Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

ઈરાનમાં પેટ્રોલના ભાવ વધતા રમખાણો ફાટી નીકળ્યા : બે લોકોના મોત

દરેક મહિને શરૂઆતનાં 60 લિટર પેટ્રોલની ખરીદી પર કિંમતમાં 50 ટકાઅને વધારાના પેટ્રોલની ખરીદી પર કિંમતમાં 300 ટકાનો વધારો

ઇરાનમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલા વ્યાપક વિરોધ પ્રદર્શનોમાં બે જણાનાં મોત વચ્ચે દેશનાં પ્રમુખ હસન રૂહાનીએ રવિવારે ચેતવણી આપી છે કે 'રમખાણગ્રસ્ત ઇરાનમાં 'અસુરક્ષા' માટે કોઇ સ્થાન નથી.

રૂહાનીએ કહ્યુ કે 'વિરોધ પ્રદર્શન કરવા લોકોનો અધિકાર છે.પરંતુ પ્રદર્શન અને રમખાણમાં ફરક છે.અમે સમાજમાં અસુરક્ષા નહીં ફેલાવા દઇએ.'દેશમાં પેટ્રોલનાં ભાવ વધારાને પ્રદર્શનોનું કારણ માનવામાં આવે છે.

રૂહાની પેટ્રોલની કિંમતમાં થયેલા વધારાને યોગ્ય ઠરાવી હતી અને તેનો બચાવ કર્યો હતો.પેટ્રોલનો ભાવ વધારો કરવા અંગે સરકારનું કહેવું છે કે આ એક એવું પગલું છે કે આર્થિક મંદીનાં સમયમાં સમાજ કલ્યાણનાં કાર્યક્રમને આર્થિક મદદ આપશે.

ઇરાન સરકારે ઘોષણા કરી હતી કે દરેક મહિને શરૂઆતનાં 60 લિટર પેટ્રોલની ખરીદી પર કિંમતમાં 50 ટકા વધારો થશે અને આ મર્યાદાથી વધારાનાં પેટ્રોલની ખરીદી પર કિંમતમાં 300 ટકાનો વધારો કરવામાં આવશે,આ જાહેરાતનાં થોડા કલાકો બાદ ઇરાનમાં વિરોધ પ્રદર્શનો શરૂ થઇ ગયા હતાં.

ઇરાનનાં સર્વોચ્ચ ધાર્મિક નેતા અયાતુલ્લા ખોમેનીએ પેટ્રોલનાં ભાવ વધારવાનાં સરકારનાં નિર્ણયનું સમર્થન કર્યુ છે.તેમણે કહ્યુ કે જે લોકો વિરોધ પ્રદર્શનો દરમિયાન જાહેર મિલકતને નુકસાન પહોંચાડી રહ્યા છે તે 'ડાકુ' છે અને તેમને ઇરાનનાં દુશ્મનોનું સમર્થન સાંપડી રહ્યું છે.

(12:00 am IST)