશ્વરરાવને વચગાળાના સીબીઆઈ નિર્દેશક તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. નાગેશ્વરરાવના નામ પર નવેમ્બર-2016માં અધિક નિર્દેશકના પદ માટે વિચારણા કરવામાં આવી ન હતી. એપ્રિલ-2018માં કરવામાં આવેલી સમીક્ષા દરમિયાન પણ નાગેશ્વરરાવના નામ પર વિચારણા થઈ ન હતી. તેમણે 2016માં સંયુક્ત નિર્દેશક તરીકે સીબીઆઈમાં કામગીરી શરૂ કરી હતી.

(1:22 pm IST)