Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

'અકિલા ઇન્ડિયા ઇવેન્ટ' પ્રસ્તુત ગુજરાત્રી અંતર્ગત નોખી-અનોખી વાતો અને સંગીતના જલ્સામાં હેમુ ગઢવી હોલ ખીચોખીચ ભરાઇ ગયોઃ મૌજ એવી કે કોઇએ ૪ કલાક સુધી ખુરશી ન છોડી

'ગુજરાત્રી'ના મુકુટમાં ઉમેરાયું સોનેરી પીછુ-'મૌજે ગુજરાત': ગીત-ગરબા, દૂહા-છંદ, હાસ્ય અને વ્યંગની મન ભરીને મૌજઃ ગુજરાત્રીયન્સ ઝૂમી ઉઠ્યા

ગાયકો આદિત્ય ગઢવી, હિમાલી વ્યાસ, પ્રહર વોરા અને ગાથા પોટાના ગીતોની રમઝટ...કવિ ડો. રઇશ મણિયારની ખડખડાટ હસાવતી ગોષ્ઠી...મિલિન્દ ગઢવી અને વિરલ રાચ્છના વૈવીધ્યસભર માહિતી સાથેના ગુજરાતી સંસ્કૃતિ-સંગીતની વિસ્તૃત કથનીઓ તેમજ શાયરીઓ સાથેના સંચાલને સતત મોજીલો માહોલ ઉભો કરી સૌને છેક સુધી જકડી રાખ્યાઃ અમે તો જઇશુ અહિથી પણ અમે ઉડાડ્યો ગુલાલ રહેશે.. ખબર નથી શું કરી ગયા, પણ કરી ગયા તે કમાલ રહેશે..!: રઇશ મણિયાર અને વિરલ રાચ્છની ચાર પંકિતઃ સામા પ્રવાહે તર્યુ તે ગુજરાત, વિશ્વભરમાં વિસ્તર્યુ તે ગુજરાત, ગાંધીના લોજીકથી-મોદીના મેજીકથી, આખા વિશ્વને ઘેલુ કર્યુ એ ગુજરાત..! મૌજે ગુજરાત...મૌજે ગુજરાત

રાજકોટ તા. ૧૯:  'મૌજ'... સાંભળતાં જ મોજ પડી જાય એવો આ શબ્દ. પણ મૌજ તો ઘણા પ્રકારની હોય...અલગ અલગ લોકો પોત પોતાને મન પડે એવી મૌજ કરતાં હોય છે.  પરંતુ અહિ વાત છે એવી મૌજની જેમાં ગુજરાતી ગીતોની મૌજ છે, સંગીતની મૌજ છે, ગરબાની ધમાકેદાર રમઝટ સાથે દૂહા-છંદની મોજ છે, ધાર્મિકતાની ઝાંખી કરાવતાં જોમ ચડાવતાં ગીતો-દુહાઓની મૌજ છે...ગુજરાતીઓની ગોૈરવગાથાની મૌજ છે...તો વ્યંગ સાથે ખડખડાટ હાસ્યના બાણ વરસાવતા કવિઓની મૌજ છે. લાડકી દિકરીથી માંડી પ્રિત, પિયુ ને પટોળાના ગીતોની મૌજ છે. એટલુ જ નહિ તહેવારોના ગીતોની મૌજ છે તો જુના અને જાણીતા ગીતોની સાથે અર્બન ગીતો સાથે ગુજરાતીઓના દિલમાં વસેલા ગરબાની પણ મૌજ છે...પણ આ બધી મૌજ કયાં છે? કયાં હતી?...તો તેનો એક જ જવાબ છે-અકિલા ઇન્ડિયા ઇવેન્ટ ગુજરાત્રી આયોજીત 'મૌજે ગુજરાત'માં. શનિવારે રાત્રે સતત ચાર કલાક સુધી પ્રેક્ષકોને જકડી રાખનાર સુપરહિટ ઇવેન્ટ સંપન્ન થઇ. મૌજે ગુજરાતમાં સૌને મોજ પડી ગઇ!...એ સાથે 'ગુજરાત્રી'ના મુકુટમાં એક સોનેરી પીછુ ઉમેરાઇ ગયું.

