Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

પંજાબમાં ગ્રેનેડ હુમલા બાદ દેશભરમાં એલર્ટની ઘોષણા

તમામ મોટા ધાર્મિક સ્થળો, અન્યત્ર સુરક્ષા મજબૂત : ગ્રેનેડ હુમલા બાદ તમામ મોટા શહેરોમાં પેટ્રોલિંગ તેમજ કોમ્બિંગ પ્રક્રિયા તીવ્ર કરાઈ : પરિસ્થિતિ પર બાજ નજર

અમૃતસર, તા. ૧૮: પંજાબના અમૃતસર નજીક રાજા સામસી વિસ્તારમાં ધાર્મિક બેડા પર કરવામાં આવેલા ગ્રેનેડ હુમલામાં ત્રણ લોકોના મોત થયા બાદ દેશભરમાં એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. આ બ્લાસ્ટ બાદ પંજાબ સહિત દેશભરમાં હાઈએલર્ટની જાહેરાત કરવામાં આવી છે. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પણ હાઈએલર્ટની જાહેરાત કરવામાં આવી છે. મળેલી માહિતી મુજબ ધાર્મિક ડેરામાં બે હુમલા કરવામાં આવ્યા બાદ તરત જ પાટનગર દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હાઈએલર્ટની જાહેરાત કરવામાં આવી હતી. બીજી બાજુ દેશના જુદા જુદા રાજ્યોની સરહદો સીલ કરવામાં આવી હતી. દિલ્હીમાં પણ નિરંકારી સમુદાયના ધાર્મિક સ્થળો ઉપર સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી હતી. દેશના મોટા ધાર્મિક સ્થળો, મોટા બજારો, રેલવે સ્ટેશનો, બસ સ્ટેશનો ખાતેની સુરક્ષા વ્યવસ્થા તરત જ વધુ મજબૂત કરવામાં આવી હતી. પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ દ્વારા તમામ જગ્યાઓ ઉપર ગુપ્તરીતે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફરાર થયેલા શખ્સોની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે. અમૃતસરથી આશરે સાત કિલોમીટરના અંતરે સ્થિત નિરંકારી ભવનમાં બે ગ્રેનેડ ઝીંકવામાં આવ્યા બનાવ બાદ દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર સહિતના રાજ્યોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી હતી. તમામ જગ્યાઓએ નાકાબંધી પણ કરવામાં આવી છે. નોઇડામાં પણ એલર્ટની ઘોષણા કરાઈ છે. નિરંકારી ભવનમાં દર રવિવારે મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો પહોંચતા રહે છે.

(12:00 am IST)