Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

પગારની સાથે મળશે પરફોર્મન્સ - લિંકડ ઇન્સેટિવ

સરકારી બેંકના કર્મચારીઓ માટે ખુશખબર

નવી દિલ્હી,તા.૧૯: સરકારી બેંકના લગભગ આઠ લાખ કર્મચારીઓને આવતા વર્ષે પગારની સાથે પરફોર્મન્સ-લિંકડ ઇન્સેટિવ (PLI) મળી શકે છે. આ અગાઉ બેંકોના મેનેજમેન્ટે વેરિએબલ પે અથવા પરફોર્મન્સ-લિન્કડ પેનું પ્રપોઝલ આપ્યું હતું. વેરએબલ પે પ્રાઇવેટ સેકટરના બેંકના કર્મચારીઓને પહેલાથી જ મળી રહી છે.

સૂત્રોને જણાવ્યાં અનુસાર ઇન્ડિયન બેંકસ એસોસિયેશન (IBA)ની પગાર પર વિચાર કરનારી કમિટીએ ગત અઠવાડિયે PLI નું પ્રપોઝલ આપ્યું હતું, જેનો સૈદ્ઘાંતિક તરીકે સ્વીકાર કરી લેવામાં આવ્યો. આ કમિટીના પ્રમુખ યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના એમડી રાજકિરણ રાય છે. બેંકના વાર્ષિક પરિણામની જાહેરાત બાદ PLI ની ગણતરી કરવામાં આવી શકે છે. સરકારી બેંકોના કર્મચારીઓના પગાર વધારા પર દ્વિપક્ષીય સમજુતિ દર પાંચ વર્ષે થાય છે. પગારના વધારાની ૧૧મી સમજૂતિ પર હાલમાં વાતચીત થઇ રહી છે. આ સમજૂતિ  ૧ નવેમ્બર, ૨૦૧૭ થી લાગુ થવાનો છે.

ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ કન્ફેડરેશન (AIBOC) ના જનરલ સેક્રેટરી સૌમ્ય દત્ત્।ાએ કહ્યું, 'પરફોર્મન્સ લિંકડ પે ના મુદ્દા પર વલણમાં ફેરફાર થયો છે. IBA એ સ્પષ્ટ કર્યું છેકે PLI ને પગારમાં સામેલ કરવામાં આવશે નહીં. આ દ્વિપક્ષીય સમજૂતિમાં પગારમાં વધારાથી અલગ હશે.' IBA એ પગારમાં ૧૨ ટકાના વધારાની રજૂઆત કરી છે, જયારે બેંક યુનિયન્સ દ્વારા ઓછામાં ઓછા ૧૫ ટકાના વધારા પર જોર આપવામાં આવી રહ્યું છે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સહિત કેટલીક  બેંકો પહેલેથી જ વિશેષ માપદંડોના આધાર પર કર્મચારીઓને રિવર્ડ અને ઇન્સેટિવની રજૂઆત કરી છે, પરંતુ નવુ સ્ટ્રકચર અલગ હશે, કારણ કે આ વિશેષ બેંકોના પ્રદર્શન પર નિર્ભર કરશે, કર્મચારીઓના પ્રદર્શન પર નહીં.

(3:57 pm IST)