અગાઉથી નકકી થયા મુજબ બરાબર રાતે ૯ના ટકોરે મૌજેગુજરાત કાર્યક્રમનો પ્રારંભ થઇ ગયો હતો. શ્રી હેમુ ગઢવી હોલની એક પણ સીટ ખાલી નહોતી રહી અને પગથીયાઓ પર પણ બેસીને પ્રેક્ષકોએ જેની ભરપુર મૌજ માણી હતી એ  અકિલા ઇન્ડિયા ઇવેન્ટ પ્રસ્તુત ગુજરાત્રી અંતર્ગત મૌજે ગુજરાતમાં સૌ પ્રથમ પારંપરિક દિપ પ્રાગટ્ય વિધી 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, શ્રી અજીતભાઇ ગણાત્રા, સત્ય સાઇ હાર્ટ હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી મનોજ ભીમાણી, પ્રદેશ ભાજપ આગેવાન નિતિન ભારદ્વાજ, ડેપ્યુટી મેયર અશ્વિન મોલીયા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદય કાનગડ, કોંગી આગેવાન અશોક ડાંગર અને ઇવેન્ટના સુત્રધાર નિમીષ ગણાત્રાના હસ્તે થઇ હતી. એ પછી ધમાકેદાર ઇવેન્ટનો શુભારંભ થયો હતો.

ગુજરાતીતાનું ગરવું સરનામુ બની ગયેલ ગુજરાત્રી  અંતર્ગત અગાઉ અલગ-અલગ બે ઇવેન્ટ્સની જ્વલંત સફળતા પછી તદ્દન નવી નક્કોર ઇવેન્ટ્સ 'મૌજે ગુજરાત-ટેલ્સ એન્ડ સોંગ્સ ઓફ ગુજરાત'નો પ્રથમ શો યોજાઇ ગયો, જેને ગુજરાત્રીયન્સએ જબરદસ્ત હિટ બનાવી દીધો. ગુજરાતના વિવિધ પ્રદેશોના પ્રચલિત સંગીત, કવિતા, લોક સંગીત, કિસ્સા-કહાનીઓને ગુજરાતી કાવ્ય, હાસ્યના રંગે રંગી સુચારૂ સંકલન અને સંચાલન દ્વારા સતત ચાર કલાક સુધી અગાઉ કદી ન થયો હોય તેવો મનોરંજન સાથેનો અને ગુજરાતી હોવાના ગોૈરવને ઉજવી શકાય તેવો શો માણવા-નિહાળવા મળ્યો હતો.

ધમાકેદાર થીમ સોંગ-શિર્ષક સોંગ 'ગુજરાતી નરબંકા જાગે દેશ દેશાવર ડંકા વાગે...' સ્ટેજ પર વિશાળ એલઇડી સ્ક્રીનમાં  પ્રસ્તુત થતાં જ તાડીઓના ગડગડાટથી હોલ ગુંજી ઉઠ્યો હતો. ગુજરાતના વિવિધ રંગોને ખોલવામાં આવ્યા હતાં. આ શિર્ષક ગીત ડો. રઇશ મણિયારે લખ્યું હતું અને  પ્રહર વોરાએ સ્વરબધ્ધ કર્યુ હતું. શોના દિગ્દર્શક અને સંચાલક વિરલ રાચ્છે કાર્યક્રમને આગળ વધારતાં કહ્યું હતું કે-મારી સામે અત્યારે જબરદસ્ત ગુજરાત છે, હેલો થી હેલ્લારો સુધી વિસ્તરેલુ ગુજરાત છે. મોજીલુ ગુજરાત. ગુજરાતમાં વૈવિધ્ય પણ અનેરૂ છે. જુદા જ રંગોમાં ધબકતું ગુજરાત દેખાય છે. રહેણીકરણી, ખાનપાન, બોલી, ભાષા, જીવનશૈલી, વ્યવહારો તહેવારો, વ્યાજ આ બધુ જોતાં એવું લાગે કે એક જ ગુજરાતમાં કેટલા બધા ગુજરાત છે. પણ એવું છે નહિ આ બધા અલગ-અલગ રંગોને એક તાંતણે બાંધતો એક શબ્દ છે અને એ છે ગુજરાત.  ગુજરાતી એ એક મિજાજની વાત છે, જે આપણા સૌમાં વહે છે. ગુજરાતી સંસ્કૃતિની રેખાને જોડીને જીવે છે. આ કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ રંગોથી રંગાયેલુ ગુજરાત, સૂરીલુ ગુજરાત 'મૌજે ગુજરાત'માં રજૂ કરીશું.

