Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

આફ્રિકાની કેરી મુંબઇમાં

આપણા દેશના વેપારીઓએ મલાવીની કેરી આયાત કરતાં હવે રસિયાઓ ઠંડીની સીઝનમાં પણ કેરીનો સ્‍વાદ માણી શકશેઃ એનો સ્‍વાદ ૯૯ ટકા આપણા દેશની કેરી જેવો જઃ નવી મુંબઇમાં આજે ડઝનના ભાવ નકકી થશેઃ અંદાજે ૧પ૦૦ થી ૧૮૦૦ રૂપિયે ડઝન હશે

માણો સ્‍વાદ : APMCમાર્કેટમાં આવેલી મલાવીમેન્‍ગોઝ

મુંબઇ તા. ૧૯ : મુંબઇના કેરીના સ્‍વાદરસિયાઓને સામાન્‍ય રીતે ઉનાળામાં જ કેરીનો સ્‍વાદ માણવા મળે છે, પરંતુ નવી મુંબઇના વાશીમાં આવેલી APMC માર્કેટમાં આફ્રિકાના મલાવી દેશની કેરી આયાત થતાં હવે આ રસિયાઓ આજથી જ આફુલ કેરીની મજા માણી શકશે. મલાવીની કેરીનો સ્‍વાદ ૯૯ ટકા આપણા દેશની કેરી જેવો જ હોવાનો કેરીના વેપારીઓ દાવો કરી રહ્યા છે.

મુંબઇ અને પુણેના કેરીના વેપારીઓએ આ વખતે આક્રિકાના મલાવી દેશની કેરીઓની આયાત કરી છે. આપણે ત્‍યાં કેરીની સીઝન જાન્‍યુઆરીથી શરૂ થાય છે. જો કે કેરીના વેપારીઓએ કેરીના સ્‍વાદરસિયાઓ માટે બે મહિના પહેલાં જ મલાવીથી કેરીની એક-એક ડઝનનાં બોકસોની આયાત કરતાં કેરીની સીઝન મુંબઇ અને પુણેમાં શનિવારથી જ શરૂ થઇ ગઇ હતી. મલાવીની કેરીની આપણા દેશના કેરીના વેપારીઓએ આયાત શરૂ કરતાં હવે ડિસેમ્‍બરમાં પણ લોકો કેરીનો આનંદ લઇ શકશે.

આપણા દેશમાં કેરીનું ઉત્‍પાદન ગરમીની સીઝનમાં જ થતું હોવાથી ઠંડીની સીઝનમાં લોકો કેરી આરોગી શકતા નથી. જો કે અમુક પ્રમાણમાં રત્‍નગિરીની લોકલ આફુસ મુંબઇ અને પુણેમાં આવી છે. એક અંદાજ પ્રમાણે મલાવીની કેરીનો ભાવ ૧પ૦૦ થી ૧૮૦૦ રૂપિયે ડઝનનો રહેશે. આમ છતાં નવી મુંબઇના ભાવ વેપારીઓ આજે જાહેર કરશે.

મલાવીની કેરીનો સ્‍વાદ ઓકટોબર મહિનામાં પણ લોકોને માણવા મળ્‍યો હોત, પરંતુ અમુક ટેકિનકલ કારણોસર લોકોએ કેરી માણી શકયા નહોતા. હવે ભારત અને આફ્રિકા વચ્‍ચે કરાર થયા હોવાથી આ કેરી આયાત થવા લાગશે. આફ્રિકામાં કેરીની સીઝન ઓકટોબરથી ડિસેમ્‍બર સુધી હોય છે.

મલાવીયામાં કેરીનું ઉત્‍પાદન આફ્રિકા અને બ્રિટનના નાગરીકોની બનેલી સંયુકત કંપની કરી રહી છે. આ કંપનીઓ કેરી, અનનાસ, કેળાં અને અન્‍ય ફળોનું ઉત્‍પાદન સાથે મળીને કરે છે. આ સિવાય આ કંપની કેરી અને કેળાંનો પલ્‍પ યુરોપિયન કન્‍ટ્રી માટે બનાવે છે.

આ બાબતની માહિતી આપતાં APMC માર્કેટના કેરીના અગ્રણી વેપારી સંજય પાસરેએ કહ્યું કે શિનવારે મલાવીની કેરીનાં ૧પ૦ બોકસ માર્કેટમાં આવ્‍યાં છે. આ કેરી મલાવીની મલાવી મેન્‍ગોઝ (ઓપરેશન્‍સ) લિમીટેડ કંપનીની છે. આ કંપનીએ ર૦૦૯માં કેરી અને અન્‍ય ફળોનું ઉત્‍પાદન શરૂ કર્યું હતું. આ કંપની પ૦૦ હેકટર જમીનમાં અલ્‍ટ્રા હાઇ-ડેન્‍સિટી ઇન્‍ડિયન વેરાયટીની કેરીનું ઉત્‍પાદન કરે છે. એનું ઉત્‍પાદન ઓકટોબરથી ડિસેમ્‍બરમાં કરવામાં આવે છે.

(10:56 am IST)