Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

પાકિસ્તાનમાં બે ભારતીય સોફ્ટવેર એન્જીનીયરોની ધરપકડ : ગેરકાયદે પ્રવેશ કરવાનો આરોપ મુકાયો

ધરપકડ થયેલ પ્રશાંત ( મધ્યપ્રદેશ ) અને દારિલાલ ( તેલંગાણા ) પાસેથી કોઈ દસ્તાવેજ નહીં મળ્યાનો દાવો

 

નવી દિલ્હી : પાકિસ્તાનના અધિકારીઓએ બે ભારતીયની ધરપકડ કરી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે તેમના પર ગેરકાયદે રીતે પાકિસ્તાનમાં પ્રવેશવાનો આરોપ છે. ધરપકડ થયેલા પ્રશાંત(મધ્યપ્રદેશ) અને દારીલાલ(તેલંગાણા) છે.

 પાક.મીડિયા જિયો ન્યૂઝ પ્રમાણે બન્નેની ધરપકડ પંજાબ પ્રાંતના બહાવલપુરમાં કરવામાં આવી હતી. તેમની પાસે કોઇ દસ્તાવેજ મળ્યા નથી. પોલીસે જણાવ્યું કે બન્ને વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમાંથી એક સોફ્ટવેર એન્જિનિઅર હોવાનું કહેવાઇ રહ્યું છે. પોલીસનું માનવું છે કે તેમને પાકિસ્તાનમાં આતંકી હુમલા માટે મોકલવામાં આવ્યા હતા.

 અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષે ઓગસ્ટમાં પંજાબ પ્રાંતની પોલીસે દાવો કર્યો હતો કે તેમણે એક ભારતીય જાસૂસની ધરપકડ કરી છે. તેની ધરપકડ ડેરા ગાઝી ખાન કસબામાંથી કરવામાં આવી હતી અને બાદમાં ગુપ્તચર એજન્સીઓને સોંપી દેવાયો હતો. તેની ઓળખ રાજૂ લક્ષ્મણ તરીકે કરવામાં આવી હતી. જ્યારે તે બલૂચિસ્તાન પ્રાંતથી સિંધમાં દાખલ કરી રહ્યો હતો ત્યારે ધરપકડ કરવામાં આવી હતી.

(10:26 pm IST)