'મૌજે ગુજરાત'માં ૧૦ જુદા-જુદા ભાગોમાં ગાયકો, અને કવિ તથા સંચાલક-દિગ્દર્શકોએ સૌની મૌજ કરાવી દીધી હતી. જે ૧૦ વિભાગોમાં અલગ-અલગ ગીત, કથા-કહાની સંગીતના સથવારે રજૂ થયા તે વિભાગોના નામ કંઇક આવા હતાં (૧) નમન ગુજરાત...ભકિત એ જ શકિત, (૨) જતન ગુજરાત...ધીમી ધરતી નોખા લોક, (૩) ઝલક ગુજરાત-લહેરી લાલા શહેરી લાલા, (૪) કવન ગુજરાત...શબ્દની રંગત સૂરની સંગત, (૫) સફર ગુજરાત...ગામે ગામ યાત્રાધામ, (૬) ઉત્સવ ગુજરાત...તહેવાર એ જ વહેવાર, (૭) કથન ગુજરાત...સુણો કહાણી ગીતોમાં કહેવાણી, (૮) જગત ગુજરાત...દ્રષ્ટિ વિશાળ, ન બાંધે પાળ, (૯) ટશન ગુજરાત...નવો મિજાજ નવો અવાજ અને સૌથી છેલ્લે (૧૦) નર્તન ગુજરાત...નવલી રાતોના રંગ, ઝૂમે અંગેઅંગનો સમાવેશ થાય છે.

જેમ જેમ એક પછી એક વિભાગો રજૂ થતાં ગયા તેમ-તેમ હકડેઠઠ પ્રેક્ષકોની મૌજમાં વધુને વધુ ઉમેરો થતો ગયો હતો. ત્રણ કલાક શો ચાલકે તેવો અંદાજ હતો પરંતુ પોણા ચાર કલાક શો ચાલ્યો હતો. જેમાં માત્ર દસ મિનીટનો વિરામ રખાયો હતો. વિરામ પછી પણ શ્રી હેમુ ગઢવી નાટ્ય ગૃહની એક પણ ખુરશી છોડીને પ્રેક્ષક ગયા નહોતાં. કારણ કે અહિ નકરી મૌજ જ હતી...ગીત સંગીતની મૌજ.

ગુજરાત્રીયન્સ આફરીન...એક એક ગીતો-વાતો- હાસ્યરસમાં રસ તરબોળ થયા

ગુજરાત્રીયન્સને નકરી મોજ જ પડી જાય એ રીતે સમગ્ર ઇવેન્ટની થીમ નક્કી કરવામાં આવી હતી. અલગ-અલગ ભાગોમાં ગીત-સંગીતનો અલબેલો રસથાળ અને મનભાવન, જાણી અજાણી નોખી-અનોખી કહાની-કથનીઓને એક પછી એક કલાકારે એ રીતે રજૂ કરી હતી કે જેથી કરીને પ્રેક્ષકો ગાયનો સાંભળી ડોલી ઉઠ્યા હતાં અને જાણીતી-અજાણી કહાની, કથનીઓ,વાતો   સાંભળી વાહ-વાહ પોકારી ઉઠ્યા હતાં. ચાર કલાકના સમગ્ર કાર્યક્રમને રજૂ કરવામાં ગુજરાત્રીની ટીમે જે મહેનત કરી હતી તે લેખે લાગી હતી અને સૌને મોજે-મોજ થઇ પડી હતી. 'મૌજે ગુજરાત'નો આરંભ જ અદ્દભુત થયો હતો. જેનો શરીરનો બાંધો સાવ એકલવડીયો છે પણ અવાજ એટલો પહાડી અને કર્ણપ્રિય કે સાંભળનારના રૃંવાડા ઉભા થઇ જાય, ગમે તેવા શ્રોતાને જોમ ચડી જાય તેવા સ્વરના માલિક જોશીલા ગાયક શ્રી આદિત્ય ગઢવીએ ભગવાનની સ્તુતિ રજૂ કરતાં જ તાળીઓના ગડગડાટ સાથે વધામણા શરૂ થઇ ગયા હતાં. એ પછી બીજા ધૂંઆધાર ગાયક શ્રી પ્રહર વોરા, રાજકોટનું ગોૈરવ સમાન ગાયિકા સુશ્રી ગાથા પોટા અને સંગીતની દુનિયામાં જેમના નામથી કોઇ અજાણ નથી એવા સુશ્રી હિમાલી વ્યાસ નાયકે એક પછી એક એવા ગીતો-પ્રાર્થનાઓ રજૂ કરી કે સૌ કોઇ ભકિતભાવમાં ગળાડુબ થઇ ગયા હતાં. ચારેય ગાયકોએ પોતાની પ્રસ્તુતી રજૂ કરી દીધા પછી સુચારૂ સંચાલનનો દોર સંભાળનારા વિરલ રાચ્છે આ ચારેય ગાયકોનીઓળખ આપી હતી.

