Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

મહારાષ્ટ્રમાં હવે શું? શિવસેના બેકફૂટ ઉપર

આઠવલેએ રજૂ કરેલ ''૩ વર્ષ ભાજપ- ૨ વર્ષ શિવસેનાના મુખ્યમંત્રી''ની ફોર્મ્યુલા ભાજપને સ્વિકાર્ય છે?

નવીદિલ્હી,તા.૧૮: એનસીપી સુપ્રીમો શરદ પવારને રાજકીય ચાણકય ગણવામાં આવે છે. તેમણે જબરો દાવ ખેલ્યો છે અને સોનિયાજી સાથેની મંત્રણામાં મહારાષ્ટ્રમાં સરકાર રચવા કોઈ વાત થઈ નથી તેવી જાહેરાત કરી ખળભળાટ મચાવી દીધો છે. વાસ્તવમાં આવું કોઈ માનતું નથી. આ જ ઉદ્દેશ્યથી આ બેઠક ગોઠવાઈ હતી. સ્વાભાવિક ચર્ચા થઈ જ હોય પરંતુ નરેન્દ્રભાઈએ સંસદમાં પવારજીના વખાણ કર્યા અને તે પછી વાત પલટાઈ ગઈ.

દરમિયાન કેન્દ્રિય મંત્રી, એનડીએના સાથી પક્ષ રિપબ્લીકન પાર્ટી ઓફ ઈન્ડિયાના ચેરમેન શ્રી રામદાસ આઠવલે શિવસેનાને ૨ વર્ષ માટે અને ભાજપને ૩ વર્ષ માટે મુખ્યમંત્રીપદ આપવાની નવી ફોર્મ્યુલા જાહેર કરતા નવો વળાંક આવ્યો છે.

જો કે આ વાતને ભાજપની મંજૂરી છે કે કેમ તે જાણવા મળતું નથી. પરંતુ આઠવલેજી ૨ દિવસ પહેલા જ અમિતભાઈને મળેલ અને મધ્યસ્થી થવા ઓફર કરેલ, જેના જવાબમાં અમિતભાઈએ ''ડોન્ટવરી'' કહેલ તેને ખૂબ સૂચક માનવામાં આવે છે.

શ્રી શરદ પવાર ઉપર ઈડીની તપાસની તલવાર લટકે છે. ત્યારે બહારથી હાકલા - પડકારા સિવાઈ એનસીપી કોઈ નકકર પગલું ભરી સરકાર રચવા તરફ આગળ વધે તેવું કોઈ માનતું નથી.

અંતે સહુને આશ્ચર્ય સર્જાય તે રીતે ભાજપ- શિવસેના સરકાર રચાઈ જાય તો નવાઈ નહિ અને તેવુ રાજકીય પંડિતો માની રહ્યા છે.

દરમિયાન સંસદમાં શિવસેનાએ વિપક્ષી તેવર દર્શાવવા શરૂ કરી દીધા છે.

શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે સરકાર બનાવવાની જવાબદારી શિવસેનાની ન હતી. આ જવાબદારી જેમની હતી તેઓ (ભાજપ) જવાબદારી ખંખેરી ભાગી ગયા છે.

શ્રી પવારે પણ સૂચક રીતે મહારાષ્ટ્રમાં સરકાર રચવા બાબતે શિવસેનાને કોઈપણ ભરોસો આપેલ છે કે કેમ ? તેવા સવાલનો જવાબ આપ્યો ન હતો. પવારે કહેલ કે આ પ્રશ્ને માત્ર કોંગ્રેસ- એનસીપી નિર્ણય લઈ ન શકે અન્ય પક્ષો સાથે પણ વાતચીત જરૂરી છે.

આમ મહારાષ્ટ્રનું કોકડું ગુંચવાયેલું રહ્યું  છે અને સહુની નજર આજે શું ડેવલપમેન્ટ થાય છે તે તરફ મંડાયેલ છે.

શરદ પવારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હજુ તેઓ શિવસેનાની સરકાર બનાવવા આતુર નથી અને થોડો વધુ સમય ઈચ્છે છે અથવા તો વધુ રાજકીય પત્તા રમવા માગે છે.

પવારના નિવેદન પછી શિવસેનાના રાઉત તરત તેમના ઘરે ગયા હતા અને ત્યાંથી નિકળી જે વાતો કરી તેનાથી સરકાર તેઓ (શિવસેના) રચશે કે કેમ તેના ઉપર પ્રશ્નો ઉભા થયા છે.

(11:35 am IST)