Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ મુદ્દે કાલે મહત્વની બેઠક થશે

સંસદીય સ્થાયી સમિતિની મહત્વની બેઠક થશે : છેલ્લી મિટિંગમાં ૨૮ પૈકી ચાર સાંસદ હાજર રહ્યા હતા

નવીદિલ્હી, તા. ૧૯ : દિલ્હી એનસીઆરમાં વાયુ પ્રદૂષણને લઇને શહેરી વિકાસ ઉપર સંસદની સ્થાયી સમિતિની બેઠક આવતીકાલે બુધવારના દિવસે યોજાનાર છે. આ બેઠકમાં આવાસ અને શહેરી મામલાઓના મંત્રાલય, પર્યાવરણ મંત્રાલય, નગરનિગમ અને અન્ય પ્રતિનિધિ ભાગ લેશે. આ પહેલા આજ મુદ્દા ઉપર શુક્રવારના દિવસે પણ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે નોંધનીય છે કે, આ પહેલા આ મુદ્દા ઉપર આયોજિત બેઠકમાં ૨૮માંથી માત્ર ચાર સાંસદો પહોંચ્યા હતા. ગેરહાજર રહેલા સાંસદોમાં પૂર્વ દિલ્હીના સાંસદ ગૌત્તમ ગંભીર પણ સામેલ છે. ત્યારબાદ ગૌત્તમ ગંભીરની વ્યાપક ટિકા પણ થઇ હતી. પ્રદૂષણને લઇને થનારી બેઠકમાં સામેલ હોવાના બદલે ગૌત્તમ ગંભીર ઇન્દોરના એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

                      આ ગાળા દરમિયાન જલેબી ખાતા ફોટાઓ વાયરલ થતાં ગૌત્તમ ગંભીરની ચારેબાજુ વ્યાપક ટિકા થઇ હતી. આમ આદમી પાર્ટી દ્વારા ગૌત્તમ ગંભીરની ઝાટકણી કાઢવામાં આવી હતી. આ તમામ મામલાઓ વચ્ચે ગૌત્તમ ગંભીરે ટ્વિટર પર કેજરીવાલ પર આક્ષેપ કર્યા હતા અને જળ કે જલેબી જેવો પ્રશ્ન  કર્યો હતો. ગૌત્તમ ગંભીરે કહ્યું હતું કે, જો જલેબી નહીં ખાવાથી પ્રદૂષણ ખતમ થઇ શકે છે તો આજીવન જલેબીને છોડી શકે છે. દિલ્હીના પ્રદૂષણને લઇને સામ-સામે આક્ષેપબાજીનો દોર ચાલી રહ્યો છે. ગૌત્તમ ગંભીરે આક્ષેપ કરતા કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલે પ્રદૂષણને રોકવા માટે કયા પગલા લીધા છે તે સંદર્ભમાં માહિતી મળી રહી નથી. બેઠકોના દોર ચાલી રહ્યા છે પરંતુ પ્રદૂષણને લઇને કોઇ નક્કર ઉપાય આવી રહ્યા નથી. મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચી ચુક્યો છે.

(8:01 pm IST)