Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

ગાંધી પરિવારને ઘેરવાના ચક્કરમાં મોદીએ કરી મોટી ભુલ : સીતારામ કેસરીને ગણાવ્યા દલિત

કેસરી દલિત નહિ પણ પછાત સમાજ વૈશ્ય હતા

નવી દિલ્હી તા. ૧૯ : છત્તીસગઢમાં એક ચૂંટણી સભા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધી પરિવારને ઘેરવાના ચક્કરમાં મોટી ભૂલ કરી બેઠા હતા. તેમણે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સીતારામ કેસરીને દલિત નેતા બતાવી દીધા હતા.

જો કે, છત્તીસગઢના મહાસમુંદમાં રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે, દલિત સીતારામ કેસરીને કોંગ્રેસ અધ્યક્ષ પદનો કાર્યકાળ પુરો કરવા દીધો નહોતો, તેમને સોનિયા ગાંધી માટે હટાવવામાં આવ્યા હતા. એક જ પરિવારની ચાર પેઢીઓએ દેશ પર શાસન કર્યું અને સત્તામાં હોવાનો ફાયદો ઉઠાવ્યો હતો, પરંતુ દેશને તેમના શાસનથી ફાયદો થયો નહોતો.

પીએમ મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું કે, મારો સવાલ છે કે પાંચ વર્ષ માટે આ પરિવારનો એક વ્યકિતને અધ્યક્ષ બનાવીને જોઇ લો. દેશને ખબર છે કે સીતારામ કેસરી દલિત, પીડિત અને શોષિત સમાજમાંથી આવેલા વ્યકિતને પાર્ટી અધ્યક્ષના પદ પરથી કેવી રીતે હટાવવામાં આવ્યા હતા. કેવી રીતે બાથરૂમમાં બંધ કરી દેવામાં આવ્યા હતા. કેવી રીતે દરવાજામાંથી કાઢી મૂકીને ફૂટપાથ પર ફેંકી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ મેડમ સોનિયા ગાંધીજી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા.

પરંતુ પીએમ મોદીએ સીતારામ કેસરીને દલિત જણાવીને મોટી ભૂલ કરી બેઠા કારણ કે કેસરી દલિત નથી, પરંતુ તે પછાત સમાજ વૈશ્ય હતા. સીતારામ કેસરી બિહારના દાનાપુરના રહેવાસી હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પીએમ મોદીને જવાબ આપતા પી ચિદમ્બરમે ટ્વીટમાં ૧૫ અધ્યક્ષો જણાવ્યા હતા, જે નહેરૂ પરિવારના નહોતા. જેનો ગત રવિવારે પીએમ મોદી ચૂંટણી સભામાં વાત કરીને કોંગ્રેસ પર નિશાન સાંઘી રહ્યા હતા.

પીએમ મોદી જ નહીં, બીજેપી અધ્યક્ષ અમિત શાહે પણ ટ્વિટ મારફતે કોંગ્રેસને નિશાન બનાવ્યા હતા. તેમણે કહ્યું કે, પીએમ યોગ્ય કહી રહ્યા છે. ૧૯૭૮માં આરંભ થયાના અત્યાર સુધીમાં પરિવારના ૪ સભ્યો કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રહી ચૂકયા છે. રાજનૈતિક પક્ષ તરીકે જનતાની સેવા કરવાના કારણે પાર્ટી વંશવાદી જૂથ બનીને રહી ચૂકી છે.

એક બીજી ટ્વિટમાં અમિત શાહે સીતારામ કેસરી અને નરસિમ્બા રાવની વાત કરી હતી. તેમણે લખ્યું કે, હાલના વર્ષોમાં પરિવારથી બહારના બે કોંગ્રેસ અધ્યક્ષ બન્યા છે, જેમને ખરાબ રીતે અપમાનિત કરવામાં આવ્યા હતા. નિધન બાદ રાવના નશ્વરદેહને કોંગ્રેસ ઓફિસની અંદર આવવો પણ દીધો નહોતો. દિગ્ગજ નેતા સીતારામ કેસરીનું પણ વફાદાર ગુંડાઓએ ખરાબ રીતે અપમાન કર્યું, આ બધું અમે જાણીએ છીએ.

(12:45 pm IST)