Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

પંજાબમાં આતંકવાદ ફરી સજીવન કરવાના પ્રયાસો

ત્રાસવાદીઓની હાજરી અંગે હેવાલ વચ્ચે બ્લાસ્ટ : જૈશે મોહમ્મદના છથી સાત આતંકવાદીઓની ઉપસ્થિતિ અને ખતરનાક જાકીર મુસાના હેવાલ વચ્ચે હુમલો કરાયો

અમૃતસર, તા. ૧૮ : પંજાબ સ્થિત અમૃતસરનું રાજા સાંસી વિસ્તારમાં ધાર્મિક પ્રસંગમાં ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યા બાદ ભારે ખળભળાટ મચી ગયો છે. ગ્રેનેડ હુમલા બાદથી પંજાબમાં ફરી એકવાર દહેશતનો માહોલ છવાઈ ગયો છે. પંજાબમાં આતંકવાદને ફરી સજીવન કરવાના પ્રયાસ પણ થઇ રહ્યા હોવાના અહેવાલ છેલ્લા ઘણા સમયથી આવી રહ્યા છે. ગુરુવારના દિવસે દિલ્હીથી એવા અહેવાલ આવ્યા હતા કે, કાશ્મીરના ખુંખાર ત્રાસવાદી ઝાકીર મુસા પોતાના સાથીઓની સાથે પંજાબના રસ્તે દિલ્હી અથવા તો એનસીઆરમાં જઇ શકે છે. દિલ્હી પોલીસને ઇન્પુટમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, ખતરનાક ત્રાસવાદી સંગઠન જૈશે મોહમ્મદના છથી સાત ત્રાસવાદીઓ હુમલાના કાવતરા રચી રહ્યા છે. મુસા છેલ્લા એક વર્ષથી સુરક્ષા સંસ્થાઓ માટે માથાના દુખાવા સમાન છે. પંજાબની શાંતિ ભંગ કરવાના પ્રયાસ થઇ રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. પંજાબ કોંગ્રેસના વડા સુનિલ જાખડે કહ્યું છે કે, આ બ્લાસ્ટને લઇને ચિંતા વધી ગઈ છે. કારણ કે પંજાબમાં ફરી એકવાર આતંકવાદને સજીવન કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. સુરક્ષા સંસ્થાઓ દ્વારા પહેલાથી જ એલર્ટની જાહેરાત કરવામાં આવી ચુકી છે. રાજ્યમાં શાંતિ જળવાઈ રહે તે માટે કેન્દ્રીય તપાસ સંસ્થાઓ અને રાજ્ય પોલીસ સાથે મળીને સંકલન જાળવીને કામ કરે તે જરૂરી છે. જૈશે મોહમ્મદના છથી સાત ત્રાસવાદીઓ હુમલાની ખતરનાક યોજના ઘડી રહ્યા હોવાના અહેવાલ હાલમાં આવી ચુક્યા છે. પંજાબમાં આતંકવાદી હુમલાનો ખતરો પહેલાથી જ તોળાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ગ્રેનેડ હુમલો વધુ ચિંતા ઉપજાવે તેવો છે. એલર્ટ હોવા છતાં આ પ્રકારનો હુમલો સુરક્ષા ખામીને પણ દર્શાવે છે. સુરક્ષા સંસ્થાઓને સાવધાન રહેવાનો સમય હોવાનો દાવો હાલમાં કરવામાં આવી રહ્યો હતો પરંતુ આજે બપોરના ગાળામાં જ બુરખામાં આવેલા બે શખ્સો કઇરીતે હુમલો કરીને ફરાર થઇ ગયા તેને લઇને પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. મિડિયા રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો બ્લાસ્ટની પાછળ કટ્ટરપંથીઓનો હાથ હોઈ શકે છે. અલબત્ત આ બ્લાસ્ટ કોઇ આતંકવાદી હુમલો છે કે કેમ તે અંગે હજુ સુધી કોઇ વાત કરવામાં આવી નથી પરંતુ જે રીતે હુમલો કરવામાં આવ્યો છે તેને લઇને આતંકવાદી હુમલો હોવાની આશંકાને નકારી શકાય નહીં. પંજાબમાં વિતેલા દશકોમાં આતંકવાદી ગતિવિધિ ચરમસીમા ઉપર રહી ચુકી છે. ઇન્દિરા ગાંધીના શાસનકાળમાં પંજાબમાં આતંકવાદી ગતિવિધિ ચરમસીમા પર હતી. દશકો બાદ પંજાબમાં આતંકવાદી ગતિવિધિનો અંત આવ્યો હતો.