કાર્યક્રમે પ્રારંભમાં જ એ ઝાંખી કરાવી દીધી હતી કે હવે આગળ જતાં વધુ ને વધુ મૌજ છે...ગીતો સાથે ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છ અને કાઠીયાવાડની કથનીઓ-કથાઓ પણ જાણવા-માણવાનો લ્હાવો ગુજરાત્રીયન્સને સાંપડ્યો હતો. ચાર ગાયકો કે જે શ્રોતાઓને પોતાના સ્વરના સથવારે ડોલાવવામાં અત્યંત માહેર છે તેણે એક પછી એક એવા ગીતો ગાયા કે સૌ કોઇ આફરીન પોકારી ગયા. અહિ કચ્છ-કાઠીયાવાડ-જાલાવડની કહાનીઓ સાથે ગીતો અને વચ્ચે સંચાલક-દિગ્દર્શક એવા શ્રી વિરલ રાચ્છ, ડો. રઇશ મણિયાર અને મિલન્દ ગઢવીની   અવનવી રજૂઆતો, શાયરીઓ, વ્યંગના બાણ અને ખડખડાટ હસાવી દેતી વાતોથી મૌજે દરિયા થઇ ગયા હતાં.

તબક્કાવાર ગુજરાતની ઝલક, શબ્દોની રંગત-સંગત, જે તે પંથકોને લગતાં ગીતો-વાતો-હાસ્યરસ, તહેવારો, ગુજરાતી સાહિત્ય જગત, સંગીત જગતના ખુબ જાણીતા રચયીતાઓના ગીતોએ હોલને વાહ-વાહ અને ભાઇ-ભાઇના નાદથી ગજવી મુકયો હતો. એક તરફ ગીતોની રંગત હતી તો બીજી તરફ શાયરીઓની સંગત હતી...સાથો સાથ એવી વાતો જે જાણીને ગુજરાતી હોવાનું ગોૈરવ ગજ ગજ ફુલાઇ જતું હતું.

સફર આગળ વધતી ગઇ અને ગાયકો તથા સંચાલકો પણ પ્રેક્ષકોને વધુને વધુ મૌજ કરાવવાની પોતાની નેમમાં સફળ થતાં ગયા હતાં. લોક સાહિત્યની વાતો, શૂરવીરતાની વાતો અને સાથે એવા જ ગીતોનો ખજાનો ખુલ્લો મુકાતાં સૌએ આ મોજનો ખજાનો લૂંટ્યો હતો. ગુજરાત એટલે ઉત્સવની ભૂમિ. અહિ વાર-તહેવાર અને વહેવાર સાચવવા  સૌ કોઇ હમેંશા તૈયાર હોય છે. ગુજરાત-સૌરાષ્ટ્રની ભૂમિ એવી ભૂમિ છે જ્યાં ધમધોકાર ઉત્સવો છે તો એના ગીતો-કહાનીઓ પણ છે. આવુ બધુ પણ ગુજરાત્રીયન્સને મન ભરીને માણવા મળતાં એવી મૌજ પડી કે કોઇ ખુરશીમાંથી ઉભુ જ ન થયું.

ગુજરાત્રી અંતર્ગત યોજાયેલી 'મૌજે ગુજરાત' ઇવેન્ટમાં એવું પણ થયું કે જે કદી કોઇ ગુજરાતી ગીત સંગીતના કાર્યક્રમોમાં થયું નથી. અહિ ગીતનો એવો ઝૂમખો રજૂ કરવામાં આવ્યો જે નિહાળી-માણી ગુજરાત્રીયન્સ આફરીન પોકારી ઉઠ્યા. ગાયકોને રિતસર વધાવી લીધા...એક ગીતની રજૂઆતમાં સમગ્ર હોલમાં ગુજરાત્રીયન્સના મોબાઇલ ફોનની ટોર્ચ ચાલુ થઇ જતાં હોલ ઝળહળી ગયો હતો. પ્રેક્ષકોનો આ પ્રેમ જોઇ ગાયકવૃંદ પણ અભિભૂત થઇ ગયું હતું.

