Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

લેવાલી વચ્ચે બેંચમાર્ક ઇન્ડેક્સ તેજીની સાથે બંધ રહેતા આશા

સેંસેક્સ ૧૮૬ પોઇન્ટ સુધરી ૪૦૪૭૦ની સપાટીએ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, ભારતી એરટેલ અને ઇન્ફોસીસ જેવા કાઉન્ટરો ઉપર લેવાલી રહેતા બજારમાં તેજીનું મોજુ રહ્યું

મુંબઈ, તા. ૧૯ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, ભારતી એરટેલ, એક્સિસ બેંક, એચડીએફસી બેંક અને ઇન્ફોસીસ જેવા કાઉન્ટરોમાં જોરદાર લેવાલી વચ્ચે બેંચમાર્ક ઇન્ડેક્સમાં અડધા ટકાનો વધારો આજે થયો હતો. ઉપરાંત પીએસયુ બેંકના શેરમાં પણ તેજી રહી હતી. ફાઈનાન્સિયલ ક્રેડિટર્સની તરફેણમાં એસ્સાર સ્ટીલ ઠરાવ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદથી પીએસયુ બેંકના શેરમાં તેજી જોવા મળી રહી છે. આજે કારોબારના અંતે બીએસઈ સેંસેક્સમાં ૧૮૬ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૪૦૪૭૦ રહી હતી. સાત ટકાથી વધુના ઉછાળા સાથે ભારતી એરટેલના શેરમાં સૌથી વધુ તેજી રહી હતી જ્યારે યશ બેંકના શેરમાં ૨.૫૦ ટકાનો ઘટાડો રહ્યો હતો. ૩૦ શેર પૈકી ૧૧ શેર તેજીમાં અને ૧૯ શેર મંદીમાં રહ્યા હતા. એનએસઈ પર બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સ ૫૭ પોઇન્ટ ઉછળીને ૧૧૯૪૦ની સપાટીએ રહ્યો હતો.

                     બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૭ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૮૩૦ રહી હતી. બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૪૨ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૩૪૦૫ રહી હતી. માર્કેટ બ્રીડ્થ આજે નકારાત્મક રહી હતી. બીએસઈમાં ૨૭૩૨ કંપનીઓના શેરમાં કારોબાર થયો હતો જે પૈકી ૧૩૮૭ શેરમાં મંદી અને ૧૧૫૪ શેરમાં તેજી રહી હતી. ૧૯૧ કંપનીઓના શેરમાં યથાસ્થિતિ જોવા મળી હતી. પીએસયુ બેંકના શેરમાં સૌથી વધુ ઉછાળો રહ્યો હતો. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં ચાર ટકાની આસપાસનો ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટી બેંકમાં એક ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૩૧૨૩૬ રહી હતી જ્યારે મેટલ, એફએમસીજી અને ઓટોના શેરમાં મંદી રહી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી આજે ૯.૫ લાખ કરોડના આંકડા સ્પર્શ કરનાર પ્રથમ ભારતીય કંપની બની હતી.

                     વોડાફોન આઈડિયા અને ભારતી એરટેલના શેરમાં પણ આજે ઉછાળો નોંધાયો હતો. પહેલી ડિસેમ્બરથી ટેરિફમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ ભારતી એરટેલના શેરમાં આજે સાત ટકાથી વધુનો ઉછાળો રહ્યો હતો જ્યારે વોડાફોન આઇડિયાના શેરમાં ૩૫ સેન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. એશિયન શેરબજારમાં મિશ્ર કારોબાર રહ્યો હતો. અમેરિકા અને ચીન વચ્ચે વેપાર મંત્રણા પ્રાથમિક તબક્કામાં કરાર સુધી પહોંચી ચુક્યું છે. વિશ્વની સૌથી મોટી બે અર્થ વ્યવસ્થા વચ્ચે લાંબા ગાળાથી ચાલી રહેલા ટ્રેડવોરને હવે અંત આવનાર છે. જાપાનના નિક્કીમાં ૦.૪ ટકાનો ઘટાડો અને દક્ષિણ કોરિયાના કોસ્પીમાં ૦.૫ ટકાનો ઘટાડો રહ્યો હતો. કોમોડિટીના ક્ષેત્રમાં તેલ કિંમતોમાં આજે સતત ત્રીજા દિવસે નજીવો ઘટાડો રહ્યો હતો.

જોરદાર લેવાલીનું મોજુ

*   બેંચમાર્ક ઇન્ડેક્સમાં ફરી એકવાર ઉલ્લેખનીય સુધારો

*   સેંસેક્સ ૧૮૬ પોઇન્ટ ઉછળીને બંધ રહ્યો

*   વોડાફોન આઇડિયાના શેરમાં ઉલ્લેખનીયરીતે ઉછાળો નોંધાયો

*   વોડાફોનઆઈડિયાના શેરમાં સુધારો થતાં કારોબારીઓમાં નવી આશા જાગી

*   રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, ભારતી એરટેલ, એક્સિસ બેંક, એચડીએફસી બેંક, ઇન્ફોસીસ જેવા કાઉન્ટરોમાં લેવાલી રહી

*   બ્રોડર માર્કેટ બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૭ પોઇન્ટનો ઘટાડો રહેતા સપાટી ૧૪૮૩૦ રહી

*   સ્મોલકેપ ઇન્ડેક્સ ૪૨ ઉછળીને ૧૩૪૦૫ની સપાટીએ

*   પીએસયુ બેંકના શેરમાં સૌથી વધુ ચાર ટકાનો ઉછાળો

*   મેટલ, એફએમસીજી અને ઓટોના શેરમાં ઘટાડો રહ્યો

(7:54 pm IST)