ગ્રેનેડ હુમલાની સાથે સાથે : ગુરદાસપુર, પઠાણકોટ બાદ વધુ હુમલો કરાયો

પંજાબમાં અમૃતસરના રાજા સામસી વિસ્તારના એક ધાર્મિક  બેરા ઉપર આજે કરવામાં આવેલા ગ્રેનેડ હુમલાથી સમગ્ર દેશ હચમચી ઉઠ્યો હતો. આ ગ્રેનેડ હુમલામાં ત્રણ લોકોના મોત થયા હતા. આ બ્લાસ્ટમાં ૨૦થી વધુ લોકો ગંભીરરીતે ઘાયલ થયા હતા. મોતનો આંકડો વધે તેવી દહેશત દેખાઈ રહી છે. ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફોરેન્સિક નિષ્ણાતો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને તપાસ ચાલી રહી છે. પંજાબમાં નિરંકારી ભવનમાં હુમલાની સાથે સાથે નીચે મુજબ છે.

*   પંજાબમાં અમૃતસર નજીક નિરંકારી ભવનમાં સત્સંગ દરમિયાન ગ્રેનેડ હુમલો કરાયો

*   પંજાબમાં પહેલા પણ આતંકવાદીઓ હુમલાઓ કરતા રહ્યા છે

*   વિતેલા વર્ષોમાં ગુરદાસપુર અને ત્યારબાદ પઠાણકોટ એરબેઝ ઉપર આતંકવાદીઓ દ્વારા હુમલા કરવામાં આવ્યા હતા

*   નિરંકારી ભવન પર કરવામાં આવેલા ગ્રેનેડ હુમલામાં આતંકવાદીઓની સંડોવણી છે કે કેમ તેને લઇને ઉંડી તપાસ હાથ ધરવામાં આવી

*   ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ ગ્રેનેડ હુમલા બાદ ઘટનાસ્થળે પહોંચી

*   પંજાબ સહિત દેશના જુદા જુદા રાજ્યોમાં હાઈએલર્ટની જાહેરાત કરવામાં આવી

*   નિરંકારી ભવનમાં નિરંકારી સંપ્રદાયને ટાર્ગેટ બનાવીને હુમલો કરાયા બાદ ફરાર થયેલા શખ્સોની શોધખોળ શરૂ

*   સત્સંગ દરમિયાન કરાયેલા હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારને પાંચ-પાંચ લાખ રૂપિયા આપવાની પંજાબ સરકાર દ્વારા જાહેરાત કરાઈ

*   નિરંકારી ભવન અમૃતસરથી સાત કિલોમીટરના અંતરે અને આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર ૨૦ કિલોમીટરના અંતરે સ્થિત છે

*   ગ્રેનેડ હુમલો કરાયા બાદ નોઇડા સહિત દેશભરમાં હાઈએલર્ટની જાહેરાત કરવામાં આવી

*   પંજાબ અને દેશના અન્ય રાજ્યોમાં તમામ મોટા શહેરોમાં પેટ્રોલિંગ અને કોમ્બિંગની પ્રક્રિયા વધુ તીવ્ર કરવામાં આવી

*   પંજાબમાં આતંકવાદને પુનઃ સજીવન કરવાના પ્રયાસો થઇ રહ્યા હોવાનો દાવો કરાયો

*   જૈશના છથી સાત ત્રાસવાદીઓ ઘુસ્યા હોવાના અહેવાલ વચ્ચે ગ્રેનેડ હુમલાથી પંજાબ પોલીસની ઉંઘ હરામ થઇ

(12:00 am IST)