ગીત-સંગીતની મજા તો અનેરી હતી જ પણ સાથો સાથ એવી કથની-કહાની પણ હતી કે જેમાં આગ્રાથી માંડી ગુજરાતના વડનગરની વાતો અને રાગ મલ્હારથી માંડી વૈષ્ણવ જનના શ્વરની મહેકે સૌને ખુશખુશાલ બનાવી દીધા હતાં. ભગવાન શ્રી કૃષ્ણ-સુદામાની દોસ્તીની વાતોનો મર્મ અને ગીતથી સૌ ભાવવિભોર થયા હતાં તો બીજી તરફ દોસ્તીની વાત અમુક વર્ષો પછી થાય તો તેમાં પાત્રો બદલી જાય અને નરેન્દ્રભાઇ મોદી અને અમિતભાઇ શાહની દોસ્તીની જ વાત થાય તેવા વ્યંગ સહિતના હાસ્યરસમાં ગુજરાત્રીયન્સે રિતસર ધૂબાકા માર્યા હતાં. અહિ અકબર-બિરબલની વાત અને સાથે તાના-રીરીના રાગ મલ્હારની કહાની તથા એ રાગના ગીતે મૌજને વધુને વધુ મૌજીલી બનાવવાનું કામ કર્યુ હતું.

ગાયકોએ જે રીતે ગુજરાત્રીયન્સને ખુશ કરી દીધા અને વાહ-વાહ, ભાઇ-ભાઇના નાદ લગાવવા મજબૂર કરી દીધા તેમ સંચાલક-દિગ્દર્શનની અઘરી કામગીરી સંભાળનારા  ડો. રઇશ મણિયાર, વિરલ રાચ્છ અને મિલિન્દ  ગઢવીએ પણ પ્રેક્ષકોનું દિલ જીતવામાં જરાપણ કચાસ રાખી નહોતી. આ ત્રણેયએ એક પછી એક તબક્કાઓમાં અલગ-અલગ થીમથી રજૂ થયેલા ગીતો-વાતો-હાસ્યરસમાં એવી જમાવટ કરી હતી કે સૌ કોઇ આફરીન પોકારી ગયા હતાં. હસવાનું રોકી જ ન શકાય તેવી ગેરેંટીવાળી વાતો અહિ ભરપુર માત્રામાં માણવા મળી હતી. જુના ગીતો ફરી બની શકે કે નહિ? એ વાતે શરૂ થયેલી બે સંચાલક-કવિની ગોષ્ઠીએ એવા તો હસાવ્યા કે બસ મૌજ પડી ગઇ. સાથો સાથ આજના જમાનાની ગુજરાતી ફિલ્મોના ગીતો એટલે કે અર્બન ગીતોએ ખાસ કરીને યુવાધનને ડોલાવી દીધું હતું. હૈયે વસેલા, જીભે ચડી ગયેલા ગીતો રજૂ થતાં જ ચાહકોએ ગાયકની સાથે સાથે તાલ મિલાવ્યો હતો.

ગુજરાતની વાત હોય, ગુજરાતી હોય અને ત્યાં ગરબા ન હોય એવું તો કેમ બને? ગુજરાત્રી પ્રસ્તુત 'મૌજે ગુજરાત'માં ગાયકોએ ગરબાની પણ એવી મોજ કરાવી, એવી મૌજ કરાવી કે ગરબા ગાતા-ગાતાં આ ગાયકો પોતે પણ સ્ટેજ પર ગરબા રમવા માંડ્યા હતાં. આ જોઇ પ્રેક્ષકોએ પણ થોડી ક્ષણો માટે ઉભા થઇ ગરબે રમવા તૈયાર થઇ ગયા હતાં. પરંતુ ભરચક્ક હોલ અને બેઠક વ્યવસ્થા વચ્ચે એ શકય ન હોઇ પ્રેક્ષકોએ પોતાની આ ઇચ્છા દબાવી રાખી હતી અને મન ભરીને એક એકથી ચડીયાતા ગરબાઓના તાલે મોજ માણી લીધી હતી...તો આ હતી 'મૌજે ગુજરાત'ની મોજીલી વાતો...સૌની મૌજ...મૌજે ગુજરાત.

