Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

આર્થિક સુસ્તી વચ્ચે રિલાયન્સની માર્કેટ મૂડી વધી ૯.૫ લાખ કરોડ

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપનીએ નવી સિદ્ધિ મેળવી : નવી કંપની શરૂ કરીને ૧.૦૮ લાખ કરોડનું રોકાણ કરવા તૈયારી : સૌથી વધુ ડિજિટલ સર્વિસ આપશે : રિલાયન્સના શેરમાં ૩.૫૦ ટકા સુધી વધારો થયો

મુંબઈ, તા. ૧૯ : ટેલિકોમ કંપનીઓની કફોડી હાલત અને આર્થિક મંદીની સ્થિતિમાં પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટ મૂડીમાં અવિરત વધારો થઇ રહ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ આજે તેની સફળતામાં વધુ એક સિદ્ધિ ઉમેરી દીધી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટ મૂડી હવે ૯.૫ લાખ કરોડના આંકડાને પાર કરી ગઈ છે. મુકેશ અંબાણીના નેતૃત્વમાં આ કંપની આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ ભારતીય કંપની બની છે. આજે રિલાયન્સના શેરમાં ૩.૩ ટકા સુધીનો વધારો થતાં તેના શેરની કિંમત ૧૫૦૬.૭૫ સુધી પહોંચી હતી. ત્યારબાદ કારોબાર દરમિયાન તેના શેરમાં ઉતારચઢાવની સ્થિતિ રહી હતી. કારોબારના અંતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રના શેરમાં ૩.૫૦ ટકાનો ઉછાળો રહેતા તેના શેરની કિંમત આજે કારોબારના અંતે ૧૫૦૯.૮૦ની સપાટીએ રહી હતી.

                         રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ૯.૫૦ લાખ કરોડ રૂપિયાની માર્કેટ મૂડી સુધી પહોંચનાર પ્રથમ કંપની બની ગઈ હતી. ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન આ કંપનીના શેરમાં આશરે ચાર ટકાનો ઉછાળો રહ્યો હતો જેથી તેના શેરની કિંમત ઇન્ટ્રા ડે દરમિયાન ઓલટાઇમ હાઈ ૧૫૧૪.૯૫ સુધી પહોંચી હતી. જો કે ત્યારબાદ તેના શેરમાં આંશિક ઘટાડો રહ્યો હતો. આરઆઈએલની માર્કેટ મૂડી એવા સમયે વધી રહી છે જ્યારે અન્ય હરીફ કંપનીઓ મુશ્કેલી અનુભવી રહી છે જેમાં ભારતી એરટેલ અને વોડાઆઈડિયાનો સમાવેશ થાય છે. છેલ્લા મહિનામાં આરઆઈએલે જાહેરાત કરી હતી કે, કંપની એક નવી ગૌણ કંપની પણ શરૂ કરનાર છે જે હેઠળ ડિજિટલ ઇનિસિએટીવ અને એફ કારોબાર આવશે તેમાં ૧.૦૮ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવનાર છે.

                         આ નવી કંપની ભારતમાં સૌથી વધારે ડિજિટલ સર્વિસ ઉપલબ્ધ કરાવનાર કંપની બની જશે. આ નવી કંપની ટેકનોલોજી, હેલ્થકેર, એજ્યુકેશનના ક્ષેત્રમાં કામ કરવાની સાથે સાથે આગામી પેઢીની જરૂરિયાતોને પણ ધ્યાનમાં લેશે જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ, બ્લોક ચેઇન સામેલ છે. જાણકાર લોકોના કહેવા મુજબ આ નવા પ્લેટફોર્મની જેમ જ રોકાણકારોને પણ આકર્ષણ રહેશે. બેંક ઓફ અમેરિકાના મેરિલલિંચના કહેવા મુજબ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી આગામી બે વર્ષમાં ૨૦૦ અબજની કંપની બની શકે છે. કંપની આ લક્ષ્યને નવા કોમર્સ વેન્ચર, બ્રોડબેન્ડ ઓપરેશન અને ડિજિટલ વેન્ચરના માધ્યમથી હાંસલ કરવા માટે ઇચ્છુક છે. આરઆઈએલે ૯.૫ લાખ કરોડ રૂપિયાની માર્કેટ મૂડીનો આંકડો હાંસલ કરી લીધો છે. અમેરિકાની અનેક સંસ્થાઓ કહી ચુકી છે કે, આવનાર સમયમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ૨૦૦ અબજ ડોલરની કંપની બની શકે છે. આજે શેરબજારમાં તેજી જોવા મળી હતી. આમા રિલાયન્સની પણ મોટી ભૂમિકા રહી હતી.

(7:52 pm IST)