'ગુજરાત્રી' થકી આજની યુવા પેઢીને ગુજરાતીપણા સાથે જોડવાનું 'અકિલા'નું કામ

સંચાલકે એક તકે કહ્યું હતું કે-ગુજરાતી ભાષાના અખબાર 'અકિલા'એ નક્કી કર્યુ  કે આપણી ભાષામાં વૈવિધ્યસભર કાર્યક્રમો કરવા, સાહિત્યના અને સંગીતના કલાકારોને એવી રીતે રજૂ કરવા કે જેના માધ્યમથી જબરદસ્ત પ્લેટફોર્મ ઉભુ થાય અને આજની જનરેશનને આ ગુજરાતીપણા સાથે જોડી લેવાય અને એ કારણે જ એક પ્લેટફોર્મ ઉભુ થયું-ગુજરાત્રી.

આ કાર્યક્રમની જરૂર શું? વિશ્વ આખુ એક થઇ રહ્યું છે ત્યારે પ્રાદેશિક માનસિકતાની શું જરૂર છે? સાચી લાગતી દલિલમાં એટલુ જ કહી શકાય કે ગુજરાતી એ આપણો ઇતિહાસ નથી, આપણી અંદર જીવતો અહેસાસ છે. આ અહેસાસને જાળવી રાખવા માટે જ ગુજરાત્રી અંતર્ગત આવા કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. 

નિમિષભાઇ ગણાત્રા અને કવિ હિરેન સુબાની જુગલબંધીએ ગુજરાત્રીયન્સને આપી વધુ એક ભેટ

અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સના પાયાના પથ્થર સમા 'અકિલા' સાંધ્ય દૈનિકના વેબ એડિશનના એડિટર શ્રી નિમિષભાઇ ગણાત્રા અને તેમના મિત્ર કવિ હિરેન સુબાને ગુજરાત્રી નામની ઇવેન્ટ શરૂ કરવાનો વિચાર બ્લેક કોફી પીતા-પીતા આવ્યો હતો. આ વિચારને અમલ આપી ગુજરાત્રી નામનું પ્લેટફોર્મ ઉભુ કર્યુ અને એક પછી એક બે ઇવેન્ટ કોકટેલ દેસી તથા લાઇફ મંત્ર રજૂ કરી સફળતા મેળવી હતી. આ વખતે ' મૌજે ગુજરાત'  ઇવેન્ટ થકી ગુજરાત્રીયન્સને વધુ એક યાદગાર ભેટ આપી છે. ઇવેન્ટ કો-ઓર્ડીનેર તરીકે 'મૌજે ગુજરાત'નું સમગ્ર નિર્માણ-પ્રસ્તુતિમાં વહીવટી ભૂમિકા હિરેન સુબા સંભાળે છે. તેઓ રાજકોટના પ્રસિદ્ધ સાંધ્ય અખબાર અકિલાની વેબસાઇટ www.akilanews.com પર છેલ્લા ઘણા વર્ષોથી કસુંબો વિભાગનું પણ સફળ સંચાલન કરી રહ્યા છે અને તેમના દ્વારા રચાયેલ શાયરી અને કવિતાઓ થકી પણ તે લોકચાહના ધરાવે છે.

'મૌજે ગુજરાત'ની સફળતામાં આ તમામનો પણ નોંધપાત્ર ફાળો

ગુજરાત્રી અંતર્ગત આયોજીત 'મૌજે ગુજરાત'ને સફળ બનાવવા નૈનેશ બુટીક સુરત, લત્તાબેન, દર્શિત આચાર્ય, ઓપરેટીંગ ટીમના પિયુષ ખખ્ખર, લાઇટ્સ ડિઝાઇનીંગ ચેતન ટાંક, સાઉન્ડ સર્વિસ સુનિલ પટેલ, સેટ ડિઝાઇનર જામનગરના ઋષી અને તન્વી શાહ, કલ્પેશ પરમાર, એસ્કોર્ટ સિકયુરીટીના કોૈશિક ચાવડા, ગ્લોબલ કોમ્યુનિકેશન.કોમના શ્રી જીતુભાઇ જોષી અને તેમની ટીમ, રિષી સચદે, દિપક પટેલ, રશેષ પટેલ, હિરેન મહેતા, જતીન પરમાર તેમજ કોસ્ચ્યુમ ડિઝાઇનર કેયુરઅંજારીયા, વૈશાલી મારૂ અને સિદ્ધિબેન સહિતનો પણ નોંધપાત્ર ફાળો રહ્યો હતો. 

મુખ્ય હોલ હાઉસફુલ  થતા મિની થિએટરમાં પ્રેક્ષકોએ  સ્ક્રીન પર  શો નિહાળ્યો

ગુજરાત્રી અંતર્ગત મૌજે ગુજરાત નિહાળવા એટલી સંખ્યામાં પ્રેક્ષકો ઉમટી પડ્યા હતાં કે મુખ્ય હોલ હાઉસફુલ થઇ ગયો હતો. એ પછી મિની થિએટરમાં લાઇવ સ્ક્રીન પર શો નિહાળવા માટે પ્રેક્ષકોને બેસાડવા પડ્યા હતાં. આ મિની થિએટર પણ ફુલ થઇ ગયું હતું. 

મૌજે ગુજરાત ઇવેન્ટને મૌજથી ભરપૂર  બનાવનારા આ છે ગાયકો-કવિ અને સંચાલકો

અકિલા ઇન્ડિયા ઇવેન્ટ ગુજરાત્રી અંતર્ગત યોજાયેલી ત્રીજી સિઝન 'મૌજે ગુજરાત'ને મૌજથી ભરપુર બનાવવામાં જેણે એક એકથી ચડીયાતી રચનાઓ, ગીતો, ભજન, શાયરીઓ, કથનીઓ રજૂ કર્યા તેમાં ખુબ જાણીતા જાણીતા એવોર્ડ વિનિંગ ગાયકો શ્રી આદિત્ય ગઢવી (લોકગાયક-સુફી-સુગમ), સુશ્રી હિમાલી વ્યાસ નાયક (સુગમ-અર્બન-લોક સંગીત), શ્રી પ્રહર વોરા (ગાયક સુગમ/અર્બન) તથા ડો. રઇશ મણીયાર (કવિતા-હાસ્ય રસ)નો સમાવેશ થાય છે.

યુવા પેઢીના ફોક સિંગીગમાં પ્લેબેક રહેમાન પાસે તાલિમ મેળવી ચુકયા છે તેવા આદિત્ય ગઢવી, ગુજરાત્રીના પ્લેટફોર્મ કોકટેલ દેશીમાં પણ અનેક એવોર્ડ મેળવી ચુકેલા કલાસીકલ, વસ્ટર્ન કલાસીકલ મુંબઇથી હિમાલી વ્યાસ નાયક, ગુજરાતી સુગમ, ગુજરાતી યુવા પેઢીનું ખુબ જાણીતું નામ પ્રહર વોરા...પ્રહરે તમામ ગીતો રેકોર્ડ કરેલા છે. ગુજરાત્રીનો એવો હેતુ પણ છે કે જામી ગયેલા કલાકારો સાથે યુવાઓને પણ તક મળે તેવું જ એક નામ છે રાજકોટના ગાયિકા કે જ બે ન્ડ પણ ચલાવે છે એ છે ગાથા પોટા. આ ચારેય ગાયકોએ મૌજે ગુજરાતમાં સૌને મોજ કરાવી હતી.  તો આ ઇવેન્ટમાં દિગ્દર્શક-સંચાલક વિરલ રાચ્છ તથા કવિ મિલિન્દ ગઢવીએ પણ અલગ-અલગ થીમ મુજબ વિષય મુજબ સુચારૂ સંચાલન કરી સાથોસાથ હાસ્યની છોળો પણ ફેલાવી સૌ પ્રેક્ષકોને સતત ચાર કલાક જકડી રાખવામાં સફળતા મેળવી હતી.

મૌજે ગુજરાતમાં ઉપસ્થિત માનવંતા મહાનુભાવો-મહેમાનો

'મૌજે ગુજરાત' ઇવેન્ટમાં મોટી સંખ્યામાં અલગ અલગ ક્ષેત્રના મહાનુભાવો, માનવંતા મહેમાનોએ પણ ઉપસ્થિત રહી પ્રસંગને દિપાવ્યો હતો. જેમાં સર્વેશ્રી રાજુભાઇ પોબારૂ (પ્રમુખ લોહાણા મહાજન), ડો. હિમાંશુભાઇ ઠક્કર (મંત્રીશ્રી), ડો. ચેતનભાઇ લાલસેતા (પ્રમુખ આઇએમએ-રાજકોટ), ડો. સુશીલભાઇ કારીયા (પ્રમુખ રઘુવંશી ડોકટર્સ એસો.), ડો. નિતાબેન ઠક્કર, ડો. જનકભાઇ ઠક્કર, નવીનભાઇ ઠક્કર, દિનેશભાઇ ગોળવાળા, ડો. પરાગ દેવાણી, ડો. મયંકભાઇ ઠક્કર તેમજ શ્રી પરાક્રમસિંહ જાડેજા (જ્યોતિ સીએનસી), દિનેશભાઇ બવારીયા (ઇગલ ટ્રાવેલ્સ),    પ્રદેશ ભાજપ અગ્રણી નિતિન ભારદ્વાજ, ડે. મેયર અશ્વિનભાઇ મોલીયા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદય કાનગડ, શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, પ્રદેશ કોંગ્રેસ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, ભાજપના રાજુભાઇ ધ્રુવ, મ્યુ. કોર્પોરેશન બાંધકામ સમિતિ ચેરમેન મનિષભાઇ રાડીયા, આરોગ્ય સમિતિ ચરેમન જયમિન ઠાકર, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કોંગી અગ્રણી મહેશ રાજપૂત, પ્રદિપભાઇ ત્રિવેદી, પિયુષ મહેતા, જીલ્લા કોંગ્રેસ અગ્રણી મનોજ રાઠોડ, વિરલ ભટ્ટ, જાણીતા ધારાશાસ્ત્રી અભયભાઇ ભારદ્વાજ, અનિલભાઇ દેસાઇ, એડવોકેટ આશિષ સોનપાલ, મિનલ સોનપાલ, નાટ્વવિદ કોૈશિક સિંધવ, તબિબી જગતના ડો. વિવેક જોષી, ડો. જયપ્રકાશ ભટ્ટ, ડો. જયેશ ડોબરીયા, ડો. મિલાપ મશરૂ, ડો. રાજેશ સોલંકી, ડો. જયેશ પરમાર, ડો. હિમાંશુ ઠક્કર, ડો. મેહુલ મિત્રા, ડો. અલ્પના મિત્રા, ડો.મયંક ઠક્કર, ડો. ચેતન લાલસેતા આ ઉપરાંત મેહુલ દામાણી, સુજીત ઉદાણી, નિતિન કામદાર, સીએનબીસીના શ્રી મૌલિક ઠક્કર, સુ શ્રી દેવલ વોરા, જૈન અગ્રણી શ્રી નિલેષભાઇ (ભીમભાઇ) ભાલાણી સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. 

રાજકોટ એવું શહેર છે જ્યાં લોકોને ઇશારાથી કામ ચાલતું હોય તો  ગુજરાતી પણ ન બોલે!...

બોલવા માટે માવો થુંકવો પડે!: ડો. રઇશ મણિયારે દીધો હાસ્યનો ડોઝ

.   'મૌજે ગુજરાત'માં ગાયકોઓ તો સૂરીલા ગીતો થકી મૌજ કરાવી જ હતી તો સુરતના ડો. રઇશ મણિયારે પણ હાસ્યની નોખી-અનોખી વાતો કરી સૌને પેટ પકડીને હસાવ્યા હતાં. ડો. મણિયાર કે જે જ્યોતિન્દ્રભાઇ અને વિનોદભાઇ પછી હાલના સમયમાં સૌથી મોટુ નામ ધરાવે છે. તેણે વ્યંગના બાણોથી સૌને હસાવ્યા હતાં. જોઇએ તેની કેટલીક ઝલક.

.   આટલા બધા સફળ ગાયકોના કાફલામાં એક કવિની શું જરૂર છે? પછી એવો વિચાર આવ્યો કે ગુજરાતે હમેંશા સંતોને-બાપુઓને માથે ચડાવ્યા છે, તો આજે મને કવિ તરીકે નહિ પણ 'ભાષારામ બાપુ' તરીકે નિભાવી લેજો.

.   રાજકોટ એવું શહેર છે જ્યાં લોકોને ઇશારાથી કામ ચાલતું હોય તો  ગુજરાતી પણ ન બોલે!...(બોલવા માટે માવો થુંકવો પડે!)

.   રાજકોટમાં આમ તો પીવાનું ઘણું મળી જાય પણ એક એવી વસ્તુ જે રાતે પણ માંગો ત્યારે મળી જાય, એ છે ચા.

આવી અનેક વાતો થકી ડોકટરે હાસ્યનો ડોઝ આપી સૌને મોજ કરાવી હતી. અને છેલ્લે...ઉડે ઉડે પતંગ ગુજરાતનો...એ ગીત ડો. રઇશ મણિયારે લખ્યું છે આ ઉપરાંત સાપુતારા આંખો કા તારા અને ખુશ્બૂ ગુજરાત કી સ્લોગન પણ એમણે લખ્યા છે.

 

(3:03 